સિડની: કોરોનાના કારણે જંગી આર્થિક નુકસાન સહન કરી રહેલા ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને ભારતીય ટીમના પ્રવાસથી તગડા આર્થિક લાભની અપેક્ષા છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ)ની તાજેતરમાં યોજાયેલી સામાન્ય સભામાં ચેરમેન અર્લ એડિંગ્સે કહ્યું કે, બોર્ડને અત્યાર સુધી ૮૫ મિલિયન ડોલર (રૂ. ૬૨૦ કરોડ)થી વધુનું નુકસાન થઈ ચૂક્યું છે. જે ૨૦૨૧ના અંત સુધી લગભગ રૂ. ૮૯૦ કરોડ સુધી પહોંચવાની શંકા છે.
કોરોનાને લીધે ઓસ્ટ્રેલિયામાં માર્ચ મહિનાથી કોઈ ઈન્ટરનેશનલ મેચ રમાઈ નથી. એડિંગ્સના અનુસાર, છેલ્લા ૧૨ મહિના સીએ માટે પડકારજનક રહ્યા છે. હવે ડિસેમ્બરથી ફેબ્રુઆરીમાં રમાનારી મેચો પર અપેક્ષા છે. ઓસ્ટ્રેલિયાના બોર્ડને ભારતના પ્રવાસમાંથી લગભગ ૨૧૧ મિલિયન ડોલર (રૂ. ૧૫૬૦ કરોડ)ની કમાણીની આશા છે.