નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામે એડિલેડ ખાતે રમાનારી પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ બાદ ભારત પરત ફરશે. બીજી તરફ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ (બીસીસીઆઇ)એ રોહિત શર્માનો ટેસ્ટ ટીમમાં સમાવેશ કર્યો છે. કોહલી જાન્યુઆરી મહિનામાં પિતા બનવાનો છે અને આ કારણથી તે બાકીની ત્રણ ટેસ્ટ રમશે નહીં અને તેણે આ બાબતની બોર્ડને જાણ પણ કરી દીધી છે.
તાજેતરમાં સિનિયર ટીમની પસંદગી સમિતિની બેઠક યોજાઇ હતી અને બોર્ડની મેડિકલ ટીમના રિપોર્ટ બાદ કેટલાક પ્લેયરનું રિપ્લેસમેન્ટ કરાયું હતું. માનવામાં આવી રહ્યું છે કે પસંદગી સમિતિ કે પ્રમુખ સૌરવ ગાંગુલીએ રોહિત સાથે વાટાઘાટ કરી હતી અને ત્યારબાદ તેને ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે તથા ટી૨૦ શ્રેણીમાં આરામ અપાયો છે. આ સાથે પસંદગી સમિતિએ સંજૂ સેમસનને એક્સ્ટ્રા વિકેટકીપર તરીકે વન-ડે ટીમમાં સામેલ કર્યો છે.
ઇશાન્ત શર્મા હાલમાં બેંગ્લોર ખાતેની નેશનલ ક્રિકેટ એકેડેમી ખાતે રિહેબિલિટેશન પ્રોગ્રામમાંથી પસાર થઇ રહ્યો છે. તે સંપૂર્ણ ફિટ થઇને ફિટનેસ હાંસલ કરી લેશે ત્યારે તેનો ટેસ્ટ ટીમમાં સમાવેશ કરવામાં આવશે. વરુણ ચક્રવર્તી ટી૨૦ શ્રેણીમાંથી બહાર થઇ ગયો છે અને તેના સ્થાને ટી. નટરાજનનો સમાવેશ કરાયો છે.
રિદ્ધિમાન સાહા પણ હેમસ્ટ્રિંગ ઇજાનો શિકાર બન્યો છે અને તેના રમવા અંગે પાછળથી નિર્ણય લેવાશે. કમલેશ નાગરકોટી પણ ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડી શકશે નહીં કારણ કે મેડિકલ ટીમ તેના બોલિંગ વર્કલોડ ઉપર કામ કરી રહી છે.
ભારતીય ટીમનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ ૨૭મી નવેમ્બરથી શરૂ થશે. છેલ્લે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગઇ હતી ત્યારે ટેસ્ટ શ્રેણીમાં ૨-૧થી વિજય હાંસલ કર્યો હતો. આ વખતે કોહલીબ્રિગેડ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જાળવી રાખવાનો પ્રયાસ કરશે.
• ટી૨૦ ટીમ ઇંડિયાઃ વિરાટ કોહલી (સુકાની), શિખર ધવન, મયંક અગ્રવાલ, લોકેશ રાહુલ (વિકેટકીપર), શ્રેયસ ઐય્યર, મનિષ પાંડે, હાર્દિક પંડયા, સંજૂ સેમસન (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, દીપક ચહર, વરુણ ચક્રવર્તી
• વન-ડે ટીમ ઇંડિયાઃ વિરાટ કોહલી (સુકાની), શિખર ધવન, શુભમન ગિલ, લોકેશ રાહુલ (વિકેટકીપર), શ્રેયસ ઐય્યર, મનીષ પાંડે, હાર્દિક પંડયા, મયંક અગ્રવાલ, રવીન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, શાર્દૂલ ઠાકુર
• ટેસ્ટ ટીમ ઇંડિયાઃ વિરાટ કોહલી (સુકાની), મયંક અગ્રવાલ, પૃથ્વી શો, લોકેશ રાહુલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, શુભમન ગિલ, રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), રિષભ પંત (વિકેટકીપર), જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, નવદીપ સૈની, કુલદીપ યાદવ, રવીન્દ્ર જાડેજા, આર. અશ્વિન, મોહમ્મદ સિરાજ