પોર્ટ ઓફ સ્પેનઃ વેસ્ટ ઇન્ડિઝ સામે રમાયેલી બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતના અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીએ સદી ફટકારીને બે રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. કોહલીની ટેસ્ટમાં 29મી તથા ઓવરઓલ 76મી ઇન્ટરનેશનલ સદી હતી. કોહલી હવે 500 મેચ રમવા સુધીમાં 76 સદી નોંધાવનાર વિશ્વનો એકમાત્ર ખેલાડી છે. બીજા ક્રમે સચિન તેંડુલકર છે જેણે 500ઇન્ટરનેશનલ મેચમાં 75 સદી નોંધાવી હતી. આ ઉપરાંત 500મી મેચમાં સદી નોંધાવનાર તે એકમાત્ર ખેલાડી છે. અત્યાર સુધી નવ ખેલાડીઓ 500 મેચના માઇલસ્ટોન સુધી પહોંચ્યા છે, પરંતુ એક પણ ખેલાડી માઇલસ્ટોન મેચમાં સદી નોંધાવી શક્યો નહોતો. શ્રીલંકાના સંગાકારાએ આ માઇલસ્ટોન મેચમાં હાઇએસ્ટ 48, સચિને 35 તથા ધોનીએ અણનમ 32 રન બનાવ્યા હતા. કોહલીએ ટેસ્ટમાં સદીના મામલે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી ડોન બ્રેડમેનની પણ બરોબરી કરી હતી. બ્રેડમેને બાવન મેચમાં 29 જ્યારે કોહલીએ 111 મેચમાં 29 સદી ફટકારી છે. કોહલીએ વિલિયમ્સનને પાછળ રાખી દીધો હતો જેના નામે 28 ટેસ્ટ સદી નોંધાયેલી છે.