કોલંબોઃ વર્ષ ૨૦૧૧માં ભારતીય ક્રિકેટ ટીમ ધોનીના નેતૃત્વમાં વર્લ્ડ ચેમ્પિયન બની ત્યારે ટીમનો હિસ્સો રહી ચૂકેલો ઝડપી બોલર મુનાફ પટેલ હવે લંકા પ્રીમિયર લિગમાં રમવાનો છે. ૨૬મી નવેમ્બરથી શ્રીલંકામાં લંકા પ્રમિયર લીગનો પ્રારંભ થઇ રહ્યો છે.
ભરૂચ નજીકના ઇખર ગામના વતની મુનાફ પટેલે કેન્ડી ટસ્કર્સ સાથે આ લીગ માટેના કરાર કરેલા છે. માત્ર મુનાફ જ નહીં, પરંતુ અન્ય એક ગુજરાતી સ્ટાર ઓલરાઉન્ડર ઇરફાન પઠાણ અને કેરેબિયન સુપરસ્ટાર ક્રિસ ગેઇલ પણ કેન્ડી ટસ્કર્સ માટે જ રમવાના છે.
હકીકતમાં અગાઉ નક્કી કરેલી ટીમમાં મુનાફ પટેલ ન હતો, પરંતુ તેને તથા પાકિસ્તાનના સૌહેલ તનવીરને હવે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. આ બંને ક્રિકેટર વહાબ રિયાઝ અને લિયમ પ્લન્કેટને સ્થાને ટીમમાં લેવામાં આવ્યા છે. લંકા પ્રીમિયર લીગ ૨૬મી નવેમ્બરથી શરૂ થશે અને ત્રણ સપ્તાહ ચાલશે. આ લીગમાં કુલ પાંચ ટીમ ભાગ લઇ રહી છે.