મેલબોર્નઃ ભારતીય ટીમના ભૂતપૂર્વ કોચ ગ્રેગ ચેપલે વધુ એક વખત ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ સુકાની સૌરવ ગાંગુલીને ટાર્ગેટ બનાવીને વિવાદ સર્જ્યો છે. ચેપલે જણાવ્યું હતું કે ગાંગુલી પોતાની રમતમાં સુધારો કરવા માગતો નહોતો અને તે માત્ર ટીમ પોતાના તાબા હેઠળ રહે તેવી ઇચ્છા રાખતો હતો. ચેપલે ૨૦૦૫થી ૨૦૦૭ સુધી ભારતીય ટીમના હેડ કોચ તરીકેની ભૂમિકા અદા કરી હતી અને તે સમયે તેમની તથા ગાંગુલી વચ્ચે ઘણા વિવાદ પણ સપાટી ઉપર આવ્યા હતા. ચેપલે ગાંગુલીને ટીમની બહાર કાઢી નાંખ્યો હતો અને ભારત ૨૦૦૭ના વર્લ્ડ કપના પ્રથમ રાઉન્ડમાં બહાર થઇ ગયું હતું.
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન ચેપલે જણાવ્યું હતું કે ભારતીય ટીમના કોચ તરીકે મારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો કારણ કે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) મારી પાસેથી ઘણી અપેક્ષા રાખતું હતું. આ મુશ્કેલીઓ માટે સૌરવ ગાંગુલી જવાબદાર હતો તેમ ભારપૂર્વક જણાવીને ચેપલે ઉમેર્યું હતું કે સુકાની તરીકે રહેવા પાછળ ગાંગુલીના કેટલાક ઇરાદા હતા. તે આકરી મહેનત કરવા માગતો નહોતો અને તે રમતમાં પણ સુધારો કરવા ઇચ્છતો નહોતો. ટીમ પોતાના તાબા હેઠળ રહે તે માટે ગાંગુલી ટીમનો સુકાની બની રહેવા માગતો હતો.
ચેપલે જણાવ્યું હતું કે સચિન તેંડુલકર, વીરેન્દ્ર સહેવાગ, અનિલ કુંબલે, રાહુલ દ્રવિડ અને યુવા ખેલાડીઓ સાથે કામ કરવાનો અનુભવ અદ્ભુત હતો. ધોની પણ આ ખેલાડીઓમાં સામેલ હતો. હું ટીમના અભિગમમાં સુધારો લાવવા માગતો હતો. દ્રવિડ જ એક એવો ખેલાડી હતો જે ટીમને વધારે સારી બનાવવા માટે તૈયાર હતો. દ્રવિડે ભારતને વિશ્વની સર્વશ્રેષ્ઠ ટીમ બનાવવા માટે પોતાની કેપ્ટનશિપમાં ઘણો સમય આપ્યો હતો. જોકે ટીમમાં પ્રત્યેકના વિચાર એક સરખા હોતા નથી. જ્યારે ગાંગુલીને ટીમમાંથી ડ્રોપ કરવામાં આવ્યો ત્યારે ટીમના અન્ય ખેલાડીઓને અહેસાસ થઇ ગયો હતો કે જો ગાંગુલી ટીમની બહાર થઇ શકે છે તો કોઇની પણ હકાલપટ્ટી થઇ શકે છે.
ગાંગુલીએ જ મારો સંપર્ક સાધ્યો હતો
ચેપલે જણાવ્યું હતું કે ભારતીય ટીમને કોચની જરૂર હતી ત્યારે ગાંગુલીએ જ મને કોચ બનવા ઓફર કરી હતી. તે સમયે જ્હોન બુચાનન ઓસ્ટ્રેલિયન ટીમનો મુખ્ય કોચ હતો. મેં નિર્ણય કર્યો હતો કે હું મારા દેશની નહીં તો વિશ્વની સૌથી મજબૂત ટીમ ભારતનો કોચ બનીશ. જે ગાંગુલીએ ચેપલને ટીમમાં કોચ તરીકે પ્રવેશ અપાવ્યો હતો તે ચેપલે જ તેને ટીમની બહાર જવાનો રસ્તો દેખાડયો હતો.