કોલકાતાઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના પ્રમુખ સૌરવ ગાંગુલીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ગાંગુલીએ છાતીમાં તીવ્ર દુખાવાની ફરિયાદ સાથે કોલકતાની પ્રાઇવેટ હોસ્પિટલ વુડલેન્ડ્સમાં દાખલ કરવામાં આવ્યો હતો. ગાંગુલીના હૃદયમાં ત્રણ બ્લોકેજ છે જેને દૂર કરવા માટે એન્જિયોપ્લાસ્ટી સર્જરી કરવામાં આવી હતી. સાતમી જાન્યુઆરીએ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ ગાંગુલીએ હોસ્પિટલના ડોક્ટર્સનો આભાર માનતા જણાવ્યું હતું કે મારી સારવાર માટે હું તમામ ડોક્ટર્સ સહિત મેડિકલ સ્ટાફનો આભાર માનું છે. હું સંપૂર્ણપણે સ્વસ્થ છું.
હોસ્પિટલના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ગાંગુલીને આમ તો એક દિવસ વહેલી - છઠ્ઠી જાન્યુઆરીએ જ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવનાર હતી, પરંતુ તેણે વધુ એક દિવસ તબીબી નિરીક્ષણ હેઠળ રહેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. સીઇઓ તથા હોસ્પિટલ મેનેજમેન્ટ ડાયરેક્ટર ડો. રૂપાલી બસુએ જણાવ્યું હતું કે, ગાંગુલી સ્વસ્થ છે અને તેઓ યોગ્ય ખોરાક પણ લઇ શકે છે. હવે ગાંગુલીને કોઇ મુશ્કેલી નથી.
પશ્વિમ બંગાળના ગવર્નર જગદીપ ધનખડ અને મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ પણ હોસ્પિટલે જઇને ગાંગુલીને મળી તેમના સ્વાસ્થ્ય અંગે જાણકારી મેળવી હતી.