અમદાવાદ: ગુજરાતમાં સોમવારે કોરોનાના ૮૯૦ નવા કેસો નોંધાયા બાદ સત્તાધીશોને જાણે આત્મજ્ઞાન લાદ્યું હોય તેમ એક પછી એક નિયંત્રણો લાગુ થઇ રહ્યા છે. સોમવારના કેસનો આંકડો રાજ્યમાં છેલ્લા ૩૦ દિવસમાં કેસમાં ૨૨૫ ટકાનો તોતિંગ વધારો સૂચવતો હતો. અમદાવાદમાં રમાઇ રહેલી ભારત-ઇંગ્લેન્ડ ટ્વેન્ટી૨૦ સિરીઝની બાકીની ત્રણેય મેચ દર્શકો વિના જ રમાડવાનો નિર્ણય જાહેર થયો હતો. તો મંગળવારે સરકારે રાજ્યના ચાર મહાનગરો - અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ૩૧મી માર્ચ સુધી રાત્રિના ૧૦થી સવારના ૬ વાગ્યા સુધી કરફ્યુ લાદવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે રાજ્યમાં કેસનો આંકડો વધીને ૯૫૪ પર પહોંચ્યો છે.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઇ ત્યારથી સહુ કોઇને આશંકા દર્શાવતા હતા કે રાજકીય પક્ષોના નેતાઓથી માંડીને કાર્યકરો જો પ્રચાર વેળા યોગ્ય કાળજી નહીં લે તો અંકુશમાં આવી રહેલો કોરોના ફરી માથું ઊંચકી શકે છે. અને કમનસીબે આશંકા સાચી પુરવાર થઇ છે. આવી જ આશંકા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ક્રિકેટ સિરીઝ શરૂ થઇ ત્યારે વ્યક્ત થઇ હતી. સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં દર્શકો ઉમટ્યા હતા અને સોશ્યલ ડિસ્ટન્સીંગના ધજાગરા ઉડ્યા હતા, જેના પરિણામ હવે જોવા મળી રહ્યા છે.
કોરોના કેસમાં આવેલા ઊછાળાને પગલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી ટી-ટ્વેન્ટી મેચ દર્શકો વિના જ રમાડવાનો નિર્ણય ગુજરાત ક્રિકેટ એસોસિયેશને નિર્ણય કર્યો હતો. જેમણે આ મેચોની ટિકિટ ખરીદી છે તેમને રિફંડ ચૂકવી દેવાશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૭ માર્ચે રાજ્યોના મુખ્ય પ્રધાનોની બેઠક બોલાવી છે જેમાં કોરોના અંગે કોઇ મોટો નિર્ણય લેવાય તેવી શક્યતા છે.
જોકે સહુ કોઇ માટે રાહતની બાબત એ છે કે રાજ્યમાં છેલ્લા ૩૦ દિવસમાં કોરોના કેસ અવશ્ય વધ્યા છે, પણ મૃત્યુની સંખ્યામાં ૩૩ ટકાનો ઘટાડો થયો છે. મંગળવારે રાજ્યમાં ૭૦૩ દર્દીઓ સાજા થયા હતા જ્યારે ૧,૭૨,૩૧૩ લોકોને રસી અપાઈ હતી. રાજ્યમાં કોરોના દર્દીઓનો રિકવરી રેટ ૯૬.૬૫ ટકા જેટલો ઊંચો છે.