નવી દિલ્હીઃ ભારતીય રેસર જેહાન દારૂવાલાએ સાખિર ગ્રાં-પ્રિ દરમિયાન ઇતિહાસ રચ્યો હતો. તે ફોર્મ્યુલા-૨ રેસ જીતનાર પ્રથમ ભારતીય રેસર બની ગયો છે. ફોર્મ્યુલા-૨ ચેમ્પિયન મિક શૂમાકર તથા ડેનિયલ ટિકટુમ સામેની રોમાંચક રેસમાં ૨૨ વર્ષીય ભારતીય રેસરે સિઝનની છેલ્લી ફોર્મ્યુલા વન ગ્રાં-પ્રિ સપોર્ટ રેસમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું હતું.
રિયો રેસિંગ માટે ડ્રાઇવિંગ કરનાર જેહાને ગ્રીડ ઉપર બીજા સ્થાન સાથે રેસની શરૂઆત કરી હતી અને તે ડેનિયલ ટિકટુમ સાથે હતો. ટિકટુમે જેહાનને સાઇડમાં કરવાનો પ્રયાસ કર્યો હતો તો મિક શૂમાકર આગળ થઇ ગયો હતો. જેહાન બંને કરતાં પાછળ રહ્યો હતો પરંતુ તેણે કુનેકપૂર્વકનું ડ્રાઇવિંગ કરીને પોતાની પ્રથમ એફઆઇએ ફોર્મ્યુલા-૨ રેસ જીતી લીધી હતી. જાપાનીઝ સાથીદાર યૂકી સુનોડા બીજા સ્થાને રહ્યો હતો. તે જેહાન કરતાં ૩.૫ સેકન્ડ પાછળ રહ્યો હતો. ટિકટુમ ત્રીજા ક્રમે રહ્યો હતો.
રેસ જીત્યા બાદ જેહાને જણાવ્યું હતું કે મારે ભારતમાં આપણા લોકોને સાબિત કરી આપવું હતું કે ભલે આપણી પાસે યુરોપના ડ્રાઇવર્સ જેવી સગવડો નથી પરંતુ જો તમે મહેનત કરો તો વિદેશીઓને રેસ ગ્રીડ ઉપર પડકાર ફેંકી શકો છો.