લોસ એન્જલ્સઃ વિશ્વપ્રસિદ્ધ ગોલ્ફર ટાઈર વૂડ્ઝનો ગંભીર માર્ગ અકસ્માતમાં જીવ તો બચી ગયો છે, પણ તેને ગંભીર ઇજા થઈ છે. ટાઈગર વૂડ્ઝ એસયુવી લઈને લોસ એન્જલ્સના સબર્બમાં પૂરપાટ સ્પીડે જતો હતો ત્યારે તેની એસયુવી પલ્ટી ખાઈ ગઈ હતી. લોસ એન્જલ્સનો આ વિસ્તાર આમ પણ આ પ્રકારના અકસ્માતો માટે જાણીતો છે, એમ સત્તાવાળાઓએ જણાવ્યું હતું.
ગોલ્ફ સુપરસ્ટારને એસયુવીની વિન્ડશિલ્ડ તોડીને બહાર કઢવામાં આવ્યો હતો. તેના એજન્ટના જણાવ્યા પ્રમાણે તેના પગનું ઓપરેશન કરાશે. આના લીધે તેની કારકિર્દી સામે પણ સવાલ સર્જાયા છે. મંગળવારે સર્જાયેલા આ અકસ્માત વેળા વૂડ્ઝ સેલ્ફ ડ્રાઇવ કરતો હતો.
વુડ્ઝની એસયુવી બે માર્ગવાળા રસ્તાને ક્રોસ કરતી વખતે ફૂલ સ્પીડના લીધે અંકુશ ગુમાવતા પલટી ખાઈ ગઈ હતી અને કેટલીય ગુલાટ ખાઈ ગઈ હતી. કાર અકસ્માત પછી પણ ટાઈગર વૂડ્ઝ પોતે ભાનમાં હતો અને તેણે પોતે જ ફાયર ફાઈટરોને બોલાવ્યા હતા.
એસયુવીની એરબેગ બહાર આવી જતાં વૂડ્ઝનો બચાવ થયો હતો, એમ લોસ એન્જલ્સ કાઉન્ટીના શેરિફ એલેક્સ વિલેન્યુએવાએ જણાવ્યું હતું. ટાઈગર વૂડ્ઝના બંને પગને ગંભીર ઇજા થઈ છે, એમ કાઉન્ટી ફાયર ચીફ ડેરિલ ઓસ્બીએ જણાવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે વૂડ્ઝને કેટલી ઇજા થઈ છે તે તાત્કાલિક જાણવા મળ્યું નથી. સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે તેઓ આલ્કોહોલ કે કોઈ બીજા માદક પદાર્થના પ્રભાવ હેઠળ વૂડ્ઝ ડ્રાઈવ કરતો હતો તેની તપાસ કરી હતી પરંતુ તેવું કશું મળ્યું ન હતું. તેઓએ જણાવ્યું હતું કે તેના વાહનની ઝડપ વધુ હતી.