સિડનીઃ ઓસ્ટ્રેલિયાના સિડની ગ્રાઉન્ડ પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે રમાયેલી બીજી વન-ડેમાં યજમાન દેશે ભારતને ૫૧ રને પરાજય આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ સર્વોચ્ચ સ્કોર બાદ ભારત સામેની બીજી-વન ડે પણ જીતી લેતાં ૨-૦ની અજેય લીડ સાથે સિરીઝ અંકે કરી લીધી છે. સ્મિથની બીજી સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ ચાર વિકેટે ૩૮૯ રન કર્યા હતા. જવાબમાં ભારતીય ટીમ નવ વિકેટે ૩૩૮ રન જ કરતાં ૫૧ રને પરાજય નોંધાયો હતો.
ઓસ્ટ્રેલિયાનો બે દિવસમાં જ નવો રેકોર્ડ
ઓસ્ટ્રેલિયન કેપ્ટને ભારત સામે ટોસ જીતીને પ્રથમ દાવ લેવાનો નિર્ણય કર્યો હતો અને આ નિર્ણય ફરી એક વાર સાચો પડયો હતો. સ્ટીવ સ્મિથની સદી અને ડેવિડ વોર્નર, એરોન ફિન્ચ, માર્નસ લાબુશાને તથા ગ્લેન મેક્સવેલની અર્ધસદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ ૫૦ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને ૩૮૯ રનનો વિશાળ સ્કોર ઊભો કરી દીધો હતો. નોંધનીય છે કે વન-ડે ક્રિકેટમાં ભારત સામે ઓસ્ટ્રેલિયાનો આ સૌથી મોટો સ્કોર છે. કાંગારુ ટીમે બે દિવસ પૂર્વે શુક્રવારે જ ૩૭૪ રનનો સર્વોચ્ચ રનનો રેકોર્ડ નોંધાવ્યો હતો. આ રેકોર્ડ તોડીને યજમાન ટીમે ૩૮૯ રનનો નવો રેકોર્ડ સ્થાપી દીધો છે. આ અગાઉ ૨૦૧૩માં ૩૫૯ સર્વોચ્ચ રનનો રેકોર્ડ નોંધાયેલો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમમાં ફિન્ચના ૬૦, વોર્નરના ૮૩ રન બાદ સ્મિથે ૬૪ બોલમાં ૧૦૪ રન નોંધાવ્યા હતાં. ત્યાર બાદ લાબુશાને ૭૦ રન અને મેક્સવેલે ૬૩ રન કર્યા હતા.
ભારતીય ટીમનો શરમજનક રેકોર્ડ
બીજી વન-ડેમાં ભારતીય ક્રિકેટ ટીમે સતત બીજા પરાજય સાથે એક શરમજનક રેકોર્ડ પણ નોંધાવ્યો છે. ભારત અત્યાર સુધીમાં ૯૭૮ મેચ રમ્યું છે પરંતુ રવિવારની મેચ પછી ભારતીય ટીમનો વન-ડે ઇન્ટરનેશનલ ક્રિકેટનો એ ઈતિહાસ પડી ભાંગ્યો છે, કેમ કે આ અગાઉ ભારતીય ટીમે ક્યારેય સતત ત્રણ વન-ડે માટે સામેની ટીમને પહેલી વિકેટ માટે સદીની ભાગીદારી કરવા દીધી નથી. જોકે ૨૦૨૦માં ટીમે આ રેકોર્ડ પણ પોતાના નામે કરી દીધો છે. વોર્નર અને ફિન્ચની જોડીએ બીજી વન-ડેમાં પહેલી વિકેટ માટે ૧૪૨ રનની ભાગીદારી કરી હતી. પહેલી વન-ડેમાં તેમણે બન્નેએ ૧૫૬ રનની ભાગીદારી કરી હતી. તે અગાઉ ન્યૂઝીલેન્ડના માઉન્ટ માઉનગુઇમાં કીવી ઓપનર્સ માર્ટિન ગુપ્ટિલ અને હેનરી નિકોલસે પહેલી વિકેટ માટે ૧૦૬ રન કર્યા હતા.