નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ માટે વર્ષ ૨૦૨૧ અત્યંત વ્યસ્ત વર્ષ પસાર થવાનું છે. વર્ષ ૨૦૨૦ કોરોના મહામારીને પગલે ખાલી ગયું તેનાથી વિરુદ્ધ આ વર્ષે ખેલાડીઓ સામે સતત એક પછી એક ટૂર્નામેન્ટમાં રમવાના અવસરો છે. આ વર્ષે ભારતીય ટીમ ૧૪ ટેસ્ટ, ૧૬ વન-ડે અને ૨૩ ટી-૨૦ મેચમાં ભાગ લેશે. આમ જોવા જઈએ તો ભારત ૧૦ જેટલી સિરીઝમાં જોડાશે.
આ ઉપરાંત ભારત એશિયા કપ પણ રમશે તથા ભારતમાં આઈપીએલની આગામી સિઝન પણ યોજાવાની છે. તો ટી-૨૦ વર્લ્ડ કપનું આયોજન પણ આ વર્ષે ભારતમાં જ થવાનું હોવાથી અત્યંત વ્યસ્તતા સાથે આ વર્ષ આગળ વધશે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) દ્વારા આ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે.
ભારતનું વર્ષ ૨૦૨૧નું શિડયુલ
• ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ
આઈપીએલ પૂરી થયા બાદ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા આવી હતી. હાલ જાન્યુઆરી મહિનામાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. અહીંયા ૭ જાન્યુઆરીએ ત્રીજી ટેસ્ટ, ૧૫થી ૧૯ વચ્ચે ચોથી ટેસ્ટ રમાવાની છે. ત્યારબાદ ભારતીય ટીમ ભારત પરત ફરશે.
• ઈંગ્લેન્ડનો ભારત પ્રવાસ
ફેબ્રુઆરીમાં ઈંગ્લેન્ડની ટીમ ભારત પ્રવાસે પહોંચશે. તે ભારતમાં ૪ ટેસ્ટ, ૩ વન-ડે અને ૫ ટી-૨૦ મેચ રમવાની છે. પહેલી ટેસ્ટ પાંચમીએ, બીજી ટેસ્ટ ૧૩મીએ, અને ત્રીજી ટેસ્ટ ૨૪મીએ અમદાવાદમાં રમાવાની છે. ચોથી અને અંતિમ ટેસ્ટ પણ ૪ માર્ચે અમદાવાદમાં જ રમાવાની છે. ત્રીજી ટેસ્ટ મેચ મોટેરામાં હશે, જે ડે-નાઈટ હશે. ત્યારબાદ ૧૨ માર્ચથી ૨૦ માર્ચ સુધી અમદાવાદમાં જ પાંચ ટી-૨૦ મેચ રમાશે. ત્યાર પછી ૨૩ માર્ચથી ૨૮ સુધીમાં પૂણે ખાતે ત્રણ વન-ડે મેચ રમાશે.
• શ્રીલંકાનો પ્રવાસ
આઈપીએલ બાદ જૂન અને જુલાઈમાં ભારતીય ટીમ શ્રીલંકાના પ્રવાસે જવાની છે. અહીંયા તે ત્રણ વન-ડે અને પાંચ ટી-૨૦ રમવાની છે. ત્યારબાદ શ્રીલંકામાં જ યોજાનારા એશિયા કપમાં પણ ભારત ભાગ લેશે. હાલમાં તેના શિડયૂલની જાહેરાત કરવામાં આવી નથી પણ ટૂંક સમયમાં થશે.
• ઝિમ્બાબ્વેનો પ્રવાસ
જુલાઈમાં એશિયા કપ બાદ ભારતીય ટીમ ઝિમ્બાબ્વેનો પ્રવાસ કરશે. અહીંયા ટી-૨૦ મેચનું આયોજન થાય તેમ છે. આ સિરીઝમાં સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવે તેવી શક્યતાઓ છે.
• ઈંગ્લેન્ડનો પ્રવાસ
ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ભારતીય ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે જશે. ઈંગ્લેન્ડમાં ભારતીય ટીમ પાંચ ટેસ્ટ મેચની સિરીઝ રમશે. પહેલી ટેસ્ટ ૪ ઓગસ્ટે, બીજી ૧૨ ઓગસ્ટે, ત્રીજી ૨૫ ઓગસ્ટે, ચોથી બીજી સપ્ટેમ્બરે તથા પાંચમી ટેસ્ટ ૧૦ સપ્ટેમ્બરે યોજાશે.
• ટી-૨૦ વર્લ્ડ કપ
ઓક્ટોબર અને નવેમ્બરમાં ભારતમાં ટી-૨૦ વર્લ્ડ કપનું આયોજન થવાનું છે. આ વખતે ભારતમાં જ આ વર્લ્ડ કપનું આયોજન થવાનું હોવાથી ભારત તેને જીતવા અંગે મક્કમ હોવાનું જણાય છે.
• ન્યૂઝીલેન્ડ/આફ્રિકાનો પ્રવાસ
વર્ષના આખરી મહિનામાં - ડિસેમ્બરમાં ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસે જશે. અહીંયા તે બે ટેસ્ટ અને ત્રણ ટી-૨૦ રમશે. અહીંયા આ સિરીઝ પૂરી થયા પછી ભારતીય ટીમ સાઉથ આફ્રિકા જશે. ત્યાં ત્રણ ટેસ્ટ મેચ, ત્રણ ટી-૨૦ મેચ રમવામાં આવશે.
• આઈપીએલ ૨૦૨૧
આઈપીએલની ગત સિઝન તો વિદેશમાં રમવાની ફરજ પડી હતી, પણ આ વર્ષે આ સિઝન ભારતમાં જ રમાવાની છે. એપ્રિલ અને મે વચ્ચે તેનું આયોજન કરવામાં આવશે. આ આયોજન અને પ્લાનિંગ વિશે હજી કોઈ નક્કર જાહેરાત કરવામાં આવી નથી.