ટોક્યોઃ ચાલુ વર્ષના જુલાઇ અને ઓગસ્ટ મહિનામાં યોજાનારી ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ માટે હવે વધારે સમય બાકી રહ્યો નથી. આવા સમયે એક તરફ ઓલિમ્પિક ગેમ્સની આયોજન સમિતિ, જાપાન સરકાર અને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક સમિતિ (આઇઓસી) રમતોને સુરક્ષિત તથા સફળ બનાવવા માટેના તમામ પ્રયાસો કરી રહ્યા છે. તો બીજી તરફ, જાપાનની અંદર જ આ રમતોત્સવના આયોજનને સ્થગિત કરવા કે રદ કરવાની માગણીઓ સતત વધી રહી છે.
પ્રથમ સર્વેમાં જાપાનની જનતાના ઇનકાર બાદ વધુ એક વખત ટોચના પ્રોફેશનલ્સે આ રમતોને ‘સુસાઇડ મિશન’ તરીકે ગણાવ્યા બાદ જાપાનના હજારો ડોક્ટર્સે પણ ગેમ્સનો વિરોધ કર્યો છે. ટોક્યોના ડોક્ટર્સની એક નેશનલ સંસ્થાએ ઓલિમ્પિક રદ કરવાની માગણી કરી છે કારણ કે દેશમાં પહેલાથી જ કોરોના વાઇરસના કારણે ડોક્ટર્સ ઉપર વધારાનું દબાણ લદાઇ ચૂક્યું છે.
વિવિધ વર્ગનો વિરોધ
જાપાનમાં થયેલા એક સર્વેમાં ૪૩ ટકા લોકોએ ગેમ્સને રદ કરવાની જ્યારે ૪૦ ટકા લોકોએ સ્થગિત કરવાની માગણી કરી છે. જાપાનની સૌથી મોટી કંપનીઓમાંની એક રાકુટેન ઔગ્રૂપના સંસ્થાપક હિરોશી મિકિતાનીએ ઓલિમ્પિક ગેમ્સની યજમાનીને સુસાઇડ મિશન તરીકે વર્ણવી છે. આ ગેમ્સને રદ કરવાની માગણી કરી છે.
આરોગ્ય તંત્ર દબાણમાં
જાપાનની મેડિકલ સંસ્થા ટોક્યો મેડિકલ પ્રેક્ટિશનર્સ એસોસિયેશને ઓલિમ્પિક ગેમ રદ કરવા માગણી કરતાં જણાવ્યું હતું કે દેશમાં પહેલાથી જ સ્થાનિક લોકોનાં સંક્રમણથી હોસ્પિટલ અને ડોક્ટર્સ ઉપર વધારાનો બોજ લદાયેલો છે. આ સંજોગોમાં એસોસિયેશને વડા પ્રધાનને અપીલ કરીને જણાવ્યું હતું કે તેઓ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક સમિતિને ગેમ્સ રદ કરવાનો આગ્રહ કરે. આ સંસ્થા સાથે છ હજાર કરતાં વધારે પ્રાથમિક ડોક્ટર્સ જોડાયેલા છે અને ટોક્યો ગેમ્સ વખતે તેમની ઉપર વધારાનો બોજો લદાશે. નોંધનીય છે કે રાજધાની ટોક્યો અને તેની આસપાસના અન્ય વિસ્તારોમાં સતત ત્રીજી વખત ઇમરજન્સી સ્થિતિને ૩૧મી મે સુધી લંબાઇ દેવામાં આવી છે.