અબુ ધાબીઃ ભારતના અનુભવી રેસર સી.એસ. સંતોષને સાઉદી અરબમાં ચાલી રહેલી ડકાર રેલી દરમિયાન જીવલેણ અકસ્માતનો સામનો કરવો પડયો છે. અકસ્માત બાદ તરત જ તેને એર એમ્બુલન્સ દ્વારા રિયાધની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. વિશ્વની સૌથી મોટી રેલીમાંથી એકમાં હીરો મોટોસ્પોર્ટ્સ ટીમનું પ્રતિનિધિત્વ કરનાર ૩૭ વર્ષીય સંતોષની બાઇક બુધવારે દુર્ઘટનાગ્રસ્ત થઇ હતી અને તેને ૨૪ કલાકના તબીબી નિરીક્ષણમાં રાખવામાં આવ્યો છે.
ડકાર રેલીના ચોથા તબક્કામાં સંતોષ જીવલેણ અકસ્માતનો ભોગ બન્યો હતો. તબીબોની ટીમ અકસ્માતના સ્થળે પહોંચી ત્યારે તે ભાનમાં હતો અને ત્યારબાદ તેને રિયાધ લઇ જવામાં આવ્યો હતો. આ ઘટના ચોથા તબક્કામાં જ થઇ છે, જેમાં ગયા વર્ષે ટીમના રાઇડર પાઉલો ગોન્ઝાલેઝનું ડકાર ૨૦૨૦ રેલીમાં ભાગ લેતી વખતે નિધન થયું હતું. આ બનાવ બાદ તેની ટીમ રેસમાંથી ખસી ગઇ હતી. સંતોષને ૨૦૧૩ની અબુધાબી ડેઝર્ટ ચેલેન્જમાં પણ અકસ્માત નડયો હતો. તે સમયે તેની સુઝૂકી એમએક્સ-૪૫૦-એક્સ બાઇકમાં આગ લાગતાં ગળાની આસપાસનો ભાગ બળી ગયો હતો.