ટોક્યોઃ જાપાનમાં ૨૩મી જુલાઇથી આઠમી ઓગસ્ટ સુધી ઓલિમ્પિક્સનું આયોજન થયું છે. એક તરફ જાપાન સરકાર તથા ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટિ (આઇઓસી) ગેમ્સનું આયોજન કરવા કટિબદ્ધ છે તો બીજી તરફ દેશના મોટો વર્ગ આ આયોજન રદ કરવાની માગણી કરી રહ્યા છે. આ બધા વચ્ચે જાપાનના ડોક્ટર્સ યુનિયને યુનિયનના પ્રમુખ નાઓતો ઉયામાએ ચેતવણી ઉચ્ચારતા કહ્યું છે કે ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે વિશ્વભરના એથ્લીટ્સ જાપાન આવશે અને આ સ્થિતિમાં કોરોનાનો નવો ઓલિમ્પિક સ્ટ્રેન ફેલાવાનું મોટું જોખમ છે.
જાપાનના ડોક્ટર્સ યુનિયનના પ્રમુખના મતે ટોક્યો ઓલિમ્પિકમાં ૨૦૦ દેશના ખેલાડીઓ ભાગ લેવા પહોંચશે. આ સ્થિતિમાં રમતોનું આયોજન ખતરનાક બની શકે છે. અલગ અલગ સ્થાનોમાં રહેલા વાઇરસના વિવિધ સ્ટ્રેનને ટોક્યોમાં મ્યૂટન્ટ થવાનો મોકો મળી શકે છે. તેમણે જણાવ્યું હતું કે અમે ઓલિમ્પિક બાદ કોરોના વાઇરસના નવા સ્ટ્રેનની સંભાવનાને નકારતા નથી. આ સ્થિતિ દેશ માટે સૌથી મોટી તારાજી સમાન સાબિત થશે અને આગામી ૧૦૦ વર્ષ સુધી આયોજનની ટીકાઓ થતી રહેશે.
વિદેશી પ્રેક્ષકો ઉપર પ્રતિબંધ લદાશે
ડોક્ટર્સ એસોસિયેશનની ચેતવણી વચ્ચે જાપાન સરકાર તથા આઇઓસી ગેમ્સના સફળ આયોજન માટે કામે લાગ્યા છે. જાપાનનાં ઘણાં રાજ્યોમાં ઇમરજન્સી જાહેર કરાઇ છે. આ સ્થિતિમાં વિદેશી પ્રેક્ષકો માટે ઓલિમ્પિક્સ નિહાળવાનું મુશ્કેલ બન્યું છે કારણ કે તેમની ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે. સ્થાનિક લોકોના સ્ટેડિયમમાં પ્રવેશ અંગેનો અંતિમ નિર્ણય પણ આગામી મહિનાના અંતમાં લેવાશે. અત્યાર સુધી જાપાનમાં માત્ર પાંચ ટકા લોકોને જ કોરોના વેક્સિન અપાઇ છે.