થિયમ યુએસ ઓપન મેન્સ ચેમ્પિયનઃ નાઓમીએ વિમેન્સ ટાઇટલ જીત્યું

Thursday 17th September 2020 06:21 EDT
 
 

ન્યૂ યોર્ક: ઓસ્ટ્રિયાના સેકન્ડ સીડેડ ટેનિસ સ્ટાર ડોમિનિક થિયમે પાંચ સેટના મેરેથોન ફાઈનલ મુકાબલામાં જર્મનીના ઝ્વેરેવને ૨-૬, ૪-૬, ૬-૪, ૬-૩, ૭-૬ (૮-૬)થી હરાવતા યુએસ ઓપન મેન્સ સિંગલ્સ ચેમ્પિયનશિપ જીતી લીધી છે.
૨૭ વર્ષના થિયમે શરૂઆતના બે સેટ ગુમાવ્યા બાદ જબરજસ્ત કમબેક કરતાં ટાઈટલ મેળવીને ઈતિહાસ રચ્યો હતો અને કારકિર્દીનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ મેળવ્યું હતું. જ્યારે વિમેન્સ સિંગલ્સમાં જાપાનની નાઓમી ઓસાકાએ ટાઇટલ જીત્યું હતું.
યુએસ ઓપનના ઈતિહાસમાં ૭૧ વર્ષ બાદ મેન્સ સિંગલ્સની ફાઈનલમાં શરૂઆતના બે સેટ ગુમાવનારો ખેલાડી ચેમ્પિયન બન્યો હોય તેવી ઘટના પહેલી વખત નોંધાઈ છે. અગાઉ ૧૯૪૯માં ટેડ સ્ચ્રોડેરે આ પ્રકારે ફાઈનલ જીતી હતી. થિયમ છેલ્લા છ વર્ષમાં ફર્સ્ટ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતનારો પહેલો ખેલાડી બન્યો હતો. છેલ્લે ૨૦૧૪માં ક્રોએશિયાના મરિન સિલીચે યુએસ ઓપન જીતી, જે તેની કારકિર્દીનું સૌપ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ હતું.
કોરોના મહામારી વચ્ચે પ્રેક્ષકો વિનાના સ્ટેડિયમમાં રમાઈ રહેલી યુએસ ઓપનની ફાઈનલમાં થિયમે કારકિર્દીની ચોથી ગ્રાન્ડ સ્લેમ ફાઈનલને યાદગાર બનાવતા ચાર કલાક અને બે મિનિટના સંઘર્ષ બાદ જીત હાંસલ કરી હતી. જ્યારે કારકિર્દીનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ જીતવાનું ઝ્વેરેવનું સ્વપ્ન રોળાયું હતુ. ચાર વર્ષ બાદ પહેલી વખત નડાલ, યોકોવિચ કે ફેડરર સિવાયના ખેલાડીએ યુએસ ઓપન મેન્સ સિંગલ્સ ટાઇટલ મેળવ્યું છે. છેલ્લે ૨૦૧૬માં સ્વિત્ઝર્લેન્ડના વાવરિન્કાએ આ ટાઈટલ જીત્યું હતું.

નાઓમીઃ જુસ્સાએ જીત અપાવી

વિશ્વની નવમી ક્રમાંકિત જાપાનની નાઓમી ઓસાકાએ વર્ષના છેલ્લા ગ્રાન્ડસ્લેમ યુએસ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની વિમેન્સ સિંગલ્સ ટાઇટલ જીત્યું છે. જાપાનીઝ ખેલાડીએ ફાઇનલમાં બેલારુસની વિક્ટોરિયા અઝારેન્કોને ૧-૬, ૬-૩, ૬-૩થી હરાવીને ત્રણ વર્ષના ગાળામાં બીજી વખત આ ગ્રાન્ડસ્લેમ જીત્યો છે. ઓસાકાને વિનર તરીકે ત્રણ મિલિયન ડોલર મળ્યા છે. નાઓમી ૨૬ વર્ષમાં એવી પહેલી ખેલાડી છે જેણે પ્રથમ સેટ હાર્યા બાદ ટાઇટલ જીત્યું હોય. આ પહેલાં ૧૯૯૪માં સ્પેનની અરાંત્ઝા સાંચેઝ વિકારિયોએ સ્ટેફી ગ્રાફ સામે પ્રથમ સેટ ગુમાવ્યો હોવા છતાં ગ્રાન્ડસ્લેમમાં ચેમ્પિયન બનવાની સિદ્ધિ મેળવી હતી.
ઓસાકાએ પ્રથમ સેટ ૧-૬થી ગુમાવી દીધો હતો, પરંતુ બાદમાં તેણે વળતો પ્રહાર કરીને બીજા બે સેટ પોતાના નામે કર્યા હતા. ૨૨ વર્ષીય જાપાનીઝ ખેલાડીએ કારકિર્દીમાં ત્રીજો ગ્રાન્ડસ્લેમ જીત્યો છે. ઓસાકાએ ૨૦૧૮માં પણ યુએસ ઓપન વિમેન્સ સિંગલ્સ ટાઇટલ જીત્યું હતું. તે સમયે તેણે અમેરિકાની સેરેના વિલિયમ્સને ફાઇનલમાં હરાવી હતી. એક વર્ષ બાદ તેણે ૨૦૧૯માં ઓસ્ટ્રેલિયન ઓપન ગ્રાન્ડસ્લેમ જીત્યો હતો. ઓસાકાએ સેમિફાઇનલમાં જેનિફર બ્રાડીને ૭-૬ (૧), ૩-૬, ૬-૩થી હરાવી હતી.
ફાઇનલમાં નાઓમી સામે પરાજય મેળવનાર વિક્ટોરિયા અઝારેન્કા સાત વર્ષ બાદ કોઇ ગ્રાન્ડસ્લેમની ફાઇનલમાં પ્રવેશી હતી. તેની પાસે ત્રીજો ગ્રાન્ડસ્લેમ જીતવાની તક હતી. તેણે સતત બે વર્ષ ૨૦૧૨ તથા ૨૦૧૩માં ઓસ્ટ્રેલિયન ઓપન ગ્રાન્ડસ્લેમ જીત્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter