લંડનઃ બે વારનો ઓલિમ્પિક વિજેતા મો ફરાહની આ વર્ષે ટોક્યો ઓલિમ્પિકમાં ગ્રેટ બ્રિટનનું પ્રતિનિધિત્વ કરવાની આશાઓ ખતમ થઇ રહી છે કેમ કે યુરોપિયન કપમાં ૧૦,૦૦૦ મીટરમાં ક્વોલિફાઇંગ માર્ક હાંસલ કરવામાં ફક્ત ૨૨ સેકંડથી ચૂકી ગયો છે. ૩૮ વર્ષનો આ દિગ્ગજ દોડવીર આઠમા ક્રમ પર રહ્યો હતો. ફરાહે બર્મિંગહામમાં ૨૭ મિનિટ ૫૦.૫૪ સેકંડમાં રેસ પૂરી કરી હતી જે ઓલિમ્પિક ક્વોલિફાઇંગ માર્કથી ૨૨ સેકન્ડ વધારે હતી. ફરાહે જણાવ્યું હતું કે તેને ડાબા પગની ઘૂંટીમાં ઇજા હતી. તેણે રેસ પછીની એક મુલાકાતમાં જણાવ્યું હતું કે પરિણામથી હું ઘણો નિરાશ છું. પાછલા ૧૦ દિવસ મારા માટે સારા રહ્યા નથી. મેં કેરિયરમાં ભલે ઘણું બધું હાંસલ કર્યું હોય તેમ છતાં એ જરૂરી છે કે હું ટ્રાયલ્સમાં આવીને મારો સારામાં સારો દેખાવ કરું. અહીં આવીને કોઈ પ્રદર્શન ન કરવાનું આસાન હોત, પરંતુ મેં ઘણી બધી મહેનત કરી. તમે મારો ચહેરો જોયો હશે. મને ભારે દુખાવો થતો હતો, મારે આગળ વધવા સતત મહેનત કરવી પડી. પોતાની જાતને પડકારો આપવાની અને સાબિત કરવાની બાબત જ આપણને મહાન બનાવતી હોય છે.