લંડનઃ ‘કિંગ ઓફ ક્લે કોર્ટ’ તરીકે જગવિખ્યાત સ્પેનના ટેનિસ ખેલાડી રફેલ નદાલ અને ‘બ્લેક લાઇવ્સ મેટર’ અભિયાનને સૌથી પહેલાં સમર્થન આપનાર જાપાનની નાઓમી ઓસાકાએ અનુક્રમે મેન્સ અને વિમેન્સ કેટેગરીના પ્રતિષ્ઠિત લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ જીત્યા છે. ઓસાકાએ ગયા વર્ષે કારકિર્દીમાં બીજી વખત યુએસ ઓપન ગ્રાન્ડસ્લેમ પોતાના નામે કર્યો હતો. જ્યારે નદાલે ૧૩મી વખત ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડસ્લેમ જીતીને સ્વિસ સ્ટાર રોજર ફેડરરના વિક્રમી ૨૦ ગ્રાન્ડસ્લેમની બરોબરી કરી હતી.
નદાલે ઓવરઓલ ચોથી વખત લોરિયસ એવોર્ડ જીત્યો છે. અગાઉ તેણે મેન્સ ટેનિસમાં બ્રેક-થ્રૂ, કમ-બેક અને મેન્સ કેટેગરીમાં એવોર્ડ જીત્યા છે. સેવિલે ખાતે યોજાયેલા આ સમારંભમાં અમેરિકન મહાન ટેનિસ ખેલાડી બિલી જિંન કિંગને લાઇફટાઇમ એચીવમેન્ટ એવોર્ડનું સન્માન અપાયું હતું. જ્યારે ૨૦૨૦માં ચેમ્પિન્સ લીગ ફૂટબોલનું ટાઇટલ જીતનાર જર્મન ચેમ્પિયન બાયર્ન મ્યૂનિચને ટીમ ઓફ ધ યરનો એવોર્ડ અપાયો હતો.
બ્રિટનના ફોર્મ્યુલા-વન વર્લ્ડ ચેમ્પિયન લુઇસ હેમિલ્ટનને રંગભેદ નીતિ સામે લડત આપવામાં મુખ્ય ભૂમિકા ભજવવા બદલ એથ્લીટ એડવોકેટ ઓફ ધ યરના એવોર્ડથી સન્માનિત કરાયો હતો. અમેરિકન સોકર ક્વાર્ટરબેક ખેલાડી પેટ્રિક મહોમેસે બ્રેક-થ્રૂ ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો હતો. પેટ્રિકના નેતૃત્વમાં કેન્સાસ સિટી ૨૦૨૦ની સિઝનમાં પોતાના ફર્સ્ટ સુપર બાઉલ ચેમ્પિયનશિપ જીતવામાં સફળ રહી હતી. કેન્સાસ સિટીએ ૫૦ વર્ષમાં પ્રથમ વખત આ ટાઇટલ જીત્યું છે. પેટ્રિકે માત્ર ૨૪ વર્ષની વયે આ સૌથી મોટી સિદ્ધિ હાંસલ કરી હતી.
એવોર્ડની રેસમાં કોણ કોણ હતું?
લોરિયસ એવોર્ડની રેસમાં છ વખત ‘ફિફા’નો બેસ્ટ પ્લેયર બની ચૂકેલો લાયોનલ મેસ્સી, છ વખતનો વર્લ્ડ મોટો જીપી ચેમ્પિયન માર્ક માર્કેઝ, માસ્ટર્સના સ્વરૂપે પોતાની ૧૫મી મેજર ચેમ્પિયનશિપ જીતનાર ગોલ્ફર ટાઇગર વૂડ્સ, ‘ફિફા’ વર્લ્ડ કપમાં ગોલ્ડન બૂટ તથા બોલ જીતનાર મેગન રાપિનો, જિમ્નાસ્ટ સિમોન બાઇલ્સ, સ્પ્રિન્ટર એલિસન ફેલિક્સ અને શેલી એન. ફ્રેઝરની સાથે અમેરિકાની મહાન સ્કી પ્લેયર મિખાઇલ શિફ્રિન સામેલ હતા. અમેરિકાની વર્લ્ડ કપ ચેમ્પિયન વિમેન્સ ટીમ અને યૂએફા ચેમ્પિયન્સ લીગ વિજેતા લિવરપૂલ પણ ટીમના એવોર્ડની રેસમાં હતા.