દોહાઃ ભારતના લેજન્ડરી ક્યુ સ્પોર્ટ્સ સ્ટાર પંકજ અડવાણીએ દોહામાં યોજાયેલી એશિયન સ્નૂકર ચેમ્પિયનશિપ જીતીને એશિયન ચેમ્પિયનનો તાજ જાળવી રાખ્યો છે. તેણે ફાઈનલમાં ઈરાનના આમિર સરખોશને ૬-૩થી હરાવ્યો હતો. અડવાણીએ આ સાથે એશિયન બિલિયર્ડ્સ-સ્નૂકરમાં ૧૧મી વખત ટાઈટલ મેળવ્યું હતું. કોરોનાના કારણે બે વર્ષમાં આ પહેલી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. અડવાણી છેલ્લે ૨૦૧૯માં રમાયેલી એશિયન સ્નૂકર ચેમ્પિયનશિપ જીતી હતી. જે પછી ૨૦૨૦માં આ ચેમ્પિયનશિપ કોરોનાના કારણે રદ કરી દેવામાં આવી હતી.
ચેમ્પિયન બન્યા બાદ તેણે કહ્યું કે, ટાઈટલ જીતવાનું મને ગૌરવ છે. કોરોનાના બ્રેક છતાં પણ મેં મારી લય ગુમાવી નથી, તે ખુબ જ આવકારદાયક છે. ખરેખર તો કોરોનાએ આપેલા વિરામને કારણે મારી સફળતાની ઉત્સુકતા અને જીતની ભૂખ વધી ગઈ છે. અડવાણી હવે આઇબીએસએફની સિક્સ રેડ સ્નૂકર વર્લ્ડ કપમાં ભાગ લેશે.