રાવલપિંડીઃ ૧૮ વર્ષના લાંબા ગાળા બાદ પાકિસ્તાન પહોંચેલી ન્યૂઝિલેન્ડની ટીમ શ્રેણીની પ્રથમ મેચ રમાય તેની ગણતરીની મિનિટો પહેલા અચાનક જ પ્રવાસ જ પડતો મૂકીને સ્વદેશ પરત ફરતાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જગતે આંચકો અનુભવ્યો હતો. પાક.ને હજુ તો આ આંચકો પચ્યો પણ નહોતો ત્યાં હવે ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે (ઇસીબી)એ પણ પાકિસ્તાનનો પ્રવાસ પડતો મૂકવાની જાહેરાત કરી છે. ઇંગ્લેન્ડની મેન્સ અને વિમેન્સ ટીમ આવતા મહિને પાકિસ્તાનનો પ્રવાસ ખેડવાની હતી, પરંતુ માનસિક દબાણ અને વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા બંને ટીમોનો પાક. પ્રવાસ રદ કરાયો છે. બીજી તરફ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (પીસીબી)એ જાહેરાત કરી છે કે તે હવે પોતાના હોમ ગ્રાઉન્ડની શ્રેણી ન્યૂટ્રલ સેન્ટરમાં રમશે નહીં. ન્યૂઝિલેન્ડ અને ઇંગ્લેન્ડના નિર્ણયથી ઘરઆંગણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ શરૂ કરવા માટે પ્રયાસ કરી રહેલા પાકિસ્તાનને મરણતોલ ફટકો પડયો છે.
ઇસીબીએ જણાવ્યું હતું કે આગામી મહિને રમાનારા ટી૨૦ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને અમે પાકિસ્તાનમાં શ્રેણી રમવા માટે તૈયાર થયા હતા અને અમારી મહિલા ટીમે પણ પ્રવાસ ખેડવાનો હતો. અમારા માટે ખેલાડીઓ તથા સહાયક સ્ટાફની માનસિક તથા શારીરિક હેલ્થની પ્રાથમિકતા વધારે છે. પાકિસ્તાન જવા માટે ખેલાડીઓ ચિંતિત છે તે અમે સારી રીતે જાણીએ છીએ.
ન્યૂઝિલેન્ડે છેલ્લી ઘડીએ મેચ ટાળ્યો
ગયા સપ્તાહે ન્યૂઝિલેન્ડની ટીમે રાવલપિંડી ખાતે પ્રથમ વન-ડે શરૂ થાય તેની થોડીક મિનિટો પહેલાં જ પાકિસ્તાન સામેની શ્રેણી રદ કરી નાખી હતી અને ન્યૂઝીલેન્ડની સરકારે ખેલાડીઓને તાત્કાલિક વતન પરત બોલાવી લીધા હતા. ન્યૂઝિલેન્ડ સરકારને છેલ્લી ઘડીએ મળેલા સિક્રેટ એજન્સીના રિપોર્ટમાં જણાવાયું હતું કે, કિવી ક્રિકેટરોને પાકિસ્તાનમાં જાનનું જોખમ છે. જેના પગલે ન્યૂઝિલેન્ડ સરકારે ટીમને પાછા ફરવા આદેશ કર્યો હતો. આ જાણ થતાં જ વડા પ્રધાન અને ભૂતપૂર્વ કેપ્ટન ઈમરાન ખાને ખુદ ફોન કરીને ન્યૂઝિલેન્ડના વડા પ્રધાન જેસિન્ડા આર્ડેન સાથે વાતચીત કરીને ટીમની સલામતીની ખાતરી આપી હતી. જોકે, જેસિન્ડાએ નિર્ણય બદલવા ઇન્કાર કર્યો હતો. ન્યૂઝિલેન્ડની ટીમ પાકિસ્તાન પ્રવાસમાં ત્રણ વન ડે અને પાંચ ટી-૨૦ની શ્રેણી રમવાની હતી.