નવી દિલ્હી: આઈપીએલમાં કોલકતા નાઇટ રાઈડર્સ તરફથી રમી રહેલા ઓસ્ટ્રેલિયન પેસ બોલર પેટ કમિન્સે ભારતમાં કોરોનાની વણસી રહેલી પરિસ્થિતિમાં મદદ માટે હાથ લંબાવ્યો છે. દેશમાં અત્યારે ઓક્સિજન ટેન્કરની અછતના કારણે ઘણા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કમિન્સે ભારતમાં ઓક્સિજન ટેન્કરની અછત પૂરી કરવા માટે પોતાના તરફથી ૫૦ હજાર ડોલરનું ફંડ આપવાની જાહેરાત કરી છે.
કમિન્સે સોશિયલ મીડિયા ઉપર એક સંદેશો જારી કરીને સહાયતાની પણ ઓફર કરી છે. તેણે જણાવ્યું હતું કે અત્યારે આ મુશ્કેલ સમયમાં હું મારી તરફથી ઓક્સિજન ટેન્કર ખરીદવા માટે ૫૦ હજાર ડોલર (લગભગ ૩૭ લાખ રૂપિયા) પ્રધાનમંત્રી કેર ફંડમાં ડોનેટ કરું છું. નોંધનીય છે કે કોલકાતાએ ચાલુ વર્ષની હરાજીમાં કમિન્સને ૧૫.૫૦ કરોડ રૂપિયાની બોલી લગાવીને ખરીદ્યો હતો. આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોંઘા વેચાયેલા ખેલાડીઓમાં કમિન્સ ત્રીજા ક્રમે છે.