મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર કેમરન બેનક્રોફ્ટે બોલ ટેમ્પરિંગ મામલે ચર્ચાસ્પદ નિવેદન કરી વિવાદનો પલિતો ચાંપ્યો છે. તેણે એવો ઘટસ્ફોટ કર્યો છે કે ઓસ્ટ્રેલિયન બોલર્સને બોલ ટેમ્પરિંગની ઘટના અંગે જાણકારી હતી. બેનક્રોફ્ટ ૨૦૧૮માં સાઉથ આફ્રિકાના પ્રવાસ દરમિયાન કેપટાઉન ટેસ્ટમાં સેન્ડ પેપર દ્વારા બોલ સાથે ચેડાં કરતો કેમેરામાં ઝડપાયો હતો. ત્યારબાદ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે તેને બોલ સાથે છેડછાડ કરવાના મામલે છ મહિના માટે સસ્પેન્ડ કરી દીધો હતો. આ ઘટના માટે સુકાની સ્ટિવ સ્મિથ અને ડેવિડ વોર્નરને પણ દોષિત માનીને બંનેને એક વર્ષ માટે સસ્પેન્ડ કરાયા હતા. આ વિવાદ બાદ સ્મિથની કેપ્ટનશિપ પણ છીનવી લેવામાં આવી હતી.
બોલ ટેમ્પરિંગ અંગે કોઈ બોલરને જાણ હતી કે કેમ તે સંદર્ભમાં બેનક્રોફ્ટે જણાવ્યું હતું કે મેદાનમાં જે પણ બન્યું હતું તે માટે જવાબદાર હું હતો અને મારે તેની સજા ભોગવવાની હતી. એક બાબત સ્પષ્ટ છે કે મેં જે કર્યું હતું તેનાથી અન્ય બોલર્સને ફાયદો થયો હતો તે ચોક્કસ છે. હું શું કરી રહ્યો છું તેની તમામને ખબર હતી. હું વધારે સતર્ક રહ્યો હોત તો મેં વધારે સારો નિર્ણય લીધો હોત. બોલ સાથે ટેમ્પરિંગ કરતો હતો તે તમામ બોલર જાણતા હતા.
સમગ્ર ઘટના અંગે ખેદ વ્યક્ત કરીને બેનક્રોફ્ટે જણાવ્યું હતું કે હું મારા કાર્યોથી હતાશ થયો હતો પરંતુ મને મારી ભૂલના કારણે નવા પાઠ પણ શીખવા મળ્યા છે. મેં પૂરી ટીમને નિરાશ કરી હતી અને મેં એવા કાર્ય સાથે સમાધાન કર્યું હતું જે મારે કરવાની જરૂર નહોતી. એક એવો સમય આવ્યો હતો કે મેં તમામ સીમાઓ વટાવી દીધી હતી. મેં મારા નૈતિક મૂલ્યો ઉપરનું નિયંત્રણ ગુમાવી દીધું હતું. હું મારા સાથીઓ માટે મહત્ત્વપૂર્ણ યોગદાન આપવા માગતો હતો અને તે સેન્ડ પેપર સાથે બોલ સાથે ચેડાં કરવાની બાબત હતી.
જિંદગી જીવવાનો પાઠ શીખ્યો
બેનક્રોફ્ટે જણાવ્યું હતું કે મેં જે ભૂલ કરી હતી તે માફી માટે યોગ્ય નહોતી પરંતુ મેં મારા તથા મારા જીવન માટે ઘણી બાબતો શીખી હતી અને તે માટે હું આ ભૂલનો પણ આભારી રહીશ. આ એક રસપ્રદ યાત્રા રહી છે અને દુનિયાએ મને બદલી નાખ્યો છે જેના કારણે મને ક્રિકેટ અને દરરોજની જિંદગી સાથે આવનારી ચિંતા અને નિરાશા સામે લડત આપવાનું શીખવ્યું છે. નવા પડકારોએ મને જિંદગી કેવી રીતે જીવવી તેના પાઠ શીખવ્યા છે.