ઈ.સ. ૧૯૬૦ના રોમ ઓલિમ્પિકમાં ભાગ લેનારા ભારતના ઓલિમ્પિયન ફૂટબોલર સૈયદ શાહિદ હાકિમનું ૮૨ વર્ષની વયે અવસાન થયું છે. તેઓ ભારતીય ફૂટબોલ ટીમના કોચ પણ રહી ચૂક્યા છે. થોડા દિવસ પહેલા તેમને સ્ટ્રોક આવતાં કર્ણાટકના ગુલબર્ગા ખાતેની હોસ્પિટલમાં દાખલ કરવામાં પડયા હતા, જ્યાં સારવાર દરમિયાન રવિવારે તેમનું અવસાન થયું હતું. પાંચ દાયકા સુધી ભારતીય ફૂટબોલ સાથે જોડાયેલા રહેલા હાકિમને દ્રોણાચાર્ય એવોર્ડ પણ એનાયત થયો હતો. ઈ.સ. ૧૯૮૨માં નવી દિલ્હીમાં એશિયન ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું ત્યારે તેઓ તત્કાલીન ભારતીય ફૂટબોલ ટીમના કોચ પી.કે. બેનર્જીના આસીસ્ટન્ટ હતા. તેઓએ ટુર્નામેન્ટ દરમિયાન સ્વતંત્ર રીતે ટીમના કોચની જવાબદારી પણ સંભાળી હતી. તેઓ ફિફા બેજધારક આંતરરાષ્ટ્રીય રેફરી પણ હતા. તેમણે ૧૯૮૮ની એએફસી એશિયન કપની મેચમાં ઓફિશિઅલ તરીકે ફરજ બજાવી હતી. ભારતીય વાયુ સેનાના ભૂતપૂર્વ સ્કવોડ્રન લીડર હાકિમ સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના રિજનલ ડાયરેક્ટર પણ હતા. તેઓએ અંડર-૧૭ ફિફા વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમનું સ્કાઉટિંગ પણ કર્યું હતું.