ભારતને ઇંગ્લેન્ડમાં ૫-૦થી જીતવાની તક: પાનેસર

Wednesday 26th May 2021 07:37 EDT
 
 

લંડનઃ ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ સ્પિનર મોન્ટી પાનેસરના મતે વર્તમાન સમયમાં ભારતીય ટીમ સર્વશ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કરી રહી છે. ભારતીય ટીમ જો પોતાના સાતત્યપૂર્ણ ફોર્મને જાળવી રાખવામાં સફળ રહેશે તો કોહલીની ટીમને ૧૪ વર્ષ બાદ ઇંગ્લેન્ડની ધરતી ઉપર ટેસ્ટ શ્રેણી જીતતું કોઈ રોકી શકે તેમ નથી.
આ ભારતવંશીએ તો એવી પણ ભવિષ્યવાણી કરી હતી કે ભારતીય ટીમ અત્યારે જે રીતે રમી રહી છે તે જોતાં તે ચોક્કસપણે પાંચ ટેસ્ટની શ્રેણીમાં ઇંગ્લેન્ડનો ૫-૦થી સફાયો કરી શકે છે. પાનેસરે જણાવ્યું હતું કે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ઇંગ્લેન્ડની પિચો ભારતીય સ્પિનર્સને મદદરૂપ બનશે અને વધુ એક વખત યજમાન ઇંગ્લેન્ડની સ્પિનને રમવાની નબળાઈ સપાટી ઉપર આવશે.
ઉલ્લેનીય છે કે ભારતીય ટીમ બીજી જૂને ઇંગ્લેન્ડ પ્રવાસે રવાના થશે. ૧૮મી જૂનથી ન્યૂઝીલેન્ડ સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમ્યા બાદ ઇંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટની શ્રેણી રમશે. પાનેસરે જણાવ્યું હતું કે ઓગસ્ટમાં પિચ ટર્ન લેવાનું શરૂ કરશે તો ભારતનું પલડું ભારે થઈ જશે કારણ કે પ્રવાસી ટીમ પાસે આર. અશ્વિન, અક્ષર પટેલ અને રવીન્દ્ર જાડેજા જેવા ઉચ્ચ સ્તરીય સ્પિનર્સ છે. આ સ્થિતિમાં ભારત પાસે ૫-૦થી શ્રેણી જીતવાની તમામ તક રહેશે. ન્યૂઝીલેન્ડ સામેની બે ટેસ્ટની શ્રેણીમાં ગ્રીન ટોપ પિચ તૈયાર કરવામાં આવે તેવી સંભાવના છે પરંતુ ઓગસ્ટમાં પિચ ડ્રાય થઈ જશે તે બાબત ભારતની તરફેણમાં રહેશે.
સૌથી મોટા શ્રેણીવિજયનો અવસર
ડાબોડી સ્પિનર પાનેસરે જણાવ્યું હતું કે ભારતીય ટીમ યોગ્ય સમયે ઇંગ્લેન્ડનો પ્રવાસ ખેડી રહી છે. ઓગસ્ટ મહિનામાં ગરમી રહેતી હોય છે અને આ સ્થિતિમાં ભારત બે સ્પિનર સાથે મેદાનમાં ઊતરી શકે છે. એલિસ્ટર કૂકની નિવૃત્તિ બાદ ટેસ્ટ ક્રિકેટમાં ઇંગ્લેન્ડનો ટોચનો ક્રમ હજુ સ્થાયી થયો નથી અને વારંવાર પ્લેયર્સને બદલવામાં આવે છે. જો ભારત ક્લીન સ્વિપ કરશે તો વિદેશમાં તેનો સૌથી મોટો શ્રેણીવિજય રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter