અમદાવાદઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચાર ટેસ્ટની શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ ફક્ત બે જ દિવસમાં સમેટાઇ ગઇ અને ભારતે તેમાં વિજય મેળવ્યો. ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં જોઈએ તો અમદાવાદની ટેસ્ટ સાથે બે દિવસમાં પૂરી થઈ ગઈ હોય તેવી કુલ ૨૨ ટેસ્ટ રમાઈ છે. તેમાં ભારત બે વખત હિસ્સેદાર રહ્યુ છે અને બંને વખત જીત્યું છે.
આ પૂર્વે ભારત સૌથી પહેલા ૧૪ જુન ૨૦૧૮ના રોજ અફઘાનિસ્તાન સામે ટેસ્ટ રમ્યું હતું અને તે બે દિવસમાં જ પૂરી થઈ ગઈ હતી અને ભારત જીત્યું હતું. આ ટેસ્ટ બેંગ્લુરુમાં રમાઈ હતી.
ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ૧૮૮૨માં ઇંગ્લેન્ડના ધ ઓવલના મેદાન પર રમાયેલી ટેસ્ટ ફક્ત બે દિવસમાં પૂરી થઈ ગઈ હતી અને આ ટેસ્ટ ઓસ્ટ્રેલિયા જીત્યું હતું. આ ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસની નવમી જ ટેસ્ટ હતી.
બે દિવસમાં પૂરી થયેલી કુલ ૨૨ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ નવ વખત, ઓસ્ટ્રેલિયા આઠ વખત, સાઉથ આફ્રિકા અને ભારત બે-બે વખત અને ન્યૂઝીલેન્ડ એક વખત જીત્યું છે. આમ વેસ્ટ ઇન્ડિઝ, બાંગ્લાદેશ, શ્રીલંકા અને અફઘાનિસ્તાન તથા આયરલેન્ડ ક્યારેય આ રીતે બે દિવસમાં પૂરી થયેલી ટેસ્ટ જીત્યા નથી.
હમ દો, હમારે દો દિન
ભારતે ૪ ટેસ્ટની સીરિઝની ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને ૧૦ વિકેટે હરાવી ૨-૧થી સીરિઝ જીતી લીધી છે. મેચના બીજા દિવસે ભારતીય ટીમ ૧૪૫ રનમાં આઉટ થઈ હતી. જોકે, બીજી ઈનિંગ્સમાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર ૧૨૫ મિનિટમાં ૮૧ રનમાં ઓલઆઉટ થઈ જતાં ભારતને જીતવા માત્ર ૪૯ રનની જરૂર હતી. ભારતે એક પણ વિકેટ ગુમાવ્યા વગર લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું. બીજી ઈનિંગ્સમાં અક્ષરે ૫ અને અશ્વિને ૪ વિકેટ લીધી હતી. અશ્વિનની ૪ વિકેટ સાથે જ ૪૦૦ વિકેટ પૂરી થઈ છે. કોહલીએ ઘર આંગણે ૨૯ ટેસ્ટમાં ૨૨ મેચ જીતીને પૂર્વ કેપ્ટન ધોનીના ૩૦ મેચમાં ૨૧ જીતવાના રેકોર્ડને તોડી નાખ્યો છે.
ગુલાબી ગાળિયામાં ફસાયા
મેચ શરૂ થતાં અગાઉ ઇંગ્લેન્ડના વાઇસ કેપ્ટન બેન સ્ટોક્સે કહ્યું હતું કે વધુ સ્વિંગ થતાં ગુલાબી બોલથી રમવા માટે અમારા ફાસ્ટ બોલરો આતુર છે. ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર્સ સ્ટૂઅર્ટ બ્રોડ, એન્ડરસન, જોફ્રા આર્ચર અને બેન સ્ટોક્સ ભેગા મળીને ૧૬૦૦થી વધુ ટેસ્ટ વિકેટ મેળવી ચૂક્યા છે. છતાં એમણે બીજા દાવ લીચ અને પાર્ટ ટાઇમ બોલર જો રૂટથી બોલિંગ આક્રમણ શરૂ કરવું પડ્યું હતું. ગુલાબી બોલ વધુ સ્વિંગ થશે એવી ઇગ્લેન્ડની માન્યતા ઠગારી નીવડી હતી.
મોટભાગના ઇંગ્લિશ બેટ્સમેનનો અક્ષર પટેલનો દરેક બોલ ટર્ન થશે એમ માનીને રમ્યા અને અક્ષર ઝડપી એવા આર્મ્ડ બોલમાં ઢગલો વિકેટ મેળવી ગયો. એકંદરે ભારતીય સ્પિન બોલર્સના વેરિએશનને ઇંગ્લિશ બેટ્સમેનનો સમજી જ શકતા નહીં.
૫૦ વર્ષ પછી...
૮૧ રન પર આઉટ થઈને ઈંગ્લેન્ડની ટીમે ઈતિહાસમાં નામ નોંધાવ્યું છે. ભારત સામે છેલ્લા ૫૦ વર્ષમાં આ તેનો સૌથી ઓછો સ્કોર છે. આ પહેલાં ૧૯૭૧માં ઓવલમાં ૧૦૧ રનમાં આઉટ થઈ હતી.
અક્ષર વિશ્વનો પ્રથમ બોલર
૨૦૧૫થી શરૂ થયેલી પિન્ક બોલ ક્રિકેટ ટેસ્ટમાં અક્ષર પટેલ ૧૧ વિકેટ લેનાર પ્રથમ બોલર બની ગયો છે. પ્રથમ ઈનિંગમાં ૬ અને બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડની ૫ વિકેટ ઝડપી. આમ અક્ષર કેરિયરની બીજી અને ડે-નાઈટ ટેસ્ટમાં ૧૧ વિકેટ લેનાર વિશ્વનો પ્રથમ બોલર બન્યો છે.
અશ્વિન સૌથી ઝડપી ૪૦૦ વિકેટ લેનાર વિશ્વનો બીજો બોલર બન્યો છે. એટલું જ નહીં, અક્ષર ઈનિંગના પ્રથમ બોલે વિકેટ લેનાર ચોથો બોલર છે. અક્ષર પટેલ ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસનો ચોથો સ્પીનર છે કે જેણે ઈનિંગના પહેલા બોલે જ વિકેટ લીધી હોય. અક્ષરે કહ્યું હતું કે હું વિકેટ લઈ રહ્યો છું ત્યારે હવે મારી બેટિંગની કોઈ મજાક ઊડાવતું નથી. હું જ્યારે ફાર્સ્ટ આર્મ-બોલ ફેંકુ છું તો ટીમ વસીમભાઈ (અકરમ) કહીને બોલાવે છે.
વિરાટના ઘરઆંગણે ૨૨ ટેસ્ટ વિજય
વિરાટ કોહલી ઘરઆંગણે ૨૨ ટેસ્ટ મેચ જીતીને ભારતનો સૌથી સફળ કેપ્ટન બન્યો છે. તેણે ૨૧ ટેસ્ટ જીતનારા કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો રેકોર્ડ તોડ્યો છે.
ત્યારે અમે સારી પિચ તૈયાર કરાવીશું: રુટ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણીમાં સ્પિનર્સ માટે સ્વર્ગસમી પિચ તૈયાર કરવાના વિવાદ વચ્ચે ઓગસ્ટમાં ભારતીય ટીમ ઇંગ્લેન્ડનો પ્રવાસ ખેડશે ત્યારે ગ્રીન ટોપ પિચ તૈયાર કરીને હિસાબ સરભર કરાશે તેવી ચર્ચાને નકારીને ઇંગ્લિશ કેપ્ટન જોઇ રુટે જણાવ્યું હતું કે અમે ઇંગ્લેન્ડમાં ઘણી સારી પિચ તૈયાર કરાવીશું અને અમારા બોલર્સ તેમની ક્ષમતાનો પરચો આપશે. નોંધનીય છે કે જોઇ રુટે ભલે ગ્રીન ટોપ તૈયાર કરાવવામાં આવશે તે બાબતનો ઇનકાર કર્યો હોય પરંતુ આડકતરી રીતે તેણે સંકેત આપી દીધો છે કે તેના પેસ બોલર્સ પ્રવાસી ટીમ ઉપર હાવી થઇ જશે.