લાહોરઃ ભારતમાં આ વર્ષે ઓક્ટોબરમાં યોજાનારી ટી-૨૦ વર્લ્ડ કપ માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (પીસીબી)એ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) પાસેથી ખાતરી માંગી છે કે તેઓની ટીમના તમામ ખેલાડીઓ ઉપરાંત તેઓ જે પણ ઓફિશિયલ્સ, પત્રકારોના ભારત આવવા માટેના વિઝા માંગે તે ભારતે આપવાના રહેશે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન અહેસાન માનીએ આ માટે ભારતીય ક્રિકેટ બોર્ડને વિનંતી કરવાની જગ્યાએ સીધું જ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) સમક્ષ માંગ મૂકી છે કે તેમના કાફલાને વિઝા આપવાની ખાતરી અપાશે તો જ તેઓ ભાગ લેશે અને આઈસીસી ભારતીય ક્રિકેટ બોર્ડ જોડે સીધો સંપર્ક કરીને આ માટેની ખાતરી મેળવીને અમને જણાવે.
અહેસાન માનીએ જણાવ્યું હતું કે આમ તો ભારતીય ક્રિકેટ બોર્ડ ભારત સરકાર જોડે સંપર્ક સાધીને ગત ડિસેમ્બરના અંત સુધીમાં જ જણાવે તેવું નક્કી થયું હતું પણ ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ ગાંગુલીને બે વખત હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હોવાથી મુદ્દો ઉઠાવી નહોતા શક્યા.