નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાઇરસની મહામારી કાબૂમાં નહીં આવે તો ચાલુ વર્ષના અંતે રમાનારા આઇસીસી ટી૨૦ વર્લ્ડ કપને યુએઇમાં રમાડાઇ શકે છે. ૧૮ ઓક્ટોબરથી ૧૫ નવેમ્બર વચ્ચે ટી૨૦ વર્લ્ડ કપ યોજાયો છે, પણ જે રીતે દેશમાં કોરોના પંજો પ્રસારી રહ્યો છે તે જોતાં ભારતમાં આ વર્લ્ડ કપ રમાય તેવી સંભાવના નહિવત્ છે.
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના જનરલ મેનેજર કહ્યું હતું કે બોર્ડે હજુ દેશમાં વર્લ્ડ કપના આયોજનની આશા છોડી નથી. જોકે અમારે સામાન્ય તથા કપરી એમ બંને પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી પડશે. આ બાબત ધ્યાનમાં રાખીને આઇસીસી સાથે અમે વાટાઘાટ કરીશું.
બીસીસીઆઇ - યુએઇ વચ્ચે વિશેષ કોન્ટ્રેક્ટ
આ અધિકારીના મતે બેકઅપ વેન્યૂ તરીકે યૂએઇને ધ્યાનમાં રાખી તૈયારી કરવાના અમારા પ્રયાસ રહેશે. જોકે અંતિમ નિર્ણય બીસીસીઆઇ લેશે. ગયા વર્ષે આઇપીએલ યુએઇમાં રમાઇ હતી અને બીસીસીઆઇએ અમિરાત ક્રિકેટ બોર્ડ (ઇસીબી) સાથે યજમાની અંગે કોન્ટ્રેક્ટ ઉપર હસ્તાક્ષર કર્યા છે. આમ યુએઇ ખાતે ટી૨૦ વર્લ્ડ કપ યોજવા કોઇ મુશ્કેલી નડશે નહીં.