સિડનીઃ ભારતે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટ ડ્રોમાં ખેંચી જઇને તેના ક્રિકેટ ઇતિહાસનો યાદગાર દેખાવ કર્યો છે. આ સાથે ચાર ટેસ્ટની શ્રેણી ૧-૧થી સરભર કરી છે. શ્રેણીની અંતિમ ટેસ્ટ બ્રિસ્બેનમાં ૧૫ જાન્યુઆરીથી રમાશે.
ત્રીજી ટેસ્ટ જીતવા ૪૦૭ રનના પડકાર સામે મેચના છેલ્લા દિવસે સોમવારે ૨ વિકેટે ૯૮ રનથી આગળ રમત વધારતા ભારતે એક તબક્કે ૨૭૨ રનમાં ૫ વિકેટ ગુમાવી હતી. આ સમયે ૪૨.૪ ઓવરની રમત બાકી હતી. જાડેજા આંગળી પરના ફ્રેક્ચરના લીધે અતિ અનિવાર્ય હોય તો જ રમવા ઉતરી શકે તેમ હતો. આ સમયે હનુમા વિહારી (૧૬૧ બોલમાં અણનમ ૨૩ રન) અને અશ્વિને (૧૨૮ બોલમાં અણનમ ૩૯) ૪૨.૪ ઓવરો રમી મેચ ડ્રો ખેંચી હતી. ભારત ૧૯૮૦ પછી પહેલી વખત બીજી ઇનિંગમાં ૧૦૦થી વધુ ઓવર રમ્યું. મેચ ડ્રો થઈ ત્યારે ભારતે ૧૩૧ ઓવરોમાં ૫ વિકેટે ૩૩૪ રન કર્યા. પંતે ૧૧૮ બોલમાં ૯૭ તેમજ પૂજારાએ ૭૭ રનની ઇનિંગ રમી એક તબક્કે જીત માટેનું પ્લેટફોર્મ ખડું કર્યું હતું. જોકે તેમના પ્રયાસ ફળ્યા નહોતા.
ઓસ્ટ્રેલિયાના બોલરોએ નેગેટિવ બોડીલાઈન બોલિંગ, સ્લેજિંગ જેવા રસ્તા પણ અપનાવ્યા હતા. તેઓ એક જ વિકેટ માટે તરસતા હતા જે જીતને આસાન બનાવી શકે તેમ હતું પણ વિહારી-અશ્વિન બંનેએ ઇજા સહન કરી મેચ ડ્રોમાં ખેંચી ગયા હતા.
પંત જાતે પાણી પી શકતો નહોતો
ઇન્જર્ડ હોવા છતાં બેટિંગ કરી રહેલા રિષભ પંતની હાલત એટલી બધી ખરાબ હતી કે ડ્રિંક્સ બ્રેકમાં તે જાતે પાણી પણ પી શકતો નહોતો. ૧૨મા ખેલાડીએ તેના ચહેરાને લૂછયા બાદ તેને બોટલ દ્વારા પાણી પીવડાવ્યું હતું. હાથ ઉપર જોર ના પડે તે માટે પંત લંચબ્રેકમાં બેટ તથા બેટિંગ ગ્લોવ્ઝ ક્રિઝ ઉપર જ મૂકીને આવ્યો હતો. પંતના ઝનૂની તથા લડાયક અભિગમને સહુએ બિરદાવ્યો હતો. પંતે આક્રમક બેટિંગ કરીને ૧૧૮ બોલમાં ૯૭ રન બનાવ્યા હતા.
અશ્વિન માટે બેસવું પણ મુશ્કેલ હતું
ભારતીય ટીમનો એક એવો ખેલાડી છે જેનું કામ સામાન્ય રીતે વિકેટ લેવાનું છે, રન બનાવવાનું નહીં. સિનિયર બોલર અશ્વિનને પાંસળીમાં બોલ વાગ્યો હતો અને તેને ખભામાં અસહ્ય દુખાવો થતો હતો. ડ્રેસિંગ રૂમમાં તેનાથી બેસી પણ શકાતું નહોતું પરંતુ પંત આઉટ થયો ત્યારે તે બેટ લઇને મેદાનમાં પહોંચી ગયો હતો. બેટિંગ વખતે વારંવાર ફિઝિયોને બોલાવીને તે દુખાવામાંથી થોડોક સમય માટે રાહત મેળવતો હતો. પેસ બોલર કમિન્સ, સ્ટાર્ક તથા હેઝલવૂડે બોડીલાઇન બોલિંગ કરીને અશ્વિનને વારંવાર ઇજા પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. એક સમયે તે અને હનુમા વિહારી એકબીજા સાથે ચેસ્ટ પેડ (છાતી ઉપરનું ગાર્ડ) બદલતા જોવા મળ્યા હતા.
ચેતેશ્વર પૂજારાનો ટીકાકારોને જવાબ
પ્રથમ દાવમાં ૧૫૦ કરતાં વધારે બોલ રમીને ૩૫ કરતાં ઓછા રન બનાવનાર ચેતેશ્વર પૂજારા તે વેળા ટીકાનું નિશાન બન્યો હતો. ઓસ્ટ્રેલિયન કોમેન્ટ્રેટર્સે પણ પૂજારાની સ્લો બેટિંગની આકરી ટીકા કરી હતી. સિડની ટેસ્ટના છેલ્લા દિવસે ભારતને મેચ બચાવવા પૂરો દિવસ બેટિંગ કરવાની હતી ત્યારે સમર્થકો પૂજારા પાસેથી ધીમી બેટિંગની આશા રાખતા હતા. પૂજારાએ ફેન્સને નિરાશ કર્યા નહોતા અને ૨૦૫ બોલમાં ૭૭ રન બનાવ્યા હતા. તેણે પંત સાથે ભાગીદારી નોંધાવતા ઓસ્ટ્રેલિયાની જીતની સંભાવના ઓછી થઇ ગઇ હતી.