નવી દિલ્હીઃ ટીમ ઇંડિયાના આધારસ્તંભ સમાન પેસ બોલર ભુવનેશ્વર કુમારની આવતા મહિને ન્યૂઝીલેન્ડ સામે રમાનારી આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ તથા ઇંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટની શ્રેણી માટેની ટીમમાં પસંદગી નહીં થતાં ચોમેર આશ્ચર્ય ફેલાયું છે. જોકે વાસ્તવિકતાએ છે કે ભુવનેશ્વર કુમાર ખુદ હવે ટેસ્ટ ક્રિકેટ રમવા માગતો નથી. આ ઇચ્છા જાણીને જ તેને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે પસંદ કરવામાં આવ્યો નથી.
ભુવનેશ્વર હવે ક્રિકેટની લોંગેસ્ટ ફોર્મેટમાં રમવા માગતો નથી અને હવે ટેસ્ટ ક્રિકેટ રમવા માટે તેનામાં કોઈ ઉત્સાહ રહ્યો નથી. તે હવે તેનું તમામ ધ્યાન મર્યાદિત ઓવર્સના ફોર્મેટ ઉપર કેન્દ્રિત કરવા માગે છે. ભુવનેશ્વરની નજીકના લોકોનું માનવું છે કે છેલ્લા કેટલાક સમયથી એક બોલર તરીકે તેની ટ્રેનિંગ અને ફિટનેસ ડ્રિલ્સમાં ઘણો ફેરફાર આવ્યો છે. તે હવે જિમ્નેશિયમમાં વધારે વેઇટ ઊંચકતો નથી. ટૂંકા સ્પેલ નાખીને તે ખુશ રહે છે અને ટેસ્ટ ક્રિકેટમાં લાંબા સ્પેલ તેને માફક આવી રહ્યા નથી. આમ તે ટેસ્ટ ક્રિકેટથી પોતાને દૂર રાખવાનો નિર્ણય કરી ચૂક્યો છે.
આ ઘટનાક્રમ સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે પ્રામાણિકપણે કહું તો પસંદગીકારોને હવે ભુવનેશ્વરમાં સતત ૧૦ ઓવરનો સ્પેલ નાખવાનો ઉત્સાહ દેખાતો નથી. આથી તે ટૂંક સમયમાં ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ શકે છે. ભારતીય ટીમ માટે આ બાબત મોટા ફટકા સમાન છે તેમાં કોઈ શંકા નથી કારણ કે જે બોલરને ઇંગ્લેન્ડના પ્રવાસ માટેની ટીમમાં સ્થાન આપવાનું હતું તેને અપાયું નથી.
ભુવનેશ્વર ટેસ્ટ ક્રિકેટ રમવા માગતો નથી અને કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થશે તો વર્કલોડ કેવી રીતે વહેંચવો તેને મોટી મુશ્કેલી છે. ઇશાન્ત શર્માનો રેકોર્ડ સારો નથી અને તે છેલ્લે ક્યારે પૂરી શ્રેણી રમ્યો હતો તેની કદાચ પસંદગીકારોને પણ ખબર નહીં હોય.