નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ની શનિવારે યોજાયેલી સ્પેશિયલ જનરલ મિટિંગમાં આઇપીએલની ૧૪મી સિઝનની બાકીની મેચોને રમાડવા અંગેનો નિર્ણય લેવાયો હતો. કોરોના વાઇરસની મહામારીના કારણે સસ્પેન્ડ કરાયેલી આઇપીએલની બાકી રહેલી ૩૧ મેચોને ચાલુ વર્ષના સપ્ટેમ્બર તથા ઓક્ટોબરમાં યુએઇ ખાતે રમાડવામાં આવશે. જોકે ભારતની યજમાનીમાં રમાનારા આઇસીસી ટી૨૦ વર્લ્ડ કપની તસવીર હજુ સ્પષ્ટ થઇ નથી. ટી૨૦ વર્લ્ડ કપ અંગેનો અંતિમ નિર્ણય લેવા માટે બીસીસીઆઇ આઇસીસી પાસે જુલાઇ સુધીનો સમય માંગે તેવી શક્યતા છે.
આઇપીએલ માટે યુએઇ ત્રીજી વખત સંકટમોચક બન્યું છે. નોંધનીય છે કે કોરોના વાઇરસની મહામારીના કારણે ગયા વર્ષે ૨૦૨૦ની પૂરી સિઝન યુએઇમાં રમાડવામાં આવી હતી. તે પહેલાં ૨૦૧૪ની સાતમી સિઝનની પ્રારંભિક ૨૦ મેચ યુએઇમાં રમાડવામાં આવી હતી. તે સમયે ભારતમાં ચૂંટણી પણ હતી જેના કારણે ગૃહપ્રધાને લીગને સુરક્ષા આપવાનો ઇનકાર કરી દીધો હતો. ટૂર્નામેન્ટની પ્રારંભિક ૨૦ મેચો અબુ ધાબી, દુબઇ અને શાહજાહમાં રમાઇ હતી.
ટી૨૦ વર્લ્ડ કપ માટે સમયની માંગણી
બીસીસીઆઇના એક અધિકારીએ જણાવ્યું હતું કે ટી૨૦ વર્લ્ડ કપ માટે હજુ ચાર મહિનાનો સમય બાકી રહી ગયો છે. આ સંજોગોમાં બીસીસીઆઇએ મંગળવારે દુબઇમાં યોજાયેલી આઇસીસીની બેઠકમાં નિર્ણય લેવા માટે થોડાક વધુ સમયની માગણી કરી હતી. આ મુદ્દે ચર્ચાવિચારણા બાદ આઇસીસીએ બીસીસીઆઇને ટૂર્નામેન્ટની યજમાનગતિ અંગે ૨૮ જૂન સુધીમાં નિર્ણય લેવા માટે સમય આપ્યો છે. ઉલ્લેખનીય છે કે ટી૨૦ વર્લ્ડ કપ ઓક્ટોબર તથા નવેમ્બરમાં રમાવાનો છે. કોરોનાની મહામારીમાં હવે સુધારો આવી રહ્યો છે અને આગામી દિવસોમાં પરિસ્થિતિ બદલાઇ જશે તેવી બીસીસીઆઇને આશા છે. ટી૨૦ વર્લ્ડ કપ પહેલાં ઓસ્ટ્રેલિયામાં રમાવાનો હતો પરંતુ કોરોના કારણે તેની ૨૦૨૦ એડિશનને રદ કરાઇ હતી.
અનેક મુશ્કેલી સર્જાઇ શકે છે
બીસીસીઆઇએ ભલે ટી૨૦ વર્લ્ડ કપના આયોજન માટે આઇસીસી પાસે વધારે સમય માગ્યો હોય પરંતુ દેશમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખતા ગ્લોબલ ઇવેન્ટનું આયોજન કરવું મુશ્કેલ બની રહેશે. આ સ્થિતિમાં આઇપીએલની જેમ ટી૨૦ વર્લ્ડ કપ પણ યુએઇમાં રમાય તેવી પૂરી સંભાવના છે. ગયા મહિને અમદાવાદ સહિત દેશના નવ સ્ટેટ એસોસિયેશનને વર્લ્ડ કપની મેચોની યજમાની માટે તૈયારી શરૂ કરી દેવાનો નિર્દેશ કરાયો હતો. જોકે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખતા વેન્યૂ અંગેનો અંતિમ નિર્ણય ટૂર્નામેન્ટ નજીક આવશે ત્યારે લેવામાં આવે તેવી સંભાવના છે. ટી૨૦ વર્લ્ડ કપમાં ૧૬ ટીમો વચ્ચે કુલ ૪૫ મુકાબલા રમાશે.