કીવઃ ભારતની સુપ્રસિદ્ધ રેસલર વિનેશ ફોગાટે એક વર્ષ બાદ કુસ્તીના મેદાનમાં પ્રવેશ કરીને રવિવારે સીધો ગોલ્ડ મેડલ જીત્યો છે અને તે પણ બે વાર વર્લ્ડ ચેમ્પિયન બનેલી અને બે વાર યુરોપિયન ચેમ્પિયન બનેલી વેનેસા કલાજિંસકાયાને માત આપીને. યુક્રેનના પાટનગર કીવમાં ચાલી રહેલી આઉટસ્ટેન્ડિંગ યૂક્રેનિયન રેસલર્સ એન્ડ કોચિસ મેમોરિયલમાં ૫૩ કિલોની કેટેગરીમાં વિનેશ ફોગાટે બેલારુસની વેનેસાને ૧૦-૮થી હરાવી હતી. વિનેશ ફાઇનલની શરૂઆતથી જ આક્રમક રહી હતી. તેણે એક થ્રો સાથે વેનેસા પર ૪-૦ની લીડ મેળવી લીધી હતી. વેનેસાએ વળતો હુમલો કરીને ગેમને ૪-૪ પર લાવી દીધી હતી. બ્રેકની ૧૦ સેકંડ અગાઉ ૬-૪ની લીડ અંકે કરી હતી. બેલારુસની વેનેસાએ ચાર પોઇન્ટના થ્રો સાથે ભારતીય રેસલર પર પ્રેશર લાવી દીધું હતું પરંતુ વિનેશે અદ્ભુત મૂવ દ્વારા વધારે ચાર પોઇન્ટ અંકે કરીને ૧૦-૮ની વિજયી લીડ મેળવી લીધી હતી.
હવે રોમમાં રેન્કિંગ ટૂર્નામેન્ટ
ફાઇનલમાં બાદ હવે વિનેશ રોમ જશે. રોમમાં ૪થી ૭ માર્ચ દરમિયાન સિઝનની પ્રથમ રેન્કિંગ ટૂર્નામેન્ટ રમાડાશે. નોંધનીય છે કે વિનેશે ૨૦૧૪ અને ૨૦૧૮ કોમનવેલ્થ ગેમ્સ અને ૨૦૧૮ની એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે વિનેશે ગયા શનિવારે ૫૩ કિલોગ્રામ વર્ગના સેમિ-ફાઇનલમાં રોમાનિયાની એના એને ૨-૦થી હરાવી હતી. પાછલા વર્ષે દિલ્હીમાં ફેબ્રુઆરીમાં એશિયન ચેમ્પિયનશિપમાં ભાગ લીધા બાદ વિનેશ એક વર્ષ બાદ કોઈ સ્પર્ધાત્મક ટૂર્નામેન્ટમાં ઊતરી હતી. વિનેશે સેમિ-ફાઇનલના પ્રથમ રાઉન્ડમાં જ એના પર ૨-૦ની લીડ મેળવી લીધી હતી અને તે પછી વિનેશે પોતાની હરીફને સ્પર્ધામાં પરત આવવાનો મોકો જ આપ્યો ન હતો. ટોક્યો ઓલિમ્પિક માટે તે પહેલેથી જ ક્વોલિફાઇ થઇ ચૂકી છે.