લંડનઃ આફ્રો-અમેરિકન જ્યોર્જ ફ્લોઇડની મૃત્યુની પ્રથમ તિથિએ વિન્ડીઝના ભૂતપૂર્વ બોલિંગ સ્ટાર માઇકલ હોલ્ડિંગે જણાવ્યું હતું કે રંગભેદને સંપૂર્ણપણે નાબૂદ કરવો અશક્ય છે. તેમણે જણાવ્યું હતું કે રંગભેદ હંમેશા રહેવાનો અને રંગભેદીઓ પણ હંમેશા રહેવાના. આમ રંગભેદને સંપૂર્ણ દૂર કરવાની વાત એક રીતે ગુનાખોરીને સંપૂર્ણ દૂર કરવાની વાત જેવી છે, એમ હોલ્ડિંગે ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન નાસીર હુસૈન અને આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટર એબોની રેઇનફોર્ડ-રેન્ટ સાથેની ચર્ચામાં જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે તમે સમાજમાં જેમ એવી સ્થિતિ સર્જી શકો છો કે ગુનાનું પ્રમાણ ઓછું થાય તે જ રીતે રંગભેદનું પ્રમાણ પણ ઘટાડી શકાય છે. હોલ્ડિંગે કહ્યું હતું કે હું આ અંગે લોકોને કોઈ સલાહ આપવા માંગતો નથી. તેમણે જણાવ્યું હતું કે જ્યારે પણ રંગભેદનો વિરોધ થાય ત્યારે તેને સમર્થન આપવું જોઈએ, તમારે તે વાત સમજવી જોઈએ અને કંઇક ખોટું થતું હોય તો સમગ્ર વિશ્વએ તેની સામે એક અવાજે બોલવું જોઈએ, જે ગયા વર્ષે બોલ્યું હતું.
યુકેમાં વસતા માઇકલ હોલ્ડિંગે જણાવ્યું હતું કે બ્લેક લોકોએ કેવા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે તે કંઈ દરેક જણ સમજતું નથી. તેના સમગ્ર જીવનકાળ દરમિયાન તેમના પર કેવું દબાણ હોય છે તે કોઈ જાણતું નથી. આ પ્રકારનું દબાણ જાણે તે જન્મથી જ લઈ આવ્યા હતા.
આ ઉપરાંત કામચલાઉ ધોરણે પણ રંગભેદનો આશરો લેનારા સામે પણ હોલ્ડિંગે તેનો આક્રોશ ઠાલવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ બાબત ઘણી તકલીફ આપે છે. બ્લેક વ્યક્તિ તરીકે તમે કોઈ એવી વાત સાંભળો તો તમારી અંદર તમને કંઇક બળતું હોય તેમ લાગે છે. મારા જીવનમાં ઘણી વ્યક્તિઓએ મારી સાથે એ પ્રકારે વર્તન કર્યુ છે કે મને લાગે છે કે તે વર્તન ક્રૂર હતું કે રંગભેદી હતું. તેમણે કહ્યું હતું કે યુકેએ રંગભેદને દૂર કરવા માટે પૂરતા પ્રમાણમાં પગલાં લીધા નથી.