લંડનઃ બ્રિટનની ટીનએજ ટેનિસ સ્ટાર રાડૂકાનૂએ યુએસ ઓપન ચેમ્પિયનશિપ જીતીને ઈતિહાસ તો રચ્યો જ છે સાથે સાથે જ તેણે ૨.૫ મિલિયન ડોલરની પ્રાઇસ મની પણ મેળવી હતી. સમગ્ર બ્રિટનમાં રાતોરાત છવાઈ ગયેલી એમ્મા રાદૂકાનૂને કરારબદ્ધ કરવા માટે વિશ્વની ટોચની બ્રાન્ડ્સે લાઈન લગાવી છે. બ્રિટીશ મીડિયાના રિપોર્ટ અનુસાર રાદૂકાનૂ સ્પોન્સરશીપ કરારોથી આશરે ૧૦ કરોડ પાઉન્ડ જેટલી કમાણી કરી લેશે.
ગ્લેમરસ લૂક ધરાવતી એમ્મા રાદૂકાનૂએ યુએસ ઓપન અગાઉ ૩,૦૩,૩૭૬ ડોલર ઈનામમાં જીત્યા હતા. તેણે કહ્યું પણ હતું કે, આ અગાઉ મને સૌથી વધુ ઈનામી રકમ તરીકે ૨૫,૦૦૦ ડોલર મળ્યા હતા. જે ભારતમાં રમાયેલી પૂણેની ટુર્નામેન્ટમાં એનાયત કરાયા હતા. જ્યારે યુએસ ઓપનમાંથી તેને વાર્ષિક કમાણી કરતાં આઠ ગણી રકમ ઈનામમાં મળી હતી. રાતોરાત કરોડપતિ બની ગયેલી એમ્માને લિજેન્ડરી ખેલાડી ક્રિસ એવર્ટે ટેનિસના ભાવિ તરીકે ઓળખાવી હતી.