દુબઇ: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પહેલા રવિવારે આઈસીસી હોલ ઓફ ફેમમાં ૧૦ ખેલાડીઓને સામેલ કર્યા છે. જેમાં ભારતના લેફ્ટ આર્મ સ્પિનર વિનુ માંકડનો પણ સમાવેશ થાય છે.
હોલ ઓફ ફેમમાં પાંચ યુગોના ૧૦ ખેલાડીઓને જગ્યા આપવામાં આવી છે. આ ૧૦ ક્રિકેટરોએ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે. આ ૧૦ ખેલાડીઓને સામેલ કરવાની સાથે આ પ્રતિષ્ઠિત યાદીમાં સામેલ થનારા ક્રિકેટરોની સંખ્યા ૧૦૩ થઈ ગઈ છે. વિનુ માંકડની બે વર્લ્ડ વોર બાદના યુગ માટે પસંદગી કરવામાં આવી છે. આ યુગ ૧૯૪૬થી લઈને ૧૯૭૦ સુદીનો છે. વિનુ માંકડ સિવાય ઈંગ્લેન્ડના ટેડ ડેક્સ્ટરને પણ આ યુગ દરમિયાન આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા છે.
વિનુ માંકડની વાત કરીએ તો તેમણે ૪૪ ટેસ્ટ મેચ રમી હતી. જેમાં માંકડે ૩૧.૪૭ની એવરેજથી ૨૧૦૯ રન બનાવ્યા હતા. તેમણે આ દરમિયાન ૧૬૨ વિકેટ પણ ઝડપી હતી. તેમની ગણના ભારતના મહાન ઓલરાઉન્ડરોમાં થાય છે.
વર્ષ ૧૯૫૨માં લોર્ડસમાં વિનુ માંકડે ઈંગ્લેન્ડ સામે અનુક્રમે ૭૨ અને ૧૮૪ રન બનાવ્યા હતા. આ સિવાય તેમણે મેચમાં ૯૭ ઓવર ફેંકી હતી. તેઓ ટેસ્ટ ક્રિકેટમાં દરેક નંબર પર બેટિંગ કરનાર ત્રણ ક્રિકેટરોમાંથી એક છે. માંકડે બાદમાં ભારતના મહાન બેટ્સમેન સુનિલ ગાવસ્કરને કોચિંગ આપ્યું હતું. સુનિલ ગાવસ્કર પહેલાથી જ આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ છે.
જે પાંચ યુગોના બે-બે ખેલાડીઓને હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા છે તે યુગોમાં પ્રારંભિક ક્રિકેટ યુગ (૧૯૧૮ પહેલાં), યુદ્ધ સમયનો યુગ (૧૯૧૮-૧૯૪૫), યુદ્ધ પછીનો યુગ (૧૯૪૬-૧૯૭૦), વન-ડે યુગ (૧૯૭૧-૧૯૯૫ અને આધુનિક યુગ (૧૯૯૬-૨૦૧૬)નો સમાવેશ થાય છે.