લેસ્ટરે પ્રથમ વખત એફએ કપ જીત્યો

Wednesday 19th May 2021 11:43 EDT
 
 

લંડનઃ લેસ્ટર સિટીએ પ્રથમ વખત એફએ (ફૂટબોલ એસોસિએશન) કપ જીતતા ચેલ્સીને ૧-૦થી હરાવ્યું છે. માર્ચ ૨૦૨૦ પછી ઇંગ્લેન્ડમાં રમાયેલી આ સેટરડે નાઇટ ફૂટબોલ મેચમાં સૌથી વધુ ૨૧,૦૦૦ પ્રેક્ષકોની ઉત્સાહભરી હાજરી વેમ્બલી સ્ટેડિયમ પર જેવા મળી હતી. ગયા વર્ષે કોરોનાને લીધે એફએ કપની ફાઈનલ પ્રેક્ષકો વગર જ રમાઈ હતી.
બન્ને ટીમે જબરદસ્ત લડાયક મુકાબલો ખેલ્યો હતો. કોઈ કોઈને મચક નહોતું આપતું અને તાકાતની રીતે સમાન ટીમ જ હતી. ૬૩મી મીનીટમાં ફટકારાયેલ અદભુત વિજયી ગોલનું લેસ્ટરની આ સિદ્ધિમાં યોગદાન હતું. તે પછી ભારે લડાયક અને એક ગોલ માટે ઝઝૂમતા ચેલ્સીના લગભગ નિશ્ચિત થઈ જાય તેવા ગોલને લેસ્ટરના કેપ્ટન કાસ્પેર સ્મેઇલચેલે આબાદ ડ્રાઈવ લગાવીને બચાવ્યો હતો.
ભૂતકાળમાં લેસ્ટર ચાર વખત એફએ કપની ફાઈનલમાં પ્રવેશ્યું હતું અને રનર્સ અપથી સંતુષ્ટ રહીને નિરાશ થતું હતું. અંતે આ વખતે તેમના અવિરત જાળવી રાખેલા જુસ્સાને લીધે ફળ મળ્યું છે. છેલ્લે ૧૯૬૯માં લેસ્ટર ફાઈનલમાં રમ્યું હતું. એફએ કપ ૧૪૯ વર્ષથી રમાતી ફૂટબોલ જગતની જૂની ટૂર્નામેન્ટ છે. ટીયેલમાન્સે નોંધવેલ ગોલ પણ ટુર્નામેન્ટની ફાઈનલના ઇતિહાસમાં શ્રેષ્ઠ ગોલ મનાય છે.
જોકે ૮૯મી મીનિટમાં તનાવપૂર્ણ ડ્રામા સર્જાયો હતો. લેસ્ટરના વેસ મોર્ગને સેલ્ફ ગોલ કર્યો છે તેમ લાગ્યું હતું. ચેલ્સીએ ઉજવણી કરતા હોય તેમ મેચ એકસ્ટ્રા ટાઈમમાં લઈ જવાશે તેમ દેખાડો કર્યો હતો પણ અમ્પાયરોએ ‘વીએઆર’ પર જોઈને તેને ઓફસાઈડ જાહેર કરતાં ચેલ્સી હતાશ થઈ ગયું હતું. હવે લેસ્ટરનો ઐતિહાસિક વિજય એક મીનીટ જ છેટે હતો.
ચેલ્સીના ચાહકો તેની ટીમના દેખાવી સંતુષ્ટ હોય તેમ પરાજયને ખેલદિલીથી સ્વીકાર્યો હતો. પ્રથમ હાફમાં ચેલ્સીના થોમસ તુચેલની આક્રમક રમતથી બોલ પર ચેલ્સીનું વધુ નિયંત્રણ રહ્યું હતું. લેસ્ટરે ૩૪મી મીનીટમાં સેન્ટર હાફ જોની ઇવોન્સને ઈજા થતાં ગુમાવ્યો હતો. જોકે તેણે મનોબળ મજબૂત રાખ્યું હતું. ટીયેલમાન્સના ગોલે ૧૯૮૬ના વર્લ્ડકપ ફૂટબોલની મેચમાં મેરોડોનાના ઐતિહાસિક ગોલની યાદ અપાવી હતી.
લેસ્ટર ૨૦૧૬માં પ્રિમિયર લિગમાં ચેમ્પિયન બન્યું હતું. તે પછી આ તેઓની ઉલ્લેખનીય સિદ્ધિ કહી શકાય. લેસ્ટરના મેન્જર બ્રેન્ડાન રોજર્સ પણ ખુશ હતા. ચેલ્સીને હજુ આ સિઝનમાં ટ્રોફી જીતવાની તક છે. ૨૯ મેના રોજ ચેમ્પિયન્સ લીગની ફાઈનલમાં તેનો મુકાબલો માંચેસ્ટર સીટી સામે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter