મુંબઇઃ ટીમ ઇંડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્માએ જરૂરતમંદ લોકો માટે ભંડોળ એકત્ર કરવાનું અભિયાન શરૂ કર્યું છે. ચાહકોને આ અભિયાનમાં મદદ કરવાની અપીલ સાથે દંપતીએ રૂપિયા ૨ કરોડનું વ્યક્તિગત અનુદાન આપીને ફંડ રેઇઝીંગ શરૂ કર્યું છે. આ સાથે જ વિરાટ તથા અનુષ્કાએ ૪૬ સેકન્ડનો વીડિયો પણ શેર કર્યો છે. જેમાં તેઓ કહે છે, ‘ભારતની સ્થિતિ હાલ ઘણી જ મુશ્કેલ છે, દિવસ રાત લડી રહેલા લોકોને સલામ, પરંતુ હવે તેમને જરૂર છે આપણા સપોર્ટની તથા તેમની સાથે ઊભા રહેવાની. આથી જ અમે એક ફંડ રેઇઝીંગની શરૂઆત કરી છે.’
વિરાટ કોહલીએ કહ્યું હતું કે, ‘અનુષ્કા તથા મેં કોવિડ-૧૯ સામેના જંગમાં કેટ્ટો (ફંડ રેઇઝીંગ કરતી વેબસાઇટ) પર ફંડ ભેગું કરવાનું અભિયાન શરૂ કર્યું છે. અમે તમારા સહુના આભારી રહીશું. આપણે સાથે મળીને આગળ આવીએ તથા જરૂરિયાતમંદ લોકોની મદદ કરીએ. હું તમામને અમારા આ અભિયાનમાં સામેલ થવાનો આગ્રહ કરું છું.’
વીડિયો પોસ્ટ કરીને અનુષ્કાએ કહ્યું હતું. ‘આપણો દેશ કોવિડ-૧૯ની બીજી લહેર સામે ઝઝૂમી રહ્યો છે. આપણી હેલ્થકેર સિસ્ટમ અનેક પડકારોનો સામનો કરી રહી છે. લોકોની મજબૂરી જોઈને મારું હૃદય ભાંગી પડ્યું છે. તેથી જ મેં તથા વિરાટે કેટ્ટો સાથે મળીને #InThis-Together નામનું અભિયાન શરૂ કર્યું છે.’ આ સેલિબ્રિટી કપલે અભિયાન અંતર્ગત રૂ. સાત કરોડનું ભંડોળ એકત્ર કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.
આ ફંડમાં ભેગી થયેલી રકમ એસીટી ગ્રાન્ટસને આપવામાં આવશે. એસીટી અભિયાનનો ઇમ્પ્લમેન્ટેશન પાર્ટનર છે. એસીટી કોરોનાકાળમાં ઓક્સિજન, દવા, મેનપાવર, વેક્સિનેશન તથા નાગરિોકમાં જાગતૃતતા વધારવાનું કામ કરે છે.