ઓકલેન્ડ: ન્યૂઝીલેન્ડના બેટ્સમેન કોરી એન્ડરસને ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. જોકે તે અમેરિકામાં ટી૨૦ લીગમાં રમશે. એન્ડરસન છેલ્લા કેટલાક સમયથી ઈજાઓથી પરેશાન રહેતો હતો. તેની પત્ની અમેરિકામાં રહે છે અને માનવામાં આવે છે કે હવે તેણે ન્યૂઝીલેન્ડને છોડીને અમેરિકામાં સ્થાયી થવાનો નિર્ણય લીધો છે. આગામી દિવસોમાં તે અમેરિકા માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી શકે છે. ૨૯ વર્ષીય એન્ડરસન મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી ડેરડેવિલ્સ તરફથી આઇપીએલમાં રમી ચૂક્યો છે.
૨૦૧૪માં ફાસ્ટેસ્ટ સદીનો રેકોર્ડ તોડયો
૨૦૧૩માં પોતાની પ્રથમ ઇન્ટરનેશનલ મેચ રમનાર એન્ડરસન સ્ફોટક બેટિંગ માટે જાણીતો હતો. તેણે ૨૦૧૪માં શાહિદ આફ્રિદીના ૧૮ વર્ષ જૂના રેકોર્ડને તોડી નાખ્યો હતો. એન્ડરસને વેસ્ટ ઇન્ડિઝ સામે માત્ર ૩૬ બોલમાં સદી ફટકારીને વન-ડેમાં ફાસ્ટેસ્ટ સદી નોંધાવવાનો વિક્રમ પોતાના નામે કર્યો હતો. એન્ડરસને તેની વિક્રમી ૧૩૧ રનની ઇનિંગ્સમાં ૧૪ સિક્સર ફટકારી હતી. આ પહેલાં આફ્રિદીએ ૧૯૯૬માં ૩૭ બોલમાં સદી પૂરી કરી હતી. ૨૦૧૫માં એન્ડરસનના રેકોર્ડને સાઉથ આફ્રિકાના એબી ડીવિલિયર્સે તોડી નાખ્યો હતો. ડી વિલિયર્સે વિન્ડીઝ સામે માત્ર ૩૧ બોલમાં સદી ફટકારી હતી.
એન્ડરસને ૧૩ ટેસ્ટ અને ૪૯ વન-ડેમાં ન્યૂઝીલેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ ઉપરાંત તે ૩૧ ટી૨૦ મેચો પણ રમ્યો હતો. તેણે ટેસ્ટ અને વન-ડેમાં એક-એક સદી ફટકારી હતી. એન્ડરસને ન્યૂઝીલેન્ડને ૨૦૧૫ના વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી. તેણે સેમિ-ફાઇનલમાં સાઉથ આફ્રિકા સામે ૫૮ રન ફટકાર્યા હતા. વર્લ્ડ કપમાં તેણે ૧૬.૭૧ની એવરેજથી ૧૪ વિકેટ પણ હાંસલ કરી હતી.