મુંબઈઃ ન્યૂઝીલેન્ડ સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ તથા તે પછી ઇંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણી પૂર્વે ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે આટલી મોટી ટૂર્નામેન્ટના વિજેતાનો નિર્ણય એક જ ફાઇનલથી થવો જોઇએ નહીં. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબ્લ્યુટીસી)ની ફાઇનલ બેસ્ટ ઓફ થ્રી મુજબ રમાવી જોઇએ. નોંધનીય છે કે બેસ્ટ ઓફ થ્રી ફોર્મેટમાં બે મેચ જીતનાર ટીમ વિજેતા જાહેર થતી હોય છે.
ભારતના હેડ કોચ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ ત્રણ મેચોની હોવી જોઇએ. માત્ર એક જ મેચથી વિજેતાનો નિર્ણય લેવો યોગ્ય નથી. અમે એક મેચ માટે પણ તૈયાર છીએ. અમે આ ફાઇનલ સુધી પહોંચવા માટે છેલ્લા લાંબા સમયથી આકરી મહેનત કરી છે. માત્ર ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ જ નહીં, અમે ઘણી વખત કપરી પરિસ્થિતિમાંથી બહાર આવીને શ્રેણી જીતવામાં સફળતા પણ મેળવી છે.
કેપ્ટન વિરાટ કોહલીએ પણ જણાવ્યું હતું કે અમે ફાઇનલ માટે સંપૂર્ણ સજ્જ છીએ. ફાઇનલનું અમારી ઉપર કોઇ દબાણ નથી. અમે છેલ્લા પાંચથી છ વર્ષ ઘણી મહેનત કર્યા બાદ ફાઇનલ સુધી પહોંચ્યા છીએ. અમે આ ફાઇનલનો આનંદ માણીશું. અમે સામાન્ય લોકોની જેમ વિચારતા નથી. જો અમારા વિચાર પણ તેમના જેવા રહેશે તો સારો દેખાવ કરી શકીશું નહીં. મારી ઉપર પણ કોઇ દબાણ નથી. મારું કામ ભારતીય ક્રિકેટને સતત આગળ લઇ જવાનું છે. જ્યાં સુધી હું ક્રિકેટ રમતો રહીશ ત્યાં સુધી મારો લક્ષ્યાંક આ જ રહેશે. મારા ઉપર ક્યારેય દબાણ રહ્યું નથી અને રહેવાનું પણ નથી. ટીમના ખેલાડીઓ એકબીજાને કેવી રીતે મદદ કરે છે તે અમારા માટે મહત્ત્વપૂર્ણ છે.
અનુભવ કામે લાગશેઃકોહલી
યજમાન ઇંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટની શ્રેણીના સંદર્ભમાં કોહલીએ જણાવ્યું હતું કે અમે ભૂતકાળમાં પણ ઇંગ્લેન્ડમાં રમી ચૂક્યા છીએ. અગાઉ શ્રેણી શરૂ થવાના ત્રણ દિવસ પહેલાં ટીમ પહોંચતી હતી, પરંતુ આ વખતે અમારી પાસે પૂરતો સમય છે. ઇંગ્લેન્ડની સ્થિતિ અમે જાણીએ છીએ અને આ વખતે અમારી પાસે શ્રેણી જીતવાની તમામ તક છે. અમે પૂરા ચાર પ્રેક્ટિસ સેશન બાદ ઇંગ્લેન્ડમાં રમવા માટે તૈયાર છીએ. ફાઇનલ અને શ્રેણી વચ્ચેના લાંબા ગાળા અંગે કોહલીએ ઉમેર્યું હતું કે અમને નવેસરથી શ્રેણીની તૈયારી કરવાનો સમય મળશે અને અમે થોડાક નોર્મલ થઇ શકીશું કારણ કે પાંચ મેચની શ્રેણી આસાન રહેતી નથી.