નવી દિલ્હીઃ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ૭૦ સદી ફટકારી ચૂકેલા ટીમ ઇંડિયાના તેજતર્રાર કેપ્ટન વિરાટ કોહલીએ હવે મેદાનની બહાર પણ એક વિશેષ સદી પૂરી કરીને ઇતિહાસ રચ્યો છે. તેણે ઇન્સ્ટાગ્રામ ઉપર ૧૦૦ મિલિયન ફોલોઅર્સનો આંક વટાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ઇન્સ્ટાગ્રામ ઉપર ૧૦૦ મિલિયન ફોલોઅર્સની સંખ્યા પાર કરી હોય તેવો કોહલી એકમાત્ર ક્રિકેટર છે. અત્યાર સુધી કોઈ પણ ક્રિકેટર આ સિદ્ધિ મેળવી શક્યો નથી. ભારતીય હોવાના નાતે પણ કોહલીએ અનોખી સિદ્ધિ મેળવી છે. કોઈ પણ ભારતીય વ્યક્તિએ અત્યાર સુધી ઇન્સ્ટ્રાગ્રામ ઉપર ૧૦૦ મિલિયન ફોલોઅર્સની સંખ્યા પાર કરી શક્યો નથી. અલબત્ત, ફૂટબોલના કેટલાક આંતરરાષ્ટ્રીય સ્ટાર ખેલાડીઓએ આ આંકડાને લાંબા સમય પહેલા પાર કરી દીધો છે.
ઇન્સ્ટ્રાગ્રામ ઉપર સૌથી વધારે ફોલો થતા ટોપ-૫૦ લોકોની યાદીમાં કોહલી એકમાત્ર ભારતીય છે જેની ઉપરથી અંદાજો લગાવી શકાય છે કે તે કેટલો લોકપ્રિય છે. તે હાલમાં ૨૩મા ક્રમે છે. ઇન્સ્ટાગ્રામની આ ઇલિટ કલબમાં સામેલ થનાર કોહલી વિશ્વનો પાંચમો એથ્લીટ છે. પોર્ટુગલના ફૂટબોલ સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ટોપ ઉપર છે. રેસલર અને એક્ટર ડ્વેન જ્હોન્સન બીજા, આર્જેન્ટિનાનો ફૂટબોલ ખેલાડી લાયોનલ મેસ્સી ત્રીજા અને બ્રાઝિલનો નેમાર ચોથા ક્રમે છે. આઈસીસી અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પણ સોશિયલ મીડિયામાં કોહલીને અભિનંદન આપ્યા હતા.