સિડનીઃ ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે રમાયેલી પ્રથમ વન-ડે દરમિયાન મેદાનમાં ઉતરેલા ક્રિકેટ સમર્થકે અદાણીના પ્રોજેક્ટનો પ્લેકાર્ડ દર્શાવી જાહેર વિરોધ કર્યો હતો. ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સની છઠ્ઠી ઓવર દરમિયાન આ બનાવ બન્યો હતો.
છેલ્લા કેટલાક સમયથી ઓસ્ટ્રેલિયામાં અદાણી પ્રોજેક્ટ અંગે વિરોધ પ્રદર્શન થઇ રહ્યાં છે. મેચ દરમિયાન કેટલાક લોકો પ્લે કાર્ડ લઇને મેદાનમાં ઘૂસી ગયા હતા જેની ઉપર `State Bank Of India NO $ 1B ADANI LOAN’ લખ્યું હતું. જોકે મેદાનમાં હાજર રહેલા સુરક્ષા કર્મચારીઓએ આ પ્રેક્ષકોને ગ્રાઉન્ડની બહાર લઇ ગયા હતા. આ અંગે પૂરી મેચ દરમિયાન ચર્ચાઓ ચાલી હતી.
પ્રેક્ષકોના મેદાનમાં ઘૂસી જવાના કારણે સુરક્ષા વ્યવસ્થા સામે પણ પ્રશ્નાર્થ થયો હતો. કોવિડ-૧૯ અને બાયો-બબલ સિક્યોરિટીના આ તબક્કામાં પ્રેક્ષકોનું આવી રીતે મેદાનમાં ઘૂસી જઇને પ્લેયર્સ અને અમ્પાયર્સની નજીક પહોંચી જવું તે પણ ચિંતાજનક છે.
ગયા સપ્ટેમ્બરમાં અદાણી ગ્રૂપે કોલસા ખાણના સંદર્ભમાં પર્યાવરણ કાર્યકર્તાઓ સામે અદાલતી જંગ જીત્યો હતો. ગ્રૂપે જણાવ્યું હતું કે તેમણે ક્વિન્સલેન્ડમાં ૧૫૦૦ લોકોને જોબ આપવાની ઓફર કરી છે.