સિડનીઃ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે અહીં રમાયેલી ત્રીજી ટેસ્ટના બીજા દિવસે - ગયા શુક્રવારે - ટીમ ઇંડિયા સાથે જે કંઇ બન્યું તે ખરેખર શરમજનક, અસ્વીકાર્ય અને ખેલ ભાવનાનું ઘોર અપમાન છે. ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ્સની ૮૬મી ઓવર ચાલતી હતી ત્યારે મોહમ્મદ સિરાજ બાઉન્ડ્રી લાઇન પર ફિલ્ડીંગ ભરી રહ્યો હતો. આ સમયે સ્ટેડિયમમાં નજીકમાં બેઠેલા દર્શકોનું એક ગ્રૂપ સિરાજને ‘બ્રાઉન મંકી’ અને ‘બિગ ડોગ’ કહીને સતત પજવણી કરી રહ્યું હતું. આખરે સિરાજે આ અંગે ફિલ્ડ અમ્પાયર પોલ રાફેલને ફરિયાદ કરી.
ફિલ્ડ અમ્પાયરે મેચ રેફરી અને ટીવી અમ્પાયર સાથે વાતચીત કર્યા બાદ પોલીસ બોલાવવામાં આવી હતી. અને પોલીસે આવી રંગભેદી ટિપ્પણી કરી રહેલા છ દર્શકોને સ્ટેડિયમમાંથી બહાર કાઢી મૂક્યા હતા.
એક અન્ય રિપોર્ટ અનુસાર, એક દિવસ અગાઉ - મેચના પ્રથમ દિવસે - પણ બુમરાહ અને સિરાજ પર આવી ટિપ્પણીઓ કરાઈ હતી. આ મામલે સુકાની અજિંક્યા રહાણે અને બીજા સિનિયર ખેલાડીઓએ મીટિંગ કરી હતી. તેમાં સુરક્ષા અધિકારી પણ હાજર હતા.
આઇસીસીએ રિપોર્ટ માંગ્યો
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ)એ પણ આ વરવી ઘટના અંગે ભારતીય ટીમની માફી માંગતા કહ્યું હતું કે વંશીય ટિપ્પણી મામલે અમારી ઝીરો ટોલરન્સ પોલિસી છે. અમે આવી ઘટનાઓ સાંખી નહીં લઇએ. કાર્યવાહી કરીશું. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) અને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ પણ આ ઘટનાને વખોડી હતી. આઇસીસીએ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા પાસેથી આ ઘટના અંગે રિપોર્ટ પણ માગ્યો છે.
અત્યંત શરમજનક: કોહલી
પેટરનિટી લીવ પર ભારત પરત ફરેલા ટીમ ઇંડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ આ ઘટના અંગે આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ‘વંશીય અપશબ્દો કોઇ પણ શબ્દોમાં સાંખી લેવાય નહીં. બાઉન્ડ્રી લાઈન પર અનેક વાહિયાત ઘટનાઓ જોઈ છે પણ આ તો ગુંડાગર્દીવાળા વર્તનની ચરમસીમા છે. મેદાન પર આ જોવું શરમજનક છે. આ મામલા પર તાત્કાલિક અને ગંભીરરૂપે ધ્યાન આપવાની જરૂર છે. આવું કરનારા લોકો સામે કડક રીતે કાર્યવાહી કરવાથી એક જ વખતમાં બધું સારું થઇ જશે.
આવા દર્શકો પર પ્રતિબંધ મૂકોઃ વોર્ન-હસ્સી
ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર શેન વોર્ન અને માઈક હસ્સીએ પણ સિરાજ સાથે બનેલી ઘટના અંગે તીવ્ર પ્રત્યાઘાત આપ્યા હતા. તેમણે એક અવાજે કહ્યું હતું કે આવા દર્શકો પર આજીવન પ્રતિબંધ મૂકવો જોઈએ. કોમેન્ટેટર માર્ક હાવર્ડે પણ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સમક્ષ આ પ્રકારની ઘટનાઓ વિરુદ્ધ કડક પગલાં ભરવા માગ કરી છે.