૬ બોલમાં ૬ સિક્સઃ યુવરાજની સિદ્ધિના ૧૩ વર્ષ!

Thursday 24th September 2020 05:40 EDT
 
 

ચંડીગઢઃ નિવૃત્તિ જાહેર કર્યા પછી ફરી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પુનરાગમનની ઈચ્છા જાહેર કરી ચૂકેલ યુવરાજસિંઘે ગયા શનિવારે એટલે કે ૧૯મી સપ્ટેમ્બરે આજથી ૧૩ વર્ષ પહેલા રચેલા વિક્રમની યાદ તાજી કરી હતી. વર્ષ ૨૦૦૭માં તેણે આ જ દિવસે ટી૨૦ વર્લ્ડ કપની ઈંગ્લેન્ડ સામેની સુપર એઈટ મેચમાં સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરના છ બોલમાં છ સિક્સ ફટકારીને સનસનાટી મચાવી દીધી હતી. તે આવી આંતરરાષ્ટ્રીય સિદ્ધિ મેળવનાર પ્રથમ બેટ્સમેન બન્યો હતો. યુવરાજે આવી બેટિંગ કરતાં ૧૨ ઓવરમાં જ ૫૦ રન પૂરાં કર્યા હતા. યુવરાજની આ ધમાકેદાર ઈનિંગના લીધે જ ભારતે ૨૦ ઓવરમાં ૨૧૮ રન કર્યા હતા અને ભારતે ઈંગ્લેન્ડને ૧૮ રને હરાવી શક્યું હતું.
યુવરાજનું સમગ્ર ટૂર્નામેન્ટમાં પ્રભાવી ઓલરાઉન્ડ પ્રદર્શન રહ્યું હતું અને ભારતે ધોનીની કેપ્ટન્સી હેઠળ આ પ્રથમ વખત યોજાયેલો ટી૨૦ વર્લ્ડ કપ જીત્યો હતો.
યુવરાજે આ દિવસ યાદ કરતાં ટ્વિટ કર્યું હતુંઃ સમય કેટલો ઝડપથી પસાર થઈ જાય છે તે ખબર જ ના રહી. યુવરાજસિંઘે કેન્સર પર વિજય મેળવ્યો હોય તેણે તેના ચાહકોને છ બોલમાં છ સિક્સને સાંકળી કેન્સરને મહાત કરવા છ સંકલ્પ કેળવવા અપીલ કરી હતી.

સ્ટુઅર્ટ બ્રોડની ખેલદિલી

સ્ટુઅર્ટ બ્રોડે પણ ખેલદિલી દાખવી હતી અને યુવરાજની ટ્વિટનો નિખાલસ ઉત્તર આપતા ટ્વિટ કર્યું હતુંઃ ‘તે દિવસે બોલ સમય કરતા વધુ ઝડપે આગળ ધપી રહ્યો હતો’.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter