અનામતના નામે ગૂંચવાડા સર્જો અને પ્રજાને ભોળવી રાજ કરો

અતીતથી આજ

ડો. હરિ દેસાઈ Tuesday 15th September 2020 05:34 EDT
 
 

આઝાદીના સાત-સાત દાયકા વીતી ગયા પછી પણ દેશમાં અનામતના ઘૂઘરે રાજકારણ ખેલવાની ચડસાચડસી હજુ થંભી નથી. અનામત કાઢો અથવા તો અમને આપો; એવી માંગણી સાથે આંદોલનો અને રેલીઓ સત્તાપક્ષ અને વિપક્ષના ઈશારે જ ઉહાપોહ મચાવાય છે.

હવે અનુસૂચિત જાતિ (એસી), અનુસૂચિત જનજાતિ (એસટી), સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતો (એસઈબીસી કે ઓબીસી) પછી ઉજળિયાતો ગણાતા સમાજોને બંધારણમાં ૧૦૩ ક્રમાંકનો સુધારો કરીને બિન-અનામતના નામે ૧૦ ટકા અનામત અપાયા પછી “સત્તાવાર રીતે” કુલ મળીને ૬૦ ટકા અનામત તો અમલી બની ગઈ છે.

વાસ્તવમાં બંધારણના મુખ્ય નિર્માતા બાબાસાહેબ ડો. ભીમરાવ આંબેડકર અનામતનું પ્રમાણ ૫૦ ટકાથી વધે નહીં એ મતના હોવા છતાં એમના નામની દુહાઈ દેનારાઓ થકી આજકાલ અમુક રાજ્યોમાં તો અનામતનું પ્રમાણ ૯૦ ટકા સુધી અમલી થઇ ચુક્યું છે.

અનામત-અનામતની રાષ્ટ્રવ્યાપી કવાયતો છતાં કેન્દ્ર અને રાજ્ય સરકારોના ટોચના અધિકારીઓમાં પ્રત્યેક અનામત સમાજની ટકાવારી મુજબ હોદ્દાઓ અપાયા નહીં હોવાનું સરકારી આંકડાઓ જ ગાઇવગાડીને કહે છે. હમણાં મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની ૧૬ ટકા ટકાવારીને સર્વોચ્ચ અદાલતમાં પડકારાતાં ત્રણ ન્યાયાધીશોની ખંડપીઠે એના અમલ પર મનાઈહુકમ આપ્યા પછી ભારે રાજકીય વિવાદ તેમ જ આરોપ-પ્રત્યારોપનો માહોલ સર્જાયો છે. મરાઠા અનામતના યશ માટે રીતસર ઝૂંટાઝૂંટ ચાલી છે. પ્રજાને ભોળવવા બેફામ નિવેદનો થયા કરે છે. વિપક્ષે બેસતા ભારતીય જનતા પક્ષના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંતદાદા પાટિલે તો કોંગ્રેસનો અમુક વર્ગ મરાઠા અનામતનો વિરોધી હોવાનો આક્ષેપ કર્યો.

સર્વોચ્ચ અદાલતની ખંડપીઠે ઈન્દ્રા સાહની ચુકાદા મુજબ અનામતનું પ્રમાણ ૫૦ ટકાથી વધે નહીં એવા નિર્દેશ સંબંધે આધાર લઈને મરાઠા અનામતને મનાઈહુકમ આપ્યો અને પાંચ કે તેથી વધુ ન્યાયાધીશોની બંધારણ પીઠ ભણી સઘળો મામલો હડસેલ્યો છે. શિવસેના સુપ્રીમો અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, મહારાષ્ટ્રના કોંગ્રેસી નેતા, પૂર્વ મુખ્ય પ્રધાન અને અત્યારે પ્રધાનમંડળની મરાઠા અનામત સમિતિના અધ્યક્ષ અશોક ચવ્હાણ તેમજ રાષ્ટ્રવાદી કોંગ્રેસના સુપ્રીમો શરદ પવાર રાજ્ય સરકાર વટહુકમ લાવીને મરાઠા અનામત પરના મનાઇહુકમને અપ્રભાવી કરવાની વેતરણમાં છે.

તમામ રાજકીય પક્ષો માટે વોટબેંક સાચવવાની હૂંસાતૂંસી સવિશેષ છે. મામલો માત્ર મહારાષ્ટ્ર પૂરતો સીમિત નથી. ગુજરાતમાં બિન-અનામત શ્રેણીના અનામત લાભ માટે અને ઓબીસીના અનામત માટે થોડા વખત પહેલાં ગાંધીનગરમાં ભજવાયેલા નાટકીય ધરણાંના સૂત્રધારો તો સત્તાપક્ષના જ હતા. લોકોને ભોળવવાની અને પોતે લાભ અપાવ્યાનો યશ લેવા આવી કવાયતો રાષ્ટ્રીયસ્તરે અને રાજ્યસ્તરે તમામ રાજકીય પક્ષો કરતા રહે છે.

મરાઠા અને મુસ્લિમ અનામત

મરાઠા અનામત તો છેક ૧૯૮૦ના ગાળાથી ગાજતો રહેલો મુદ્દો છે. વાસ્તવમાં સદગત મુખ્ય પ્રધાન વિલાસરાવ દેશમુખ અને રાષ્ટ્રવાદીના નેતા શરદ પવારે વર્ષ ૨૦૦૮માં એને ટેકો આપવા માંડ્યો એટલે ૨૦૦૯ની ચૂંટણીમાં એ ચગ્યો. વર્ષ ૨૦૦૯થી ૨૦૧૪ દરમિયાન વિવિધ સંગઠનોએ એ માટે સક્રિયતા દાખવી. એટલે ૨૫ જૂન ૨૦૧૪ના રોજ કોંગ્રેસ-રાષ્ટ્રવાદી કોંગ્રેસની પૃથ્વીરાજ ચવ્હાણ સરકારે ૧૬ (સોળ) ટકા મરાઠા અનામત અને ૫ (પાંચ) ટકા મુસ્લિમ અનામત શિક્ષણ અને નોકરીઓમાં આપવાનો નિર્ણય કર્યો. જોકે ઓક્ટોબર ૨૦૧૪માં ચૂંટણી પછી કોંગ્રેસ-રાષ્ટ્રવાદી સરકારને સ્થાને, પવારની પાર્ટીના પરોક્ષ ટેકાથી, ભાજપની દેવેન્દ્ર ફડણવીસ સરકાર સ્થપાઈ. ડિસેમ્બર ૨૦૧૪માં શિવસેના સરકારમાં સામેલ થઇ. એ પહેલાં ૧૪ નવેમ્બર ૨૦૧૪ના રોજ મુંબઈની વડી અદાલતે અગાઉની સંયુક્ત સરકારે શૈક્ષણિક અને સરકારી નોકરીઓમાં મરાઠાઓને આપેલી ૧૬ ટકા અનામતને રદ કરી, પણ ૫ ટકા મુસ્લિમ અનામતને રદ નહોતી કરી છતાં ફડણવીસ સરકારે મરાઠા અનામત આપવાની તરફેણ કરી, પરંતુ મુસ્લિમ અનામત નહીં અપાય એવું વલણ અપનાવ્યું. રાજ્ય સરકાર સુપ્રીમમાં ગઈ પણ સુપ્રીમમાં એને દાદ ના મળી. અત્રે એ યાદ રહે કે આંધ્ર પ્રદેશ, તેલંગણ અને તમિળનાડુમાં મુસ્લિમ અનામત અસ્તિત્વમાં છે અને અદાલતોએ એને માન્ય રાખેલી છે.

રાજ્યમાં મરાઠા મોરચાઓનું આયોજન રાજ્ય સરકારને ભીંસમાં લેવા માંડ્યું. જૂન ૨૦૧૭માં વિશેષ આયોગનું ગઠન કરીને ૧૫ નવેમ્બર ૨૦૧૮ના રોજ અહેવાલ મેળવ્યો. ભાજપ-શિવસેના સરકારે આ અનુકૂળ અહેવાલને પગલે ૩૦ નવેમ્બર ૨૦૧૮ના રોજ વિધાનસભામાં ૧૬ ટકા મરાઠા અનામત આપતું વિધેયક મંજૂર કરાવ્યું. ૩૦ નવેમ્બર ૨૦૧૮ના રોજ રાજ્યપાલ સી. વિદ્યાસાગર રાવે મંજૂર વિધેયકને સ્વીકૃતિ આપી એટલે એનો અમલ શરૂ થયો, પણ કેટલાક અરજદારોએ એની વિરુદ્ધ મુંબઈની વડી અદાલતમાં એને પડકારવાનું પસંદ કર્યું. અદાલતની ખંડપીઠે અનામતના અમલને મનાઈહુકમ આપ્યો પણ સુનાવણી પછી ૨૭ જૂન ૨૦૧૯ના રોજ મરાઠા અનામતને બંધારણીય ગણાવતાં ન્યાયાધીશો રણજિત મોરે અને ભારતી ડોંગેએ રાજ્ય પછાત વર્ગ આયોગના અહેવાલની ભલામણ મુજબ, “સામાજિક અને આર્થિક રીતે પછાત મરાઠાઓને” ૧૬ને બદલે ૧૨થી ૧૩ ટકા અનામત આપવાની તરફેણમાં ચુકાદો આપ્યો. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પડકારાતાં એના પર હવે મનાઈહુકમ આવ્યો છે.

કેન્દ્ર અને રાજ્ય વચ્ચે ભેદભાવ

વર્તમાન ભારત સરકારે બંધારણ સુધારો ૧૦૩ કરીને “આર્થિક રીતે નબળા પ્રવર્ગને” બંધારણના જે અનુચ્છેદ ૧૫(૪) અને ૧૬ (૬) અન્વયે ૧૦ ટકા અનામતનો લાભ આપવાનું પસંદ કર્યું છે. એ જ આધાર લઈને મહારાષ્ટ્રમાં મરાઠા અનામત અપાય ત્યારે એને મનાઈહુકમ અપાય છે. એ સામે કાનૂની અને બંધારણીય ગૂંચવાડો સર્જાય એ સ્વાભાવિક છે. જોકે કેન્દ્ર સરકારે આપેલી ૧૦ ટકા અનામતનો મામલો પણ હજુ સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન જ પડ્યો છે. એમ તો તમિળનાડુમાં છેક ૧૯૯૪થી અમલી ૬૯ ટકા અનામતનો મામલો દાયકાઓથી સુપ્રીમમાં વિચારાધીન છે. મહારાષ્ટ્રમાં એકાએક મરાઠા અનામતનો લાભ લેવાનો વખત આવ્યો ત્યારે જ સુપ્રીમનો નિર્ણય આવ્યો અને અગાઉ જેમણે આ અનામતનો લાભ લીધો છે એમને એની અસરથી મુક્ત રખાયા હોવાથી આવા અન્યાયી વલણને ટાળવા માટે શરદ પવારે તો રાજ્ય સરકાર સમક્ષ વટહુકમ લાવવાનો વિકલ્પ ખુલ્લો હોવાની સલાહ આપી છે અથવા તો ઉપરોક્ત ચુકાદાની સમીક્ષા માટે સુપ્રીમમાં અરજી કરવી જોઈએ.

ઈન્દ્રા સાહની કેસમાં અઢી દાયકા પહેલાંના સુપ્રીમના ચુકાદા પછી સ્થિતિ ઘણી બદલાઈ હોવાથી એ અંગે નવેસરથી વિચાર કરવાની જરૂર પણ છે. વળી, બંધારણમાં સુધારો કરીને ૬૦ ટકા અનામત કરવામાં આવે છે ત્યારે ૫૦ ટકાની મર્યાદાનો લોપ થાય છે. દેશમાં સંસદને, બંધારણના મૂળ સ્વરૂપમાં ફેરફાર કર્યા સિવાય (કેશવાનંદ ભારતી કેસના ચુકાદા મુજબ), બંધારણ સુધારા કરવાની સત્તા સંસદ કને છે. સુપ્રીમને તો આવા સુધારાનું અર્થઘટન કરવાની જ સત્તા છે.

અત્યારના સંજોગોમાં અનામત-અનામતના રાજકીય ખેલ વચ્ચે અનામતની ટકાવારી ૫૦ ટકાને વટી ગયાનું લગભગ મોટાભાગનાં રાજ્યોમાં થયું છે. હજુ ખાનગી ક્ષેત્રમાં પણ અનામત દાખલ કરવાનું ગાજર તો લટકાવાઈ રહ્યું છે. આંધ્રમાં ૬૬ ટકા, અરુણાચલ પ્રદેશમાં ૮૦ ટકા, ગુજરાતમાં ૫૯ ટકા અને બીજાં દક્ષિણનાં રાજ્યોમાં પણ ૮૦ ટકાથી વધુ અનામતની ટકાવારી છે.

એક બાજુ, અનામતની કાખઘોડી ફગાવી દેવાની વાતો કરવામાં આવે છે અને બીજી બાજુ, અનામતની ટકાવારી વધાર્યે જવાય છે. ઈન્દ્રા સાહની ચુકાદામાં ઘૂસાડવામાં આવેલા “ક્રીમી લેયર”ના પરિબળ છતાં ઓબીસી અનામતનો લાભ મહિને ૬૬,૦૦૦થી ૮૦,૦૦૦ રૂપિયાની કમાણી કરનારાઓને મળવાની જોગવાઈ વર્તમાન કેન્દ્ર સરકાર કરી આપે છે ત્યારે પ્રશ્ન એ તો થવાનો જ કે મહિને માંડ બે-પાંચ હજાર રૂપિયા કમાનારાઓનાં સંતાનોનોને આ અનામતનો લાભ ક્યારે મળશે? વિચારવા જેવો પ્રશ્ન તો છે જ. સમૃદ્ધોને જ અનામતની લહાણી કરવાની હોય ત્યારે પ્રજાના ભોળપણનો લાભ તમામ રાજકીય પક્ષો કઈ રીતે લે છે એનું ચિંતન અને ઈલાજ કરવાની જરૂર ખરી.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter