મોરનાં ઇંડા ચીતરવાં ના પડેઃ આજકાલ વિવાદોમાં ગાજતું રહેલું એક નામ એટલે જસ્ટિસ માર્કન્ડેય કાટ્જૂ. દાદા ડો. કૈલાશનાથ કાટ્જૂ મૂળે કાશ્મીરી બ્રાહ્મણ, પણ મધ્ય પ્રદેશમાં આવીને વસ્યા. મશહૂર ધારાશાસ્ત્રી. પંડિત જવાહરલાલ નેહરુની સરકારમાં કાયદા પ્રધાન, ગૃહ પ્રધાન અને સંરક્ષણ પ્રધાન હતા, પણ મૂળે તો આઝાદીની લડતમાં અગ્રેસર હતા. ઓરિસા અને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ રહ્યા. મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન પણ. જસ્ટિસ માર્કન્ડેય કાટ્જૂના પિતા પણ અલ્લાહાબાદની હાઇ કોર્ટના ચીફ જસ્ટિસ રહ્યા. પરિવારમાં પણ ઘણા ધારાશાસ્ત્રી અને ન્યાયાધીશ રહ્યા. જસ્ટિસ માર્કન્ડેય પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના બહુચર્ચિત અધ્યક્ષ પણ રહ્યા.
લાગ્યું એવું લખવા અને બોલવા માટે જાણીતા આ મહાનુભાવ મહાત્મા ગાંધીને બ્રિટિશ એજન્ટ કે સુભાષચંદ્ર બોઝને જાપાનના એજન્ટ કહે ત્યારે ઇતિહાસના ઘટનાક્રમને આગળ કરીને પોતાની વાતની માંડણી કરે છે. એટલે સંસદ એમની વિરુદ્ધ એકીઅવાજે વખોડતો ઠરાવ કરે તો પણ ક્ષમાપ્રાર્થના કરવાને બદલે એને સુપ્રીમમાં પડકારવાનું પસંદ કરે છે.
જસ્ટિસ કાટ્જૂનાં વિવાદસર્જક સત્યો, તથ્યો કે તારણો એમના બ્લોગ ‘સત્યમ્બ્રુયાત્’માં પ્રગટે ત્યારે ઘણા છળી ઊઠે છે તો બીજા ઘણા એમના પર વારી જાય છે. સ્વાતંત્ર્યવીર સાવરકરને ભારતરત્ન આપવાની શિવ સેના તરફથી ઝૂંબેશ આદરવામાં આવે ત્યારે જસ્ટિસ કાટ્જૂ બ્રિટિશ સત્તાવાળાઓ સમક્ષ ક્ષમાપ્રાર્થના કરી આંદામાનના જેલવાસમાંથી વિ. દા. સાવરકરે મુક્તિ મેળવી હોવાનાં નેશનલ આર્કાઇવ્ઝમાં હયાત દસ્તાવેજી તથ્યોને આગળ કરવાની હિંમત દાખવી ઘણાનો ખોફ વહોરવા છતાં ‘સત્યમ્બ્રુયાત્’નો આલાપ અખંડ રાખે છે.
સામે પૂર તરવાનાં જોખમોથી વાકેફ હોવા છતાં સુપ્રીમ કોર્ટના આ નિવૃત્ત ન્યાયાધીશ કાયમ કડવાં સત્યોને સમાજ સમક્ષ મૂકવાની હિંમત દાખવતાં બુદ્ધિજીવીઓની પોચટ-પ્રકૃતિને મહેણાં મારવાનું કામ કરતાં સ્વતંત્ર ભારતના નાગરિકોનો સાચો ધર્મ નિભાવવા દર્શાવવાનું પસંદ કરે છે. વિવાદને ખાતર વિવાદ સર્જવાનું એમને પસંદ નથી, પણ સચ્ચાઇનો રણકો વ્યક્ત કરવામાં વિવાદ થાય તો એની પરવા પણ નથી.
ઇતિહાસના આ મહાજ્ઞાની ન્યાયાધીશે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે મહારાષ્ટ્રની એક આદિવાસી ભીલ મહિલાને નિર્વસ્ત્ર કરીને ગામમાં ફેરવવાનો અત્યાચાર કરાયાની ઘટના સંદર્ભે મહારાષ્ટ્ર સરકાર અને સમાજનો ઉધડો લેતાં ૫ જાન્યુઆરી, ૨૦૧૧ના રોજ સાથી ન્યાયાધીશ જ્ઞાનસુધા મિશ્રા સાથે આપેલો ચુકાદો એ ખટલાના સંદર્ભમાં જ નહીં, સમગ્ર દેશના ઇતિહાસના સંદર્ભમાં પણ અમર થઇ ગયો છે.
ભારત દેશના મૂળ નિવાસીઓ કોણ? એ સંદર્ભે વાદવિવાદ ઘણા વખતથી ચાલતો રહ્યો છે. ઇતિહાસકારોમાં પણ આર્યો-અનાર્યો કે આર્ય-દ્રવિડોની થિયરીની ચર્ચા રહી છે. આર્યો બહારથી આવ્યા અને દ્રવિડો જ આ દેશના મૂળ નિવાસી એવી થિયરી પર તો તમિળનાડુનાં રાજકારણ ખેલાતાં રહ્યાં. સંઘ પરિવાર આર્યો બહારથી આવ્યાનો પ્રતિવાદ કરતો રહ્યો, પણ જસ્ટિસ માર્કન્ડેય કાટજૂએ ઉપરોક્ત ચુકાદાથી દેશ-વિદેશના ઇતિહાસકારો જ નહીં, વિચારકોના પણ વિચારની દિશા જ બદલી નાંખી.
તેમણે ચુકાદામાં નોંધ્યું કે આ દેશની ૯૨ ટકા પ્રજા વાયવ્ય ભારત કે ઇશાન ભારતની બહારથી આવેલી છે. માત્ર ૮ ટકા આદિવાસી જ આ દેશના મૂળ નિવાસી છે. અમેરિકા અને કેનેડાની જેમ જ ભારત પણ વિદેશથી આવેલાઓનો દેશ (કન્ટ્રી ઓફ ઇમિગ્રન્ટ્સ) છે. જસ્ટિસ કાટ્જૂએ નોંધ્યું છેઃ ‘અત્યંત અમાનુષી અત્યાચારોના ભોગ બન્યા છતાં ભારતના આદિવાસીઓ મહદ્અંશે દેશની બિન-આદિવાસી પ્રજા કરતાં ઊંચાં નીતિમત્તાનાં ધોરણો જાળવતા રહ્યા છે. તેઓ સામાન્ય રીતે છેતરપિંડી કરતા નથી, જુઠ્ઠાણાં ઓકતા નથી અને બીજા ઘણા બિન-આદિવાસીઓની જેમ દુષ્કૃત્યોમાં સંડોવાતા નથી. ચારિત્ર્યમાં તેઓ મહદ્અંશે બિન-આદિવાસીઓ કરતાં ઉચ્ચ કોટિના હોય છે. તેમને કરાયેલા ઐતિહાસિક અન્યાયના નિવારણનો સમય આવી પહોંચ્યો છે.’
દેશના ઇતિહાસમાં આદિવાસી પ્રજાને અન્યાય કરાયાનાં શરમજનક પ્રકરણો સમાયેલાં હોવાનો ઉલ્લેખ કરતાં જસ્ટિસ કાટ્જૂ નોંધે છેઃ ‘આદિવાસીઓને રાક્ષસ કે અસુર જેવા શબ્દોથી સંબોધવામાં આવ્યા છે. તેમની મોટી સંખ્યામાં કત્લેઆમ કરાઇ છે. તેમના બચવા પામેલાઓના વંશજોને હલકા પાડવા કે અપમાનિત કરવા કે તેમના પર સદીઓથી ત્રાસ ગુજારવામાં કોઇ કસર રખાઇ નથી. તેમની જમીનો છીનવી લેવાઇ અને જંગલો કે ડુંગરો ભણી તેમને ખદેડી મૂકવામાં આવ્યા. તેમને ગરીબી, નિરક્ષરતા, રોગચાળા વગેરેની સ્થિતિમાં સબડવા દેવાયા. હજુ પણ કેટલાક લોકો જંગલ અને ડુંગરાળ ક્ષેત્રની જમીનોનાં ઉત્પાદન પર જીવનનિર્વાહ કરી રહેલા આદિવાસીઓને એનાથી પણ વંચિત કરવાના પ્રયત્નમાં છે.’
જસ્ટિસ કાટ્જૂ મહાભારતના આદિપર્વના એકલવ્યની કથા ટાંકે છે. એકલવ્ય દ્રોણાચાર્ય કને ધનુર્વિદ્યા મેળવવા ઇચ્છુક હોવા છતાં એ વિદ્યા આપવાને બદલે દ્રોણાચાર્યે તો પોતાના લાડકા શિષ્ય અર્જુનના હિતની રક્ષાકાજે એકલવ્યનો જમણો અંગૂઠો ગુરુદક્ષિણામાં લઇ લીધો હતો. જસ્ટિસ કાટ્જૂ દ્રોણના આ કરતૂતને શરમજનક લેખાવે છે. એમનો પ્રશ્ન છે કે એકલવ્યને વિદ્યા આપ્યા વિના ગુરુદક્ષિણા લેવાનો કયો અધિકાર હતો અને એ પણ જમણા હાથનો અંગૂઠો?
‘સમગ્ર દેશની ફરજ છે કે આદિવાસીઓનાં હિતની રક્ષા કરવામાં આવે. તેમને આર્થિક અને સામાજિક દરજ્જો અપાય. તેમનું શોષણ થાય નહીં. તેમના પર અત્યાચાર ગુજારવામાં ના આવે. તેઓ આ દેશના મૂળ નિવાસી હોવાથી એમને એનો મોભો પ્રાપ્ત થવો ઘટે.’ એવું નોંધવાની સાથે જ જસ્ટિસ કાટ્જૂએ ભીલ પ્રજાની બાહોશી અને મહાન ભારતીય લડવૈયા તરીકેની છાપ તથા ભારતીય લશ્કરમાં ભીલોએ મેળવેલી ઊંચી કીર્તિનો પણ ઉલ્લેખ કર્યો છે.
ભારતને બહારથી આવેલાઓનો દેશ (કન્ટ્રી ઓફ ઇમિગ્રન્ટ્સ) ગણાવતી વેળા ન્યાયાધીશ કાટ્જૂ હજુ આ સંદર્ભમાં વધુ સંશોધન કાર્ય હાથ ધરવાની આવશ્યકતા પણ પ્રતિપાદિત કરે છે. ભારતની અનેકતામાં એકતાની વાત પણ એ છેડે છે. નોર્થ અમેરિકા (યુએસએ અને કેનેડા) જેમ મહદ્ અંશે છેલ્લી ચાર-પાંચ સદીઓથી યુરોપ ભણીથી આવેલા લોકોથી બનેલો પ્રદેશ છે, એમ હજારો વર્ષ સુધી ભારતનો ફળદ્રુપ અને સેંકડો નદીઓવાળી જમીનનો પ્રદેશ વાયવ્ય અને ઇશાન બાજુથી લોકોને પોતાના ભણી આકર્ષતો રહ્યો છે.
જસ્ટિસ કાટ્જૂનો અંદાજ છે કે ભારતની ૯૨ ટકા વસ્તી આવા બહારથી આવેલા લોકોની વંશજ છે. એટલે જ તેઓ ભારતને ‘કન્ટ્રી ઓફ ઇમિગ્રન્ટ્સ’ ગણાવતાં માંડ ૮ ટકા આદિવાસીઓને જ મૂળ નિવાસી લેખવાનું પસંદ કરે છે. અમેરિકાની યુનિવર્સિટીઓ અને ભારતીય યુનિવર્સિટીઓ તથા સંસ્થાઓના ઉપક્રમે જસ્ટિસ કાટ્જૂએ ‘વોટ ઇઝ ઇંડિયા?’ પર વ્યાખ્યાનો પણ આપ્યાં છે.
ચુકાદામાં જસ્ટિસ કાટ્જૂ જે આધારો ટાંકે છે એ પણ ખૂબ પ્રમાણભૂત જણાય છે. ‘વર્લ્ડ ડિરેક્ટરી ઓફ માયનોરિટીસ એન્ડ ઇન્ડિજિનિયસ પીપલ્સ-ઇંડિયા’ને આધારે ૧૭મી સદીમાં મહારાષ્ટ્રના ભીલોને નિર્દયપણે કઇ રીતે કચડવામાં આવતા હતા એની વાત પણ તેમણે નોંધી છે. ‘કોઇ ગુનેગાર પકડાય અને જો એ ભીલ હોય તો એ પુરુષ કે સ્ત્રીને તત્કાળ એ જ સ્થળે મોતને ઘાટ ઉતારાતો હતો. ઐતિહાસિક પ્રમાણો કહે છે કે સમગ્ર ભીલ સમાજને મોતને ઘાટ ઉતારીને સાફ કરવાની પેરવી કરાઇ હતી. એટલે તો ભીલો ડુંગરાળ પ્રદેશ અને જંગલના અંતરિયાળ પ્રદેશ ભણી ધકેલાતા જતા હતા.’
જસ્ટિસ કાટ્જૂ ભારતના ઇતિહાસ અંગે પુનર્વિચાર કરવાની ફરજ પાડે એવો ઇતિહાસ પોતાના ચુકાદામાં રજૂ કરતા હોઇ એમની વાતોને માત્ર વિવાદસર્જક લેખીને હસી કાઢનારાઓ એમના વ્યક્તિત્વથી સુપેરે વાકેફ જણાતા નથી. લોકરંજક વાતો કરવાને બદલે કાટ્જૂ કટુસત્ય રજૂ કરીને સમાજને ઢંઢોળવાની કોશિશ કરતા હોય ત્યારે એમના પ્રત્યેક વિચાર કે મત અંગે વિશદ્ ચર્ચા થવી જરૂરી ખરી. શક્ય છે કે તેમના વિચાર કે તેમણે રજૂ કરેલાં તથ્ય આપણને પસંદ પડે તેવાં ના હોય તો પણ ભારતીય દાર્શનિક મહાત્મા ચાર્વાક કે ફ્રેન્ચ દાર્શનિક વોલ્તેરના મતે ભિન્ન મતનો આદર કરવાની પરંપરાને આપણે વિકસાવીએ તો જ સાચી લોકશાહી દૃઢ બને.