કત્લેઆમના માહોલમાં પણ પાંગરતી પ્રેમકહાણીઓ

અતીતથી આજ

ડો. હરિ દેસાઈ Tuesday 28th July 2020 07:08 EDT
 
 

ચરોતરની વીરાંગના કમળાબહેન પટેલ દેખાવે લાગે સાવ છોકરડી પણ મનનાં મજબૂત. ભારતના ભાગલાના એ માહોલમાં ભારત અને પાકિસ્તાનના ફાળે આવેલા પંજાબના બંને બાજુના પ્રદેશમાં કત્લેઆમ, અપહરણ અને ખૂનામરકી ચાલી રહી હતી ત્યારે ૩૦ નવેમ્બર ૧૯૪૭ના રોજ કમળાબહેન અમદાવાદથી નીકળી દિલ્હી પહોંચે છે. મૃદુલાબહેન સારાભાઈનો સંદેશ હતો એટલે દિલ્હી કોન્સ્ટિટ્યૂશન હાઉસ પહોંચવાનું હતું. એમને ખબર નથી કે ત્યાંથી ક્યાં જવાનું છે અને ક્યાં જઈને રહેવાનું છે. ભવિષ્યનાં જોખમો વિશે પણ કલ્પના નથી.

દિલ્હી રેલવે સ્ટેશને એમને લેવા ગયેલા નંદી સિંહે એ કોઈ પ્રૌઢ વ્યક્તિ હશે એવું માની શોધ કરી પણ ના મળ્યાં. ૩૫ વર્ષનાં કમળાબહેન તો પોતાને લેવા કોઈ આવ્યું નથી એમ માની ફ્રન્ટિયર મેઈલમાંથી ઉતરી ટાંગો કરીને સીધાં કોન્સ્ટિટ્યૂશન હાઉસ પર પાકિસ્તાનમાં પ્રથમ હાઈ કમિશનર એવા શ્રીપ્રકાશના મકાને પહોંચ્યાં. બીજે દિવસે લાહોર જવાની સૂચના આપતી મૃદુલાબહેનની ચિઠ્ઠી મળી અને એમની સાથે ફોન પર વાત પણ થઇ. વિમાનમાં મુસ્લિમ નિર્વાસિતો સાથે એ લાહોર પહોંચ્યાં. એમને સલામતી ખાતર સહપ્રવાસી અસાનુલ્લા અને લશ્કરના હિંદુ ગુરખા સૈનિકોએ કોર્ડન કર્યાં. ભારતીય ડેપ્યુટી હાઈ કમિશનના એક ભાઈ લશ્કરી ગાડી લઈને કમળાબહેનને તેડવા આવ્યા. એ પછી ત્યાં એમની કામગીરીના કટુમધુ અનુભવો શરૂ થયા.

બંને પક્ષની મહિલાઓનાં અપહરણ અને દાવાઓ-પ્રતિદાવાઓ વચ્ચે અપહૃત મહિલાઓને પોતાના પરિવાર સાથે મળાવવાની કામગીરીમાં કેવા કેવા અનુભવો થયા એની રૂવાડાં ખડાં કરી દે તેવી કહાણીઓ “મૂળ સોતાં ઊખડેલાં”માં કમળાબહેન વર્ણવે છે.

શેતાનિયત વચ્ચે પણ માનવતા

કમળાબહેન લાહોરમાં કામ કરે છે ત્યારે ચોફેરથી જોખમનો માહોલ તો છે. સાથે જ જાસૂસીના આરોપસર ગમેત્યારે ઝડપી લેવાનાં જોખમ પણ મંડરાય છે. જોકે આવા સંજોગોમાં જયારે હિંદુ, મુસ્લિમ અને શીખ એકમેકના લોહીના પ્યાસા હોય ત્યારે પણ ધાર્મિક વિવાદના વાતાવરણમાં પણ માણસાઈ મહોરતી જોવા મળે એવું પણ બન્યું છે. મૃદુલાબહેનની અધિકારીઓ પરની ધાક અને કમળાબહેનની કર્તવ્યનિષ્ઠા થકી પાકિસ્તાની પોલીસવાળા પણ એમને આદર આપતા હતા એટલું જ નહીં, એમના કામમાં સહયોગ કરતા હતા. લાહોરની ગંગારામ ઈસ્પિતાલના માહોલનું કમળાબહેન બયાન કરે ત્યારે તો કમકમાં આવી જાય. લાહોરમાં એમની છાવણીમાં આવતાં લોકો અને લાહોર તથા અમૃતસર વચ્ચેના આવાગમનના અનુભવોની વાત કરતાં કમળાબહેન લખે છે:

“જંગલમાં ભૂલા પડ્યા પછી માનવવસ્તીની નજીક આવતાં સલામત સ્થળે આવી પહોંચવાથી મનમાં જેવી રાહત થાય તેવી રાહતનો અનુભવ અને આનંદ અમૃતસરના બજારમાં પગપાળા જતાં તે દિવસે પ્રથમ વાર જ થયો.” “પાકિસ્તાનમાંથી હિંદુ અપહ્રુતા સ્ત્રીઓને પાછી મેળવવાના અમારા કામને એક ઉમદા કાર્ય તરીકે બિરદાવનારાઓ પૂર્વ પંજાબમાં હિંદુઓના ઘરમાંથી મુસ્લિમ સ્ત્રીઓને મેળવવાના કામને ‘ઘર ઉજાડવાના કામ’ તરીકે ગણવા લાગ્યા. સમજુ કહી શકાય તેવા કાર્યકર્તાઓ અને ખુદ કોંગ્રેસીજનો આવું માનતા હતા. એક જ પ્રકારનાં આ માનવીય કાર્યનાં કેવાં પરસ્પર વિરોધાભાસી મૂલ્યાંકનો!”

ઈસ્મત-જિતુની અનોખી દાસ્તાં

કમળાબહેનના સંઘર્ષ અને સહાયના અનુભવોમાં એક અનોખી કથા ઈસ્મત અને જિતુની પ્રેમકહાણીના કરુણ અંજામની નોંધાઈ છે. વિભાજન અગાઉ રાવળપિંડીનું એક ખાનદાન કુટુંબ પ્રત્યેક વર્ષે કાશ્મીરમાં રજા ગાળવા જતું હતું. આવી જ રીતે અમૃતસરનું એક લાલાજીનું કુટુંબ પણ કાશ્મીર જતું હતું. બંને કુટુંબો એક જ હોટેલમાં રહે અને વારંવાર મળવાનું થાય, એટલે આ કુટુંબનાં મોટેરાંઓ અને બાળકો વચ્ચે મિત્રાચારીના પ્રસંગો ઊભા થતા હતા. બંને કુટુંબનાં બાળકો પણ હરે, ફરે અને છૂટાં પડતાં “આવતા વર્ષે” ફરી ત્યાં જ ભેગા થવાના મનસૂબા ઘડે. વિભાજન સુધી બંને કુટુંબ માટે કાશ્મીર જવાનો આ ક્રમ ચાલુ રહ્યો. લાલાજીના એક દીકરાનું નામ જિતુ અને પઠાણ કુટુંબની વચલી દીકરીનું નામ ઈસ્મત.

જિતુ અને ઈસ્મત વચ્ચેની મૈત્રી કંઇક નાજુક ભાવનાઓમાં આગળ વધતી ચાલી હતી. ૧૪ વર્ષની ઈસ્મત અને ૧૭ વર્ષના જિતુના આ ભાવો સ્પષ્ટ ના હોય એ સ્વાભાવિક હતું. વિભાજનના દિવસોમાં પાકિસ્તાન તરફથી તાયફાવાળાઓના કાશ્મીર પરના આક્રમણ અને રાવળપિંડીમાં હિંદુઓની ભયંકર કત્લેઆમ અને હિજરતના સંજોગોએ ઈસ્મતને જિતુને મળી નહીં શકાય એવી દ્વિધામાં મૂકી.

ઘરે માબાપની જાણ બહાર એક નોકરને વિશ્વાસમાં લઈને રાતના આઠના સુમારે અમૃતસરમાં રહેતા જિતુને મળવાના આશયથી હિંદુ નિર્વાસિતોની છાવણીમાં એ પહોંચી ગઈ. એણે પોતાને હિંદુ છોકરી ગણાવી અને મા-બાપથી વિખૂટી પડી ગયાની વાત કરીને ભારત મોકલવા વિનંતી કરી. એ અમૃતસર પહોંચી અને જિતુને મળવાનું થયું, પણ એ બંનેની વાત પરથી ઈસ્મત હિંદુ છોકરી નહીં હોવાનું સ્પષ્ટ થયું. જિતુના કુટુંબે બંનેના લગ્નની છૂટ આપી એટલે જિતુ અને ઇસ્મતનાં લગ્ન અમૃતસરના સુવર્ણ મંદિરમાં થઇ પણ ગયાં.

જોકે બંને સુખે સાથે રહેતાં હતાં, પણ અપહ્રુતા મુસ્લિમ કન્યા અંગેની ફરિયાદને પગલે ઈસ્મતને એનાં માબાપને સોંપવાના સંજોગો આવ્યા. એ જવા તૈયાર નહોતી, પણ બંને દેશની સરકારો વચ્ચે મડાગાંઠ વધવાના સંજોગો નિર્માણ થાય એવું વાતાવરણ હતું એટલે એને જવા દેવી પડી. એ પછીની કહાણી લાંબી છે, પણ પછી તો ઈસ્મત અને જિતુ માટે વિરહના દિવસો જ રહ્યા.

૧૯૫૨માં દિલ્હીથી મુંબઈ આવતી ફ્રન્ટિયરમાં જિતુનો કમળાબહેનને ભેટો થઇ ગયો ત્યારે એ સાવ નંખાઈ ગયેલો હતો. એ ઇસ્મતને મેળવવા જોખમો ખેડીને પાકિસ્તાન પણ જઈ આવ્યો હતો. એને ઈસ્મત ના જ મળી. કમળાબહેન લખે છે: “એને શીખામણ કે સલાહના બે શબ્દો કહેવાની મારી હિંમત ન ચાલી.”

ચાર વર્ષના હિંદુ લતીફની કહાણી

ક્યારેક પાકિસ્તાની પોલીસ ચાર વર્ષના હિંદુ છોકરાને લઈને આવે અને એનું નામ લતીફ હોય ત્યારે કેવી મૂંઝવણ સર્જાય એની વેદનાસભર કહાણી પણ કમળાબહેન બયાન કરે છે. એ મૂળ હિંદુ પરિવારનું સંતાન હતો, પણ પાડોશમાં રહેતી નિ:સંતાન મુસ્લિમ પરિણીતાએ એને પોતાનો ગણ્યો અને લતીફ તરીકે જ ઉછેર્યો. આ લતીફ વારસદાર થઇ બેસશે એવા ડરના માર્યા એની મૃત પાલક માતાનાં મુસ્લિમ મા-બાપની ઈચ્છા વિરુદ્ધ તેમના પરિવારજનોના મેળાપીપણાથી એને પાકિસ્તાન પોલીસે હિંદુ ગણાવીને છાવણીમાં પહોંચાડ્યો. આ છોકરાનું જે હૃદયસ્પર્શી વર્ણન કમળાબહેન કરે છે એ વાંચીને ભલભલાની આંખમાં આંસુ આવી જાય. લતીફ જન્મે હિંદુ હતો એટલે એને ભારત મોકલાયો. એનાં પાલક દાદા-દાદીની ઈચ્છા વિરુદ્ધ એને જલંધર મોકલાયો. એ બાળક અને એનાં સ્વજન સમાં એ મુસ્લિમ દાદા-દાદીનું આક્રંદ સૌને હચમચાવી ગયું હતું. અહીં ધર્મના ભેદ નહોતા છતાં બંને દેશનાં ટ્રાયબ્યુનલના ચુકાદાની વિવશતા હતી! (કમળાબહેનની વધુ વાત હવે પછી)

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter