કાશ્મીરમાં ભારત અને પાકિસ્તાનની સેના વચ્ચે લડાઈ ચાલતી હોય અને એનાથી ત્રણ જ માઈલના અંતરે આવેલા ભારતીયો માટેના પ્રતિબંધિત વિસ્તાર સિયાલકોટમાં કમળાબહેન પટેલ કોઈ પાકિસ્તાની પોલીસ અધિકારી સાથે જરાય ગભરાયા વિના પોતાના સ્ત્રીઓને પુનઃ પ્રાપ્ત કરવાના મિશન પર જાય ત્યારે ખરી ચરોતરી વીરાંગનાનાં દર્શન એમનામાં થાય એ સ્વાભાવિક છે. ભારત સાથે જોડાયેલા કાશ્મીરના હિસ્સા અને પાકિસ્તાને આંચકી લીધેલા કાશ્મીરના હિસ્સામાંથી અપહૃત મુસલમાન સ્ત્રીઓને શોધવાનું મિશન મૃદુલા સારાભાઈ જેવી ડેરડેવિલ મહિલા થકી કમળાબહેનને સોંપાય પછી ના પાડવાનું તો શક્ય ના જ બને.
ક્યારેક પોતાને મૃદુલાબહેન દડાની માફક અહીંથી ત્યાં ફેંકે છે એટલે ગુસ્સો આવે જરૂર પણ એ કામનું મહાત્મ્ય એટલું હોય કે ગુસ્સો ગળી જઈને પણ કમળાબહેન એ કામ ઉપાડી લે, એના ઘણા કિસ્સા તેમણે “મૂળ સોતાં ઊખડેલાં”માં વારંવાર ટાંક્યા છે. આપણે “ગુજરાત સમાચાર” અને “એશિયન વોઈસ”માં અખબાર સમૂહના અધિપતિ સી.બી. પટેલના આગ્રહથી ચરોતરની આ વીરાંગના કમળાબહેન વિશેની શ્રેણી શરૂ કરી ત્યાર પછી ગુજરાતનાં અખબારોમાં પણ એ અંગે વિસરાયેલાં કમળાબહેન વિશે લખાણો પ્રકાશિત થવા માંડ્યાં એટલું જ નહીં, એમના વિશે એક ફિલ્મ બનાવવાનું આયોજન ચરોતરથી બોલિવુડ વચ્ચે ચર્ચાવા માંડ્યું.
કમળાબહેનની સાહસગાથામાં અનેક પ્રસંગો નોંધાયા છે પણ આપણે એમાંથી થોડા જ પ્રસંગો પર દૃષ્ટિપાત કરી શકીએ એ સ્વાભાવિક છે.
રાહતઆરાનું ચકચારી અપહરણ
પાકિસ્તાને ગપચાવેલા કાશ્મીર જેને તેઓ આઝાદ કાશ્મીર કહે છે એના પ્રમુખ ચૌધરી ગુલામ અબ્બાસની દીકરી રાહતઆરાનું અપહરણ થયા પછી એને શોધવાનો વિકટ પ્રશ્ન ભારત સરકારના નિર્દેશ મુજબ ચાલતાં કમળાબહેન માટે આવીને ઊભો. ભારત સરકાર સીધી કથિત આઝાદ કાશ્મીરની સરકાર સાથે સંવાદ સાધી શકે નહીં, કારણ કે એમ કરવા જતાં પાકિસ્તાને ગપચાવેલા એ પ્રદેશની કહેવાતી ગેરકાયદે સરકારને માન્યતા આપવા જેવું થાય.
રાજદ્વારી દ્રષ્ટિએ સંવેદનશીલ ગણાય એવા આ પ્રશ્નને કઇ રીતે હાથ ધરવો એ સમસ્યા હતી. જોકે ભારત સરકારમાં મૃદુલાબહેનની વગ વધુ ચાલે અને અપહૃત મહિલાને શોધી કાઢવાની વાત હોય ત્યારે એ કામને રેઢું મૂકાય નહીં. પાકિસ્તાનના નાણામંત્રી ગુલામ મહામ્માળની મદદથી આ કામ શક્ય બન્યું. આ કામ માટે મૃદુલાબહેન સાથે કમળાબહેને રાજધાની કરાંચીના ઘણા ફેરા મારવા પડ્યા.
કાશ્મીરમાંથી બીજી મહિલાઓનાં અપહરણ થયેલાં એમને પણ શોધવાની હતી. આ બધામાં સૌથી વધુ ચકચારી અપહરણનો કિસ્સો તો રાહતઆરાનો હતો. જ્યાં એના વાવડ મળે ત્યાં જવાનું અને એ છે કે કેમ એને શોધી કાઢવા ઉપરાંત અન્ય અપહૃત સ્ત્રીઓને છાવણીમાં રાખવાની જવાબદારી કમળાબહેનણે શિરે આવી હતી. ગુપ્તચર વિભાગ પણ આકાશપાતાળ એક કરી રહ્યો હતો.
ભારતીય વ્યક્તિ માટે પ્રતિબંધિત સિયાલકોટ વિસ્તારમાં જવાનું કહેણ આવ્યું અને કમળાબહેન અકળાયાં. જોકે મૃદુલાબહેન આદેશ કરે એટલે જવાનું તો અનિવાર્ય બને. ભારત સરકારની ગાડીમાં નહીં, પણ પાકિસ્તાન પોલીસ અધિકારી રઝવીની ગાડીમાં જવાનું થયું ત્યારે તેમને સાડીને બદલે સલવાર કમીજ પહેરીને જવાની સલાહ અપાઈ. કમળાબહેન માને નહીં. એ કહે: “શીશ દિયા ફિર રોના ક્યોં? જે થવાનું હોય તે ભલે થાય.”
પોલીસ સુપ્રીન્ટેન્ડેન્ટ રઝવીની ગાડીમાં બેસતાં એમણે પૂછ્યું કે સલવાર કમીજ પહેરવાની જરૂર ખરી? રઝવી કહે: “કમલાજી, ફિકર મત કરો. મેરા સર ખંધે પર હૈ, તબ તક આપકો કોઈ ખતરા હો નહીં સકતા.” એ સિયાલકોટ ગયાં. ફેરો ફોગટ ગયો.
જે સ્ત્રીની વાત હતી તે રાહતઆરા નહોતી, પણ કમળાબહેન ગયાં હતાં તેના ત્રણ માઈલના અંતરે બે દેશના બે કોમના લોકો વચ્ચે ઝનૂની લડાઈ ચાલી રહી હતી પરંતુ તેમને માણસાઈના જે અનુભવ થયા એ વર્ણવતાં એ નોંધે છે: “બંને કોમના સામાન્ય પ્રજાજનોની વચ્ચે કોઈ અંગત વેરઝેર ન દેખાયાં.” (આવતા અંકે પૂરું.)
(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)