કોરોનાગ્રસ્ત મધ્ય પ્રદેશમાં રાજકીય ગરમાટો શમતો નથી

અતીતથી આજ

ડો. હરિ દેસાઈ Tuesday 05th May 2020 05:57 EDT
 
 

ભારતના હૃદયસમા મધ્ય પ્રદેશમાં કોરાનાગ્રસ્ત સમયગાળામાં પણ રાજકીય ઉહાપોહ શમતો નથી. હજુ ૨૩ માર્ચ ૨૦૨૦ના રોજ કોંગ્રેસની કમલ નાથ સરકારને ગબડાવીને ચોથી વાર ભાજપી મુખ્ય પ્રધાન બનેલા શિવરાજસિંહ અને કમલ નાથ વચ્ચે રાજકારણની જુગલબંધી ચાલી રહી છે. શિવરાજે કહ્યું કે કમલ નાથ સરકારે કોરોના સામે પૂરતાં પગલાં ના લીધાં. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોનાના મુદ્દે ૨૩ માર્ચે ભોપાલમાં મુખ્ય પ્રધાન તરીકે શિવરાજસિંહ ચૌહાણના શપથવિધિ પછી લોકડાઉન જાહેર કર્યું. એનો અર્થ બહુ સ્પષ્ટ હતો કે કેન્દ્ર સરકારે કોરોના વિશેના નિર્દેશો આપ્યા એ શિવરાજ સરકારે જ અમલમાં લાવવાના હતા. જોકે રાજકારણમાં તર્ક અને સચ્ચાઈને અભેરાઈએ ચડાવીને પણ આરોપ-પ્રત્યારોપ થતા હોય છે અને એમાં મરો તો અંતે પ્રજાનો જ થતો હોય છે.

સાગમટે જ્યોતિરાદિત્ય સમર્થક ૨૨ જેટલા કોંગ્રેસી ધારાસભ્યો ભાજપના મોવડીમંડળના ઈશારે પક્ષ છોડે અને કમલ નાથની કોંગ્રેસ સરકાર ગબડાવે એવો વરવો ખેલ દુનિયાભરના લોકોએ નિહાળ્યો. વડોદરાના પૂર્વ રાજવી પરિવારના જમાઈ અને કોંગ્રેસના મોટા ગજાના નેતા માધવરાવ સિંધિયાના પુત્ર ઉપરાંત ભાજપનાં સંસ્થાપક ઉપાધ્યક્ષ રાજમાતા વિજયારાજે સિંધિયાના પૌત્ર એવા ‘મહારાજ’ ભાજપમાં જોડાયા કે એમને અપેક્ષા હતી કે રાજ્યસભામાં ચૂંટાઈને કેન્દ્રમાં પ્રધાન બનશે. જોકે કોરોના કાળોતરો થઈને આડે આવ્યા પછી એમનું પ્રધાન થવાનું તો લટકી ગયું, પણ કોરોનાના લોકડાઉન વચ્ચે ઉતાવળે ૨૧ એપ્રિલે શિવરાજ પ્રધાનમંડળનું વિસ્તરણ થયું એમાં ઉમેરાયેલા પાંચ પ્રધાનમાં જ્યોતિરાદિત્યના જૂથના માત્ર બે મંત્રી લેવાયા. બીજા હજુ હોદ્દાની પ્રતીક્ષામાં છે.

મહારાજ મોદીના અનુગામી!

સ્વયં મહારાજ પણ દુઃખી છે છતાં હજુ વિધાનસભાની ખાલી પડેલી ૨૪ બેઠકોની પેટા-ચૂંટણીમાં બહુમતી બેઠકો જીતાડીને શિવરાજસિંહને મુખ્ય પ્રધાનના હોદ્દે કન્ફર્મ નહીં કરાવે ત્યાં લગી એમનું કેન્દ્રમાં પ્રધાન બનાવવાનું અશક્ય જણાય છે. જ્યોતિરાદિત્યને ભાજપમાં લાવવામાં એમની બંને ફોઈઓની ભૂમિકા મહત્વની રહી. મોટાં ફોઈ વસુંધરા રાજે રાજસ્થાનમાં ભાજપી મુખ્ય પ્રધાન રહ્યાં છે. એમનો પુત્ર દુષ્યંત સિંહ ભાજપનો સાંસદ છે. નાનાં ફોઈ યશોધરા રાજે પણ ભાજપમાં છે અને અગાઉ શિવરાજસિંહ સરકારનાં પ્રધાન રહ્યાં. ફોઈઓએ જ્યોતિરાદિત્યના ભાજપમાં જોડાવાને આવકારો આપ્યો છે.

જ્યોતિરાદિત્ય વડોદરાના રાજવી પરિવારના સંગ્રામસિંહ ગાયકવાડ અને આશાદેવીના જમાઈ છે. જોકે સંગ્રામસિંહનો પરિવાર રાજમાતા શુભાંગી રાજે અને ‘મહારાજા’ સમરજીત સિંહ ગાયકવાડથી સાવ અલગ છે. શુભાંગી રાજે ભાજપનાં ઉમેદવાર તરીકે ખેડા લોકસભા બેઠક પરથી ચૂંટણી લડીને હાર્યાં હતાં. એવું પ્રચારિત કરાયું હતું કે વડોદરાના કનેક્શનથી જ્યોતિરાદિત્ય ભાજપમાં જોડાયા, પણ હકીકતમાં એ ફોઈઓના આગ્રહથી જ સત્તાપક્ષમાં આવ્યા છે. સિંધિયા પરિવાર આ બાબતમાં એકમેકની સામે નથી.

અત્યારના સંજોગોમાં શાંત બેઠેલા મહારાજ આવતા દિવસોમાં પોતાને અને પોતાના ટેકેદારોને ભાજપનાં સત્તાસમીકરણોમાં ગોઠવવામાં સફળ નહીં થાય તો એમની ઘરવાપસીની શક્યતા પણ વર્તાઈ રહી છે. એક બાજુ, જ્યોતિરાદિત્યને પૂર્વ રાજવી પરિવારો અને રાજપૂતોના નેતા તરીકે પ્રોજેક્ટ કરવાની કોશિશો ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં થઇ રહી છે. કેટલાંક ગણતરીબાજ રાજકીય વ્યક્તિત્વોને એમનામાં આવતાં છ વર્ષમાં વડા પ્રધાન મોદી નિવૃત્તિની વયે પહોંચે ત્યારે એમના અનુગામી જોવા મળે છે, પણ આવી ગણતરી માંડીને ભાજપમાં મહારાજનું ઉજ્જવળ ભાવિ જોવા ઇચ્છુકો વિસરી જાય છે કે ગ્વાલિયર રાજવી પરિવાર એ મરાઠા છે. વળી, વડા પ્રધાન નરસિંહરાવ સાથે વાંકું પડ્યાના મુદ્દે માધવરાવ પણ કોંગ્રેસ છોડી ગયા હતા અને કોંગ્રેસમાં એમની ઘરવાપસી થઇ હતી. માધવરાવે ક્યારેય સોનિયા ગાંધીના પરિવાર સામે નિવેદનો કર્યાં નહોતાં. પોતાના પિતા જેમ જ હજુ સુધી જ્યોતિરાદિત્ય પણ કમલ નાથ અને દિગ્વિજય સિંહ સામે ટીકાત્મક નિવેદનો કરતા રહ્યા હોવા છતાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી કે રાહુલ ગાંધી સામે નિવેદનો કરવાનું ટાળતા રહ્યા છે.

ભોપાલમાં હજુ ચર્ચા છે કે જ્યોતિરાદિત્ય વિદેશ પ્રધાન કે અન્ય મહત્વના ખાતાના કેન્દ્રીય પ્રધાન ના બની શકે અને પોતાના ટેકેદારોને સત્તા અપાવી ના શકે તો એ ફરી પલટી મારી શકે. વિધાનસભાની જે બેઠકોની પેટા-ચૂંટણી છે એ મોટેભાગે ગ્વાલિયર અને આસપાસના મહારાજ અને ગૃહ પ્રધાન ડો. નરોત્તમ મિશ્રાના વિસ્તારની છે. આ ચૂંટણીમાં ભાજપ ભારે બહુમતી મેળવે તો મહારાજ કે ડો. મિશ્રા મુખ્ય પ્રધાનના હોદ્દે પણ આવી શકે. શિવરાજ મુખ્ય પ્રધાન ચાલુ રહે અને ભાજપના કોંગ્રેસના ધારાસભ્યોને પક્ષપલટા કરાવવાના ઓપરેશનના પ્રભારી ડો. મિશ્રા પણ રાજ્યની સરકારમાં પ્રધાન રહે તો મહારાજ કેન્દ્રમાં બ્યૂરોકરેટમાંથી વિદેશ પ્રધાન બનેલા જયશંકર કરતાં વધુ પ્રભાવી વિદેશ પ્રધાન સાબિત થઇ શકે. એમને કેન્દ્રમાં લેવાય અને એમના કેટલા સમર્થકો રાજ્યમાં પ્રધાન બની શકે એના પર આવતીકાલનાં સત્તાસમીકરણનો મદાર છે.

કમલ નાથ હજુ આશાવાદી

નવ-નવ વખત છિન્દવાડા બેઠક પરથી લોકસભામાં ચૂંટાયેલા અને મુખ્ય પ્રધાન થયેલા કમલ નાથ હજુ ભોપાલમાં કોંગ્રેસની સરકાર સ્થાપવાની બાબતમાં આશાવાદી છે. આટઆટલા વરિષ્ઠ નેતા હોવા છતાં કમલ નાથે તો વચ્ચે કહ્યું કે હું પૂર્વ સાંસદ અને દસ વર્ષ લગી મુખ્ય પ્રધાન રહેલા દિગ્વિજયસિંહના ભરોસે રહ્યો. જોકે આ નિવેદન અખબારનવીશોએ વિકૃત કરી મૂક્યાની શક્યતા વધુ છે. હમણાં હમણાં પત્રકારોને વીડિયો પર સંબોધતાં કમલ નાથે જે દાવો કર્યો એમાં એમણે સ્પષ્ટતા કરી કે દિગ્ગી રાજા અને હું બંને આટલા બધા અમારા સાથી સાથ છોડી જશે એવું માનતા નહોતા.

સિંધિયાના ગ્વાલિયર અને દિગ્ગી રાજાના પાંચ-છ ગામના રજવાડા વચ્ચે પરાપૂર્વથી ખટરાગ ચાલ્યો આવે છે. હવે કમલ નાથ દાવો કરી રહ્યા છે કે આવતા દિવસોમાં ૨૪ બેઠકોની પેટા- ચૂંટણી થશે એમાં છેતરાયેલા મતદારો કોંગ્રેસને બહુમતી આપી ચૂંટશે અને ફરીને ભોપાલમાં કોંગ્રેસની સરકાર આરૂઢ થશે. ગત નવેમ્બર ૨૦૧૮ની વિધાનસભા ચૂંટણી પરિણામો કોંગ્રેસને બહુમતી આપનારાં હતાં. મુખ્ય પ્રધાનપદની હોડમાં પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ નાથ અને સ્ટાર પ્રચારક તેમજ પક્ષના રાષ્ટ્રીય મહામંત્રી જ્યોતિરાદિત્ય બેઉ હતા. નાથ મુખ્ય પ્રધાન થતાં નારાજ સિંધિયાને પ્રદેશ અધ્યક્ષ પણ ના બનાવાયા એટલે રાહુલની ટીમના સભ્ય હોવા છતાં તેમણે ભાજપ સાથે મંત્રણાઓ આરંભી દીધી હતી.

કુલ ૨૩૦ બેઠકની વિધાનસભામાં નવેમ્બર ૨૦૧૮ની ચૂંટણીને પગલે કોંગ્રેસ પાસે ૧૧૪ બેઠકો હતી. ૪ અપક્ષ ઉપરાંત બહુજન સમાજ પક્ષ (માયાવતી)ના બે અને સમાજવાદી પક્ષ (અખિલેશ)ના એક સભ્યના ટેકા સાથે કમલ નાથ ૧૭ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ મુખ્ય પ્રધાન થયા હતા. એમના પક્ષના ૨૨ ધારાસભ્યોને ભાજપ થકી બેંગલુરુ લઇ જવાયા અને લાંબી ખેંચતાણને અંતે એમણે પક્ષમાંથી રાજીનામાં આપ્યાં એટલે બહુમતી ગુમાવી દેતાં ૨૦ માર્ચ ૨૦૨૦ના રોજ નાથે મુખ્ય પ્રધાનના હોદ્દેથી રાજીનામું આપવું પડ્યું હતું. ૨૩ માર્ચે શિવરાજસિંહ મુખ્ય પ્રધાન બન્યા હતા. વિધાનસભામાં ચૂંટાયા બાદ કોંગ્રેસ અને ભાજપના એક-એક સભ્યનું મૃત્યુ થયું હતું એટલે અત્યારે ધારાસભામાં ૨૪ બેઠકો ખાલી છે. ભાજપ પાસે ૧૦૭ અને કોંગ્રેસ પાસે ૯૨ બેઠકો છે.

હવે આવતા દિવસોમાં ૨૪ બેઠકોની ચૂંટણી યોજાય ત્યારે મધ્ય પ્રદેશનું સત્તાકોકડું ઉકેલાશે કે સ્થિતિ પ્રવાહી જ રહેશે એ નક્કી થશે.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter