ગુજરાતના કાયદા પ્રધાન રહેલા અશોક ભટ્ટે ક્યારેક ગુજરાત હાઈ કોર્ટમાં ગુજરાતી ભાષાનું પ્રભુત્વ સ્થાપવા ઈચ્છુક હતા. અદાલતોનો વ્યવહાર રાજ્યની ભાષામાં ચાલે એ સ્વાભાવિક અપેક્ષા રહે. જ્યારે ઉત્તર ભારતના હિંદી ભાષી રાજ્યોમાં વડી અદાલતોનો વ્યવહાર હિંદી ભાષામાં ચાલતો હોય, ચુકાદા હિંદીમાં અપાતા હોય ત્યારે ગુજરાતની હાઈ કોર્ટમાં પણ રાજ્યની ભાષામાં જ વ્યવહાર ચાલે એ આવકાર્ય લેખાય. મામલો સર્વોચ્ચ અદાલતે કે સુપ્રીમ કોર્ટે જાય તો સંબંધિત ગુજરાતી ચુકાદાઓનો અનુવાદ કરાય અને એ અંગેના દસ્તાવેજો સહિતની સામગ્રી અંગ્રેજીમાં ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થાને કારણે અનુવાદકોને રોજગાર મળે એ વાત પણ સમજી શકાય છે. અશોકભાઈ જીવિત હતા ત્યાં લગી તો એમની અપેક્ષા સાકાર થવાનું શક્ય બન્યું નહીં, પણ હમણાં અણધાર્યું ખૂબ જ હાઈપ્રોફાઈલ કેસની સુનાવણીમાં વડી અદાલતની કામગીરી ગુજરાતીમાં હાથ ધરવાના સંજોગો પેદા થયા ત્યારે સદ્ગત કાયદા પ્રધાન ભટ્ટનું સ્મરણ થવું સ્વાભાવિક છે.
જોકે, આ ખટલા પૂરતું જ કામકાજ ગુજરાતીમાં ચાલશે કે ભવિષ્યમાં પણ અન્ય ખટલાઓ ગુજરાતીમાં જ ચલાવાય એવી મોકળાશ જોવા મળશે, એ વિશે હજુ અનિશ્ચિતતા હોવા છતાં હરખ કરવાના સંજોગો સર્જાયા એટલું તો જરૂર નોંધી શકાય. આજે અપવાદરૂપ સંજોગોમાં ગુજરાત હાઈ કોર્ટે ગુજરાતીમાં કાર્યવાહી હાથ ધરવાનું સ્વીકાર્યું છે તો કાલ ઊઠીને એના અમલ માટે મોકળાશની આશા જરૂર જાગે છે.
જસ્ટિસ કાત્જુથી જસ્ટિસ બેલા ત્રિવેદી
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિવૃત્ત થયેલા જસ્ટિસ માર્કન્ડેય કાત્જુએ જ્યારે તેઓ મદ્રાસ હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા ત્યારે તમિળ ભાષામાં અદાલતના કામકાજની મોકળાશ બક્ષી હતી. આ વખતે ગુજરાતની વડી અદાલતનાં જસ્ટિસ બેલા ત્રિવેદીએ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસના અહમદ પટેલની જીતને પડકારતી ભાજપના બળવંતસિંહ રાજપૂતની અરજીના સંદર્ભમાં પ્રશ્નોત્તરી ગુજરાતીમાં થાય એવી મોકળાશ કરી આપી છે. ગોકુલ ઓઈલના સૂત્રધાર અને સિદ્ધપુરના કોંગ્રેસી ધારાસભ્ય રહેલા બળવંતસિંહે પોતાના ગુરુ અહમદભાઈ વિરુદ્ધ છેલ્લી રાજ્યસભાની ચૂંટણી લડવા માટે ભાજપમાં જઈ ઉમેદવારી કરી હતી. જોકે, કોંગ્રેસના શંકરસિંહનિષ્ઠ ૧૪ ધારાસભ્યોને ભાજપે ખેરવ્યા છતાં બળવંતસિંહ પરાજિત થયા અને એમણે અહમદભાઈની જીતને વડી અદાલતમાં પડકારી હતી. અદાલમાં ખટલાની કાર્યવાહી શરૂ થતાં અંગ્રેજીમાં પૂછવામાં આવતા સવાલોના ઉત્તર વાળવાનું બળવંતસિંહ માટે મુશ્કેલ હોવાથી અને પોતાને અંગ્રેજી નહીં આવડતું હોવાની કબૂલાતને પગલે ન્યાયાધીશ બેલાબહેને એમને ગુજરાતીમાં પ્રશ્નોત્તરી માટે મોકળાશ કરી આપી હતી. ભોપાલની બરકતઉલ્લાહ યુનિવર્સિટીમાંથી ડિસ્ટન્સ લર્નિંગથી ગ્રેજ્યુએટ થયેલા બળવંતસિંહ અંગ્રેજી દસ્તાવેજો વાંચવામાં મુશ્કેલી અનુભવતા હતા. પોતે અંગ્રેજીમાં સોગંદનામું કર્યું હોવા છતાં એ વાંચવામાં મુશ્કેલી અનુભવતા હોવાથી ન્યાયાધીશે ગુજરાતીમાં કાર્યવાહી ચલાવી.
ભારતીય લશ્કરને ખાદ્યતેલનો પુરવઠો
બળવંતસિંહ સિદ્ધપુરના ધારાસભ્ય તરીકે કોઈ ભથ્થાં કે પગાર નહીં લેનાર જૂજ ધારાસભ્યોમાંના એક રહ્યા છે. ઉદ્યોગપતિ હોવાને કારણે એમણે પગાર-ભથ્થાં લેવાનું કાયમ ટાળ્યું છે. કોંગ્રેસના બળવંતસિંહ રાજપૂત અને ભાજપના મહેન્દ્ર મશરૂ (જૂનાગઢ) એ બે જ ધારાસભ્યો ધારાસભ્ય તરીકે પગાર-ભથ્થાં લેતા નહોતા. જોકે, મશરૂ તો જૂનાગઢની જિલ્લા સહકારી બેંકમાં નોકરી કરતા હતા એટલે ત્યાંથી પગાર લેતા હતા. બે જગ્યાએથી પગાર અને ભથ્થાં ના લઈ શકાય એ સ્વાભાવિક છે. બળવંતસિંહના નેજા હેઠળની કંપની ગોકુલ ઓઈલ થકી ભારતીય લશ્કરને ખાદ્યતેલ પૂરો પાડવાનો મસમોટો કોન્ટ્રાક્ટ તેમની પાસે હતો. હવે તો ગોકુલ યુનિવર્સિટીનું પણ સંચાલન કરી રહ્યા છે અને ભાજપમાં આવ્યા પછી ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (જીઆઈડીસી)ના અધ્યક્ષ તરીકેની જવાબદારી પણ બળવંતસિંહને સોંપવામાં આવી છે. નવાઈની વાત એ છે કે ભાજપના અગ્રણી જયનારાયણ વ્યાસને હરાવીને કોંગ્રેસી ધારાસભ્ય બનેલા બળવંતસિંહ ડિસેમ્બર ૨૦૧૭ની ચૂંટણીમાં જયનારાયણના ટેકામાં હોવા છતાં આ બેઠક પર ફરીને જયનારાયણ હાર્યા અને કોંગ્રેસના ચંદનજી ઠાકોર જીત્યા હતા!
મહેન્દ્રસિંહના વેવાઈ હોવાનું રાજકારણ
બળવંતસિંહ અને મહેન્દ્રસિંહ શંકરસિંહ વાઘેલા વેવાઈ છે. મુખ્ય પ્રધાન રહેલા શંકરસિંહ વાઘેલાએ હમણાં નવું ઘર માંડ્યું અને શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં જોડાયા. બળવાખોર બાપુ તરીકે જાણીતા શંકરસિંહ મૂળ તો સંઘ-જનસંઘ ગોત્રના હોવા છતાં ૧૯૯૫માં ભાજપની સરકાર આવી ત્યારે કેશુભાઈ પટેલ અને નરેન્દ્રભાઈ મોદીની જોડી સાથે જામ્યું નહીં અને ખજૂરાહો ફેઈમ કાંડથી ભાજપ તોડીને રાષ્ટ્રીય જનતા પાર્ટી રચી મુખ્ય પ્રધાન બન્યા હતા. જોકે, એ ખેલ ઝાઝો ચાલ્યો નહીં એટલે વિંટો વાળીને કોંગ્રેસના શરણમાં જવાનું પસંદ કર્યું હતું. બાપુ કોંગ્રેસને ફળ્યા કે નહીં એ જુદી વાત છે, પણ કોંગ્રેસે બાપુને ભરપટ્ટે હોદ્દા બક્ષ્યા. પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ, કેન્દ્રીય પ્રધાન, કેન્દ્રીય પ્રધાન સમકક્ષ ચેરમેન પદ ઉપરાંત વિધાનસભામાં વિપક્ષના નેતાનું પદ પણ મળ્યા પછી બાપુએ કોંગ્રેસથી ફારેગ થવાનું અને જનવિકલ્પનો અખતરો કરી જોવાનું અજમાવી જોયું. ઝાઝું પામ્યા નહીં એટલે હવે જીવનની આખરી રમત હોય તેમ શરદ પવારને શરણે જઈને કાયમ પ્રમુખ રહેતા બાપુએ રાષ્ટ્રવાદી કોંગ્રેસના મહામંત્રી થવાનું કબૂલ્યું છે.
બાપુ અને એમના પાટવીકુંવર મહેન્દ્રસિંહનું રાજકારણ પણ નોખું ચાલે છે. જેમ બળવંતસિંહ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાતાં બાપુની સલાહ લેવા રોકાયા નહોતા એમ મહેન્દ્રસિંહ પણ કોંગ્રેસમાંથી ભાજપમાં અને ત્યાંથી ક્યાં છે એ કહેવું મુશ્કેલ છે.
(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)