ભારતનું બટુક રાજ્ય ગોવા આજકાલ એના બબ્બે પૂર્વ મુખ્ય પ્રધાનોને સંડોવતા કરોડો રૂપિયાના લાંચકૌભાંડ જ નહીં, વર્તમાન મુખ્ય પ્રધાનના સાઢુભાઈના લાંચકાંડથી ચર્ચામાં છે. હજુ માંડ પ૪ વર્ષ પહેલાં લશ્કરી કાર્યવાહીથી ભારતમાં ભેળવાયેલું અગાઉનું પોર્ટુગાલ-શાસિત ગોવા સાવ ટચુકડું રાજ્ય છે. આયારામ-ગયારામની રાજકીય પરિસ્થિતિ થકી સત્તાપલટાઓની પરંપરા અને ભ્રષ્ટાચાર તેમ જ લાંચકાંડથી એ કાયમ ફાટફાટ થતું રહ્યું છે.
ક્યારેક સોનાની દાણચોરી માટે નામચીન ગણાતા ચર્ચિલ આલેમાવ ૧૮ દિવસ માટે ગોવાના મુખ્ય પ્રધાન બન્યા હતા. આજે એ લુઈસ બર્જર કથિત લાંચ પ્રકરણમાં જેલવાસ ભોગવી રહ્યા છે. એમનું રાજકીય ગોત્ર કોંગ્રેસ છે. આજકાલ પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ સાથે સંકળાયેલા રહ્યા છે. એ કોંગ્રેસી સાંસદ, ધારાસભ્ય અને ગોવાના પ્રધાન પણ રહ્યા છે. ચર્ચિલનું કહેવું છે કે એક જ સમાન ગુનો કરનારા બે આરોપી માટે અલગ અલગ ન્યાય કેમ ચાલે? એ વેળા હું જાહેર બાંધકામ ખાતાનો પ્રધાન હતો, પણ મારા મુખ્ય પ્રધાન અને નાણાંપ્રધાન તો દિગંબર કામત હતા. મને જેલ અને કામતને જામીન એ તો હળાહળ અન્યાય છે! આલેમાવનો પ્રશ્ન ભૂતકાળની સમાંતર ઘટના તાજી કરે છેઃ બાબરી ધ્વંશ પ્રકરણમાં તત્કાલીન કેન્દ્રીય ગૃહ પ્રધાન લાલ કૃષ્ણ અડવાણીને નિર્દોષ ગણાવાયા અને માનવ સંસાધન પ્રધાન ડો. મુરલી મનોહર જોશીને દોષિત ઠરાવાયા ત્યારે વાજપેયી સરકારમાંથી ડો. જોશીએ રાજીનામું આપ્યું હતું!
ગોવાની વિશાળ જળ યોજનાનો કરાર મેળવવા માટે અમેરિકી કંપની લુઈસ બર્જરે ૬ કરોડ રૂપિયા કરતાં પણ વધુ રકમની લાંચ ગોવાના રાજકીય શાસકોને ચુકવી હોવાનું પ્રકરણ ગોવાની ક્રાઈમ બ્રાન્ચ પોલીસની તપાસ હેઠળ હતું. ચર્ચિલને જેલભેગા કરવામાં આવ્યા અને તપાસ આગળ ચાલી રહી હતી ત્યાં અદાલતના ન્યાયાધીશ બી. પી. દેશપાંડેએ પૂર્વ મુખ્ય પ્રધાન દિગંબર કામતને આગોતરા જામીન આપ્યા એટલે વિવાદ વધુ વણસ્યો.
ગોવાથી લઈને ગુવાહાટી-આસામ સુધી લુઈસ બર્જર લાંચકાંડના પડઘા પડી રહ્યા છે. કારણ માત્ર ગોવામાં જ નહીં, આસામમાં પણ કોંગ્રેસશાસિત સરકારના સમયગાળામાં અમેરિકી કંપનીએ એના મહાપ્રકલ્પોના કોન્ટ્રાક્ટ મેળવ્યા છે. લાંચનાં નાણાંની વ્યવસ્થા દુબઈથી હવાલા કારોબારી રાયચંદ સોની થકી થયાની હકીકત પ્રકાશમાં આવી. સોનીને પણ અદાલતે જામીન આપ્યા છે.
ગોવામાં અત્યારે ભારતીય જનતા પક્ષ અને મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી (મ.ગો.પા.)ની સંયુક્ત સરકાર છે. વર્ષ ર૦૧રમાં ગોવા વિધાનસભાની ચૂંટણીમાં ૪૦માંથી ર૧ બેઠકો મેળવીને ભાજપ સત્તાનો દાવો કરી શકી. એની સાથે મ.ગો.પા.ના ત્રણ ધારાસભ્યો પણ જોડાયેલા છે. ર૦૧રની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ લગી અહીં કોંગ્રેસની અને એના મુખિયા દિગંબર કામતની સરકાર હતી. આ કામત ૧૯૯૪થી ર૦૦પ સુધી ભાજપમાં હતા. ર૦૧રની ચૂંટણીના પગલે મુંબઈ આઈઆઈટીના સ્નાતક અને ભ્રષ્ટાચારમુક્ત છબિ ધરાવતા મનોહર પર્રીકરની સરકાર બની. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આગ્રહ કરીને પર્રીકરને ભારતના સંરક્ષણ પ્રધાન બનાવ્યા એટલે નવેમ્બર ર૦૧૪થી ગોવામાં લક્ષ્મીકાંત પાર્સેકરની સરકાર બની.
ગોવા ભાજપમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પ્રભાવ તો કાયમ રહ્યો છે, પરંતુ એની વર્તમાન રાજ્ય સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન તરીકે જવાબદારી નિભાવતા રોમન કેથલિક ધારાસભ્ય ફાન્સિસ ડિ’સોઝા તો જુલાઈ ર૦૧૪માં ભારતને ‘હિંદુરાષ્ટ્ર’ ગણાવીને અને ખ્રિસ્તીઓ માટે ‘ખ્રિસ્તી-હિંદુ’ શબ્દપ્રયોગ માટે વિવાદમાં આવ્યા હતા. સ્વયં પર્રીકર સંઘના સ્વયંસેવક હોવા છતાં ગોવાના ખ્રિસ્તી સમુદાયના આર્કબિશપના કૃપાપાત્ર છે. દિલ્હીમાં પ્રધાનપદે જતાં પૂર્વે એ આર્કબિશપના આશીર્વાદ લઈને જ ગયા હતા. અત્યારના મુખ્ય પ્રધાન પાર્સેકરની સરકારમાં ભાજપનાં શ્રીમતી અલિના સલધાના અને અપક્ષ ધારાસભ્ય અવેર્તાના ફુર્તેદો એ બે બીજાં ખ્રિસ્તી પ્રધાન ઉપરાંત મ.ગો.પા.ના ત્રણમાંથી બે ધારાસભ્યો પણ પ્રધાન છે.
ગોવાના બહુચર્ચિત લાંચકાંડમાં સપડાયેલા દિગંબર કામત પણ ભાજપના નેતા જ નહીં, પ્રધાન તરીકે ય રહ્યા છે. ૧૯૯૪માં કોંગ્રેસ થકી એમની વિધાનસભાની ટિકિટ કાપી નાંખવામાં આવતાં એમણે કોંગ્રેસને અલવિદા કરીને ભાજપમાં જોડાવાનું પસંદ કર્યું હતું. છેક ર૦૦પ સુધી એ ભાજપમાં રહ્યા. એ પછી સ્વગૃહે પાછા ફર્યા અને જુલાઈ ર૦૦૭થી ર૦૧ર સુધી કોંગ્રેસની સરકારના મુખ્ય પ્રધાન રહ્યા. અત્યારે એ વિપક્ષમાં મડગાંવના કોંગ્રેસી ધારાસભ્ય તરીકે બેસે છે. જ્યારે હાલ જેલવાસ ભોગવી રહેલા ચર્ચિલ આલેમાવ ગોવા વિધાનસભાની છેલ્લી ર૦૧રની ચૂંટણીમાં હારી ગયા હોવાથી છેલ્લાં ત્રણ વર્ષથી ના તો ધારાસભ્ય છે કે ના સાંસદ.
દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રાજકીય ભવિષ્ય માટે પણ ગોવા ખૂબ જ નિર્ણાયક સાબિત થયું છે. વર્ષ ર૦૦રના ગોધરા-અનુગોધરા કાંડ પછી ભાજપની ગોવામાં મળેલી રાષ્ટ્રીય કારોબારી વખતે ‘રાજધર્મ’ નિભાવવા ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના ઈશારે રાજીનામું આપવાનો પ્રસંગ આવ્યો ત્યારે એ વેળાની ભારત સરકારમાં અટલજીના ડેપ્યુટી અને પ્રભાવી ભાજપી નેતા લાલ કૃષ્ણ અડવાણીએ મોદીને બચાવી લીધા હતા. છેલ્લે ગોવામાં જ મોદીને ભાજપના વડા પ્રધાનપદના ઉમેદવાર જાહેર કરાયા ત્યાર સુધીમાં તો અડવાણી વંકાઈ ચુક્યા હતા; પરંતુ તત્કાલીન મુખ્ય પ્રધાન મનોહર પર્રીકરે બાજી બરાબર સંભાળી લીધી હતી. ગોવામાં ભાજપનાં મૂળિયાં વધુ મજબૂત કરવાનું શ્રેય મનોહર પર્રીકરને આપવું પડે.
હમણાં ગોવાના ભાજપી મુખ્ય પ્રધાન પાર્સેકરના સાઢુભાઈ દિલીપ માલવણકર અને ગોવા ઔદ્યોગિક વિકાસ નિગમ(જીઆઈડીસી)ના અજિત ગૌણેકરની બીજા એક લાંચ પ્રકરણમાં ધરપકડ કરવામાં આવી હતી. ભાજપી મુખ્ય પ્રધાને એમને બચાવવાનો જરા પણ પ્રયાસ નથી કર્યો. બેઉને અદાલતે પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. તુએમ ઔદ્યોગિક વસાહતમાં જયપુરના ઉદ્યોગપતિ સંજય કુમાવતને બે વર્ષ પહેલાં ફાળવાયેલો પ્લોટ તેમના નામે થયો નહીં હોવાથી જીઆઈડીસીના ફિલ્ડ મેનેજર માલવણકર અને ગૌણકરે બે લાખ રૂપિયામાં પ્લોટ નામે કરી આપવાની ખાતરી આપી હતી. એમાંના પ૦ હજાર રૂપિયા ચુકવાઈ રહ્યા હતા ત્યારે ગોવા પોલીસના ભ્રષ્ટાચાર નિરોધક વિભાગે બેઉને રંગેહાથ પકડી લીધા હતા.
ક્યારેક ભાજપના નેતા અને ભાજપના ક્વોટામાંથી ગોવાના પ્રધાન રહેલા દિગંબર કામત હજુ વધુ પ્રકરણોમાં સંડાવાશે. તેમના સાળા ગૌરીશ(પિંકી) લવંડેની હોટેલ લા કેપિટોલ ખાતેની ઓફિસે ક્રાઈમ બ્રાન્ચ અને એન્ફોર્સમેન્ટ વિભાગે દરોડા પાડીને લુઈસ બર્જર કાંડની ફાઈલો જપ્ત કરી છે. આ ફાઈલો સરકારી કાર્યાલયોમાંથી ગુમ કરાઈ હોવાનું પોલીસના ધ્યાને આવતાં કામત અને એમના સાળાના ઘર તથા કાર્યાલય ઉપરાંત કામતના દીકરાના સસરા નરહર ઠાકુરના અલ્તિનોસ્થિત ઘરે પણ દરોડા પાડ્યા હતા. તપાસ એજન્સીએ પૂરતા પુરાવા એકઠા કર્યા હોવા ઉપરાંત સમગ્ર કાંડમાં ભાગીદાર મનાતા ચર્ચિલ આલેમાવ થકી ઊઠાવાયેલા પ્રશ્નોએ ગોવાના ભૂતપૂર્વ કોંગ્રેસી મુખ્ય પ્રધાન કામતના ગળા ફરતે ગાળિયો વધુ મજબૂત બનાવ્યો છે. કેન્દ્ર અને રાજ્ય બેઉમાં ભાજપ સત્તારૂઢ હોવાને કારણે કામત કે આલેમાવને માટે બચવાનું મુશ્કેલ છે; કારણ હવે તેમના ગોડફાધર તેમના તારણહાર બનવાની સ્થિતિમાં નથી.