કોરોનાનું સંકટ હજુ ટળ્યું નથી અને હિંદુરાષ્ટ્રમાંથી સેક્યુલર વાઘા ચડાવીને ચીનની સોડમાં ઘૂસેલું નેપાળ હવે બેપાંદડે થવા માંડ્યું છે: એણે બંધારણમાં સુધારો કરીને ભારતના ઉત્તરાખંડ રાજ્યમાં આવતા ત્રણ ભારતીય પ્રદેશ કાલાપાની, લિપુલેક અને લિમ્પિયાધુરાને પોતાના પ્રદેશ તરીકે નેપાળના નકશામાં સામેલ કરી દીધા છે. એ વિસરી જાય છે કે પરોપજીવીની જીવાદોરી લાંબી નથી હોતી અને જેટલા દિવસ એ ટકે ત્યાં લગી એણે એના સૂત્રધાર (ચીન)ના ઈશારે જ નર્તન કરવું પડે છે.
સીમા વિવાદ તો અનેક દેશો વચ્ચે હોય છે, પણ એમાં કંઈ પોતાના નકશા બદલવા માટે સંસદમાં બંધારણ સુધારા કરીને એકાએક પારકી ભોમકાને પોતાના નકશામાં પોતીકી બતાવી દેવાથી વાત પતી જતી નથી, પણ કડવાશ અને ટકરાવ અહીંથી શરૂ થાય છે. રાજધાની કાઠમાડૌંમાં માસ્ક પહેરીને મળેલા નીચલા ગૃહના સાંસદોએ સર્વાનુમતે ભારતીય પ્રદેશ પોતાનામાં ભેળવવાનો નિર્ણય કરી લીધો અને સ્વાભાવિક રીતે જ ભારત આ અટકચાળાને કબૂલ ના જ રાખે.
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે એના ઐતિહાસિક આધાર વિનાના આ અટકચાળાને બિનટકાઉ લેખાવ્યો. તેમણે કહ્યું પણ ખરું કે “નેપાળની રાષ્ટ્રીય સભાએ મંજૂર બંધારણ સુધારા વિધેયક અન્વયે ભારતીય પ્રદેશને નેપાળના નકશામાં આમેજ કરીને પોતાના પ્રદેશનું બનાવટી વિસ્તરણ કર્યું છે. આ પગલું સરહદી વિવાદ ઉકેલવાની બાબતમાં ચાલતી મંત્રણાઓની સમજૂતીનું ઉલ્લંઘન કરવા સમાન છે.” નીચલા ગૃહમાં મંજૂર વિધેયકને ઉપલા ગૃહની મંજૂરી પણ ખપે છે. રાષ્ટ્રહિતની વાત આવે ત્યારે ભાગ્યે જ કોઈ એનો વિરોધ કરે. બંને ગૃહો એને પસાર કરે એટલે એ રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી કને મંજૂરી માટે જવાની પ્રક્રિયા થયા પછી પણ ભારતીય પ્રદેશનો કબજો નેપાળને મળવાનો નથી.
નેપાળી સંસદમાંય વિરોધ ઊઠ્યો
નેપાળી સંસદમાં ભારતને નેપાળનો પ્રદેશ ગપચાવનાર ગણવાની વાત કરીને ભારતીય પ્રદેશને પોતાનામાં જોડી દેવાના વિરોધમાં ભારતે જ ભૂમિકા લીધી છે એવું નથી, સ્વયં નેપાળની સંસદમાં વિપક્ષના અગ્રણી નેતા જિતેન્દ્ર નારાયણ દેવે પણ નેપાળ-ભારત સીમા વિવાદ શાંતિપૂર્ણ મંત્રણાના માધ્યમથી ઉકેલવાની વાત કરી હતી. વાત રાષ્ટ્રના હિતની હોય ત્યારે દેશના દુશ્મન ગણાઇ જવાના ડરથી કેટલાક ભારતતરફી સાંસદોએ કમને વિધેયકનું સમર્થન કરવું પડ્યું છે. જોકે જનતા સમાજવાદી પક્ષનાં ફાયરબ્રાન્ડ સાંસદ સરિતા ગિરિએ તો સંસદમાંથી સભાત્યાગ કરતાં આ વિધેયકનો વિરોધ કર્યો અને આ ત્રણ પ્રદેશ નેપાળના હોવાના પૂરતા પુરાવા નહીં હોવાનું પણ કહ્યું. ચીને પણ રાજા મહેન્દ્રના વખતમાં નેપાળની જમીન ગપચાવી હોવાની વાત પણ એમણે છેડી હતી. સરિતા ગિરિને દેશનાં દુશ્મન ગણવા સુધી કેટલાક લોકો ગયા છે. આમ છતાં, કુલ ૨૭૫ સભ્યોની રાષ્ટ્રીય સભામાં ઉપસ્થિત ૨૫૮ સભ્યોએ સત્તાવાર વિધેયકને સમર્થન આપ્યું એટલે બંધારણ બદલવા માટે બે-તૃતીયાંશ બહુમતી જોઈએ એના કરતાં વધુ સમર્થન પ્રાપ્ત થયું છે. નેપાળમાં હવે રાજાશાહી નથી રહી અને હિંદુ રાષ્ટ્ર પણ નથી રહ્યું. વામપંથીઓની બોલબાલા છે ત્યારે એના પર બીજિંગનો પ્રભાવ વધુ હોય એ સ્વાભાવિક છે.
ઇસ્લામાબાદ-કાઠમાડૌંની વિવશતા
સામાન્ય રીતે નેપાળના વર્તમાન વડા પ્રધાન કે.પી. શર્મા ઓલી ભારત તરફી મનાતા હતા, પણ વર્ષ ૨૦૦૭માં નેપાળના વડા પ્રધાન બનેલા પુષ્પ કમલ દહલ “પ્રચંડ”ના સમયથી ભારત સાથે નેપાળના કાયમના ઉષ્માભર્યા સંબંધોમાં તણાવ આવવાનો શરૂ થયો હતો. સામાન્ય પરંપરા મુજબ નેપાળમાં કોઈ પણ વડા પ્રધાન થાય ત્યારે સૌપ્રથમ એ ભારતની મુલાકાતે આવે, પણ પ્રચંડે આ પરંપરા તોડી એટલું જ નહીં, એમણે પહેલાં ચીન જવાનું પસંદ કર્યું હતું. નેપાળના શાસકોમાં કમ્યૂનિસ્ટ અને માઓવાદીઓ આવ્યા ત્યારથી ભારત સાથેના સંબંધોમાં ફરક પાડવા માંડ્યો. એનું વલણ ચીન તરફ ઢળતું રહ્યું.
ભારત સરકારે ૨૦૧૫માં નેપાળ-ભારતની સરહદે વેપારની નાકાબંધી કરી એ પછી તો નેપાળમાં ભારત વિરોધ વધુ બોલકો થયો. ચીનનું ચલણ અને પ્રભાવ વધવા ઉપરાંત નેપાળમાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇના અડ્ડાઓ અને ભારત વિરોધી પ્રવૃત્તિ બેરોકટોક ચાલતી રહી છે. પાકિસ્તાન પોતે પણ હવે ચીનનું ઓશિયાળું છે. આવા સંજોગોમાં બીજિંગ પોતાનું ધાર્યું આ બંને દેશમાં કરાવી શકે છે. તિબેટને ચીન જે રીતે ઓહિયાં કરી ગયું અને સિક્કિમ દેશ ૧૯૭૫માં જનમતને પગલે ભારતમાં ભળીને ભારતનું સ્વતંત્ર રાજ્ય બન્યો એ પશ્ચાદભૂમાં નેપાળ અને ભૂટાન બેઉ ભારત તથા ચીન સાથે સુમેળ રાખવામાં જ પોતાનું શ્રેય જુએ છે.
રાજનાથસિંહ વિવાદનું નિમિત્ત
ભારતીય પ્રદેશમાં રસ્તા બાંધવાનો અને એનું ઉદઘાટન કરવાનો અધિકાર ભારતના સત્તાવાળાઓને છે. ચીન સાથેના સરહદી વિવાદને પગલે અત્યાર લગી ભારતીય રાજ્ય અરુણાચલ પ્રદેશમાં ભારતના વડા પ્રધાન કે મંત્રીઓ કે પછી દલાઈ લામા જાય ત્યારે બીજિંગ વિરોધ નોંધાવતું રહ્યું છે. હકીકતમાં ભારતના પ્રદેશ અરુણાચલને ચીન દક્ષિણ તિબેટ ગણાવીને વિવાદ સર્જવા આતુર રહે છે. આવું જ કંઈક લડાખ અને ઉત્તરાખંડ સરહદે પણ ચીન કર્યા કરે છે. વચ્ચે બંને દેશના જવાનો વચ્ચે અથડામણ પણ સર્જાઈ હતી. હમણાં હમણાં ઉત્તરાખંડમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ લિપુલેખ ખાતે એક માર્ગના ઉદઘાટન માટે ૮ મે ૨૦૨૦ના રોજ ગયા અને ૧૮ મે ૨૦૨૦ના રોજ નેપાળે સંબંધિત ત્રણ પ્રદેશને પોતીકા ગણાવવાનું ઉંબાડિયું કર્યું.
જોકે સમગ્ર પ્રકરણ અથડામણ સર્જે એવા સંજોગો નથી કારણ ભારત સામે નેપાળ ટકી ના શકે, પણ ચીનના તાલે નર્તન કરીને ચીન પોતાનું વર્ચસ્વ વધારવા આ મુદ્દાને આગળ કરી શકે. ભારતના કાયમ નેપાળ સાથે મધુર સંબંધ રાખવાની નીતિ રહી છે અને કુદરતી આફતોમાં પણ ભારતે નેપાળને મદદ પહોંચાડી છે. જોકે ચીન નેપાળ અને પાકિસ્તાનને ભારત વિરુદ્ધ ભડકાવે અને આ બંને દેશ આવ કુહાડી પગ પર એવું ના કરવા જેટલી સમજદારી જાળવે એ બધાના હિતમાં છે.
(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)