હમણાં ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી મહાત્મા ગાંધીના રામરાજ્યની વિભાવનાને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાકાર કરી રહ્યા હોવાની પ્રગટવાણી વદ્યા એટલે સાહજિક જ અમારા જેવા ગાંધીવિચારના વિદ્યાર્થી રહેલા જણને મન થયું કે મહાત્માએ કેવા રામરાજ્યની કલ્પના કરી હતી અને વર્તમાનમાં કેવું રામરાજ્ય વિજયભાઈના આરાધ્યપુરુષ થકી અમલમાં આણવામાં આવી રહ્યું છે એની વાત મૂકવી. અમે મહાત્માના છેલ્લા અધિકૃત વિચારને મૂકીને વાંચકો પર એ તુલના કરવાનું છોડવાનું પસંદ કરીએ છીએ. રામરાજ્યના અમલ ઉપરાંત સનાતન ધર્મના અનુયાયી તરીકે ગાંધીજીની પ્રસ્તુતિ પણ કેવી રીતે થાય છે એ પણ સમજવાની જરૂર છે.
મહારાષ્ટ્ર કેડરના સંઘનિષ્ઠ આઇએએસ અધિકારી અવિનાશ ધર્માધિકારીએ એકાદ દાયકા સુધી સરકારી સેવા કર્યા પછી રાજીનામું આપીને પુણેમાં ચાણક્ય અકાદમી શરૂ કરી જે અભ્યાસપૂર્ણ વ્યાખ્યાનો આપ્યાં અને રાજકારણમાં પણ હાથ અજમાવી એમણે “ગર્વ સે કહો હમ હિંદુ હૈ”નો કોપીરાઇટ ગાંધીજીને નામે નોંધાવાની ગુસ્તાખી કરી ત્યારે વાસ્તવમાં “હિંદુ હોવાનો ખસૂસ ગર્વ” અનુભવતા મહાત્માના શબ્દોનું કેવું વિકૃતીકરણ થાય છે એ પણ સમજવાની જરૂર ખરી.
મહાત્મા ગાંધીના નામે ચાલતી સંસ્થાઓ અને સરકારના અનુદાન પર જીવીને મહાત્માના સ્વાવલંબનને તિલાંજલિ આપી પોતાને ગાંધીવાદી ગણાવનારાઓ સત્યોક્તિની હિંમત દાખવી ના શકતા હોય ત્યારે કોઈકે તો સત્ય અને તથ્યનું નીરક્ષીર કરવાની જવાબદારી નિભાવવી પડે.
અત્રે એ યાદ રહે કે વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના યુગમાં ભારત સરકારે પ્રકાશિત કરેલા મહાત્મા ગાંધીનાં લખાણોનાં કલેક્ટેડ વર્ક્સના ૧૦૦ ગ્રંથોનાં લખાણો સાથે ચેડાં કરાયાં હતાં. ડો. મનમોહનસિંહ સરકાર દ્વારા નિયુક્ત નારાયણ દેસાઈ સમિતિએ, સુશ્રી દીના ચિ. ના. પટેલના અથાગ પરિશ્રમના પ્રતાપે, એ સાબિત પણ કર્યું હતું.
ગૂજરાત વિદ્યાપીઠના પ્રકલ્પ તરીકે કોઈ પણ જાતનાં ચેડાં વિનાના મૂળ ગ્રંથોના એક જ પેનડ્રાઈવમાં ઈલેક્ટ્રોનિક વર્ષનનું લોકાર્પણ કરવાનો યશ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના નાણાં અને માહિતી પ્રધાન રહેલા અરુણ જેટલીને ફાળે જાય છે. ગૂજરાત વિદ્યાપીઠના નિયામક ડો. રાજેન્દ્ર ખીમાણી કહે છે કે સદગત જેટલીએ તો લંડનની મીડિયા પરિષદમાં બધાને આ ગ્રંથોની ભેટ આપવાનું પુણ્યકાર્ય કર્યું એટલું જ નહીં, પોતાના પરિવારમાં લગ્ન સમારંભમાં પણ એ ભેટ તરીકે આપ્યા હતા.
રામરાજ્ય એટલે હિંદુરાજ્ય નહીં
મહાત્મા ગાંધીના રામરાજ્યની વિભાવના કેવી હતી એ આર. કે. પ્રભુ અને યૂ. આર. રાવ સંકલિત અને સંપાદિત “મહાત્મા ગાંધીના વિચારો” (નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા)માં અધિકૃતપણે નોંધવામાં આવી છે: રામરાજ્ય એટલે હિંદુ રાજ્ય નહીં, પણ દિવ્ય રાજ્ય, - જેમાં રાજા ને પ્રજા બંને હંમેશ ઈશ્વરના ડરમાં જ રહીને ચાલે. મારી પાસે રામ અને રહીમ બંને એક જ છે. હું સત્ય અને અહિંસાથી પર કોઈ બીજો ઈશ્વર નથી જાણતો.” “મારા આદર્શમાં રામની હસ્તી ઇતિહાસમાં હો યા ન હો તેની મને પરવા નથી. મારે સારુ એટલું બસ છે કે આપણો રામરાજ્યનો જૂનો આદર્શ શુદ્ધતમ પ્રજાતંત્રનો છે. તેમાં ગરીબમાં ગરીબ રૈયતને પણ શીઘ્ર અને વ્યય વિના ન્યાય મળી શકતો હતો. કવિએ રામરાજ્યમાં કૂતરાને પણ સહેજે ન્યાય મેળવતો વર્ણવ્યો છે. મારા સ્વપ્નના રામરાજ્યમાં રાય અને રંકના હક એકસરખા સુરક્ષિત હશે... મારી કલ્પનાનું પૂર્ણ સ્વરાજ એટલે રામરાજ્ય - પૃથ્વી પર ઈશ્વરનું રાજ્ય.” મહાત્માના રામરાજ્યમાં સર્વ ધર્મો પ્રત્યે આદર આપવાના ભાવનો પણ સમાવેશ છે.
મહાત્માની દ્રષ્ટિએ હિંદુધર્મ
મહાત્મા ગાંધીની દ્રષ્ટિએ, હિંદુ ધર્મ કોઈ સાંકડો ધર્મમત કે સંપ્રદાય નથી. એના ઉદરમાં સંસારની સર્વ વિભૂતિઓની પૂજાને સ્થાન છે. ધર્મપ્રચારનો જે સામાન્ય અર્થ લેવાય છે તે અર્થમાં એને ધર્મપ્રચારક પંથ નહીં કહી શકાય. એણે અનેક જાતિઓને પોતામાં સમાવી એ સાચું, પણ એ બધું વિકાસક્રમને ન્યાયે અદ્રશ્ય ગતિએ બન્યું છે. હિંદુ ધર્મ દરેક માણસને તેની પોતાની જ શ્રદ્ધા અગર ધર્મની ઢબે ઈશ્વરને ભજવાનો આગ્રહ કરે છે અને તેથી સર્વ ધર્મોની જોડે એની સુલેહ છે. ખ્રિસ્તી ધર્મ તો શું, પણ બીજો કોઈ પણ ધર્મ, જે ઘડીએ મને સત્ય લાગે અને સ્વીકારવાની જરૂર લાગે તે ઘડીએ તે સ્વીકારતાં મને કોઈ અટકાવી શકે એવી દુનિયામાં એકે વસ્તુ નથી. જ્યાં ભય હોય ત્યાં ધર્મ સંભવતો નથી... જો બાઈબલનો મારો અર્થ કરીને હું મને ખ્રિસ્તી કહેવડાવી શકું તો હું તેમ કરવાને જરાય સંકોચ ન ખાઉં. કારણ ગમે તેમ થઇ શકે તો તો હિંદુ, ખ્રિસ્તી અને મુસલમાન એ બધા સમાનાર્થ, સંજ્ઞા થઇ પડે. હું અવશ્ય માનું છું કે ઈશ્વરના દરબારમાં નથી કોઈ હિંદુ કે નથી ખ્રિસ્તી કે નથી મુસલમાન. ત્યાં ઈશ્વર કોઈને નથી પૂછવાનો કે તારો ધર્મ શો હતો, તું તને મુસલમાન કહેવડાવતો હતો કે હિંદુ; ત્યાં તો ઈશ્વર એ જ પૂછશે કે તેં કેવાં કર્મ કર્યાં છે... હું જયારે મને પોતાને સનાતની હિંદુ કહું છું ત્યારે મિત્રો ગૂંચવણમાં પડે છે કારણ કે સનાતની કહેવાતા હિંદુમાં તેઓ સામાન્ય રીતે જે વસ્તુઓ જુએ છે તે મારામાં નથી જોતા. પણ તેનું કારણ તો એ છે કે ચુસ્ત હિંદુ હોવા છતાં હું મારા ધર્મમાં ખ્રિસ્તી, ઇસ્લામી અને જરથોસ્તી ધર્મના ઉપદેશો માટે સ્થાન જોઉં છું.
મહાત્મા ગાંધીના આ વિચારો સાથે જ સ્વામી વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસ પણ છ મહિના સુધી ઇસ્લામના અનુયાયી બનીને રહ્યાની વાતને પણ અહીં ટાંકવાની જરૂર ખરી. અને એટલે જ ગાંધીજી કહે છે કે મારા હિંદુ ધર્મમાં સાંપ્રદાયિક સંકુચિતતા નથી. એમાં ઇસ્લામ, ખ્રિસ્તી ધર્મ, બૌદ્ધ ધર્મ અને જરસ્થોતી ધર્મના સારામાં સારા અંશોનો સમાવેશ થાય છે... સત્ય એ મારો ધર્મ છે, અને અહિંસા એના સાક્ષાત્કારનું એકમાત્ર સાધન છે. તલવારના ન્યાયનો મેં સદાને માટે ત્યાગ કરેલો છે.
ગાંધીજીની અહિંસા વિશે પણ ઘણી વાર ગેરસમજો ફેલાવાય છે. હિંસા કરતાં અહિંસાને વધુ ચડિયાતી માનનારા મહાત્મા કહે છે કે “આખી પ્રજા નામર્દ બની જાય તેના કરતાં તો હું હિંસાનું જોખમ ખેડવાનું હજાર વાર પસંદ કરું છું. હું જરૂર માનું છું કે જો નામર્દાઈ અને હિંસા વચ્ચે જ પસંદગી કરવાની હોય તો હું હિંસા પસંદ કરું... હું હિંસક પદ્ધતિમાં માનનારાઓને શસ્ત્રો વાપરવાની તાલીમ આપવાની તરફેણ કરું છું. હિંદુસ્તાન નામર્દ બનીને તેની માનહાનિનું અસહાય સાક્ષી બને એના કરતાં તો તે પોતાની ઈજ્જતની રક્ષા ખાતર હથિયાર ઉઠાવે તે વાતને હું પસંદ કરું.”
મહાત્માની અહિંસાને સમજ્યા વિના એની ઠેકડી ઉડાવનારાઓ ગાંધીજીની આત્મરક્ષા અર્થે અથવા નિરાધારના રક્ષણ અર્થે કરેલી હિંસામાં શૌર્ય નિહાળવાની વાતને સમજતા જ નથી.
(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)